ખાદ્યતેલની આયાત એપ્રિલમાં ૮ ટકા વધીને ૧૦.૨૯ લાખ ટન થઈ

13 May, 2021 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં પહેલીવાર એપ્રિલમાં રિફાઈન્ડ પામતેલની આયાત ઝીરો રહી : એપ્રિલમાં સોયાતેલની આયાતમાં પણ ૪૯ ટકાનો જંગી ઘટાડો જોવાયો

પ્રતીકાત્મક તસવીર

દેશમાં એપ્રિલ મહિનામાં ખાદ્યતેલની આયાત ફરી એક વખત ૧૦ લાખ ટનને પાર થઈ ચૂકી છે. સોલવન્ટ એક્સટ્રેકટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના આંકડાઓ પ્રમાણે એપ્રિલ મહિનામાં ખાદ્યતેલની કુલ આયાત ૧૦.૨૯ લાખ ટન થઈ હતી જે આગલા મહિનાની તુલનાએ ૮ ટકાનો વધારો બતાવે છે.

દેશમાં માર્ચ મહિનામાં ખાદ્યતેલની કુલ આયાત ૯.૫૭ લાખ ટનની થઈ હતી. જોકે ગત વર્ષે એપ્રિલ-૨૦૨૦માં લૉકડાઉન હોવાથી એ વર્ષે એપ્રિલમાં માત્ર ૭.૯૫ લાખ ટનની આયાત થઈ હતી, જેની તુલનાએ ચાલુ વર્ષે આયાતમાં ૨૧ ટકાનો વધારો બતાવે છે.

દેશમાં એપ્રિલ મહિનામાં રિફાઈન્ડ પામતેલની આયાત ઝીરો રહી, જે માર્ચ મહિનામાં ૨૫૦૦ ટનની થઈ હતી, જ્યારે ક્રૂડ પામતેલની આયાત ૩૬ ટકા વધી છે. આ તરફ સોયાતેલની આયાતમાં વિક્રમી ૪૯ ટકાનો ઘટાડો થઈને માત્ર ૧૨ હજાર ટનની જ આયાત થઈ છે. દેશમાં સોયાબીનના ઊંચા ભાવ અને ક્રશિંગ વધારે હોવાથી તેની આયાતને અસર પહોંચી છે.

દેશમાં ચાલુ સીઝન વર્ષમાં નવેમ્બર ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ દરમ્યાન તમામ ખાદ્યતેલની કુલ આયાત ૬૨.૭૦ લાખ ટનની થઈ છે, જે ગત aથઈ હતી. આમ દેશમાં તેલીબિયાંનો વિક્રમી પાક અને કોરોનાનો કેર હોવા છતાં ખાદ્યતેલની આયાતમાં કોઈ બહુ મોટો ફરક પડ્યો નથી. મામૂલી જ ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ક્રૂડ પામતેલની આયાત ૨૮.૨ લાખ ટનથી વધીને ૩૬.૮ લાખ ટનની આયાત ચાલુ સીઝન વર્ષના પ્રથમ છ મહિનામાં થઈ છે, જ્યારે મલેશિયાનો હિસ્સો ૫.૦૧ લાખ ટનથી વધીને ૧૯.૫ લાખ ટન અને ઇન્ડોનેશિયાનો હિસ્સો ૨૩.૧ લાખ ટનથી ઘટીને ૧૬.૯ લાખ ટનનો થયો છે. આમ ભારતીય રિફાઈનરીઓએ ઇન્ડોનેશિયા કરતાં મલેશિયાથી પામતેલની આયાત વધારી હતી.

પોર્ટ પર ખાદ્યતેલોના સ્ટૉકની સ્થિતિ
દેશમાં પહેલી મેના રોજ વિવિધ પોર્ટ ઉપર ખાદ્યતેલનો કુલ સ્ટૉક ૪.૯૧ લાખ ટનનો રહ્યો છે જેમાં ક્રૂડ પામતેલનો ૨.૨૦ લાખ ટન, રિફાઈન્ડ પામોલીનનો ૧ હજાર ટન, સોયાતેલનો ૮૦ હજાર ટન, ક્રૂડ સનફ્લાવરનો ૧.૯૦ લાખ ટનનો સ્ટૉક છે જ્યારે પાઇપલાઇનમાં માત્ર ૧૮.૦૯ લાખ ટનનો સ્ટૉક પડ્યો છે. આમ સ્ટૉકમાં એપ્રિલની તુલનાએ ૧.૮૯ લાખ ટનનો વધારો જોવા મળ્યો છે.

business news