એમેઝોન ઇન્ડિયાના ચીફને EDએ પાઠવ્યું સમન્સ

28 November, 2021 06:20 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન ઇન્ડિયાના વડા અમિત અગ્રવાલને સમન્સ પાઠવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન ઇન્ડિયાના વડા અમિત અગ્રવાલને સમન્સ પાઠવ્યું છે. અગ્રવાલને આવતા અઠવાડિયે નવી દિલ્હીમાં ED હેડક્વાર્ટરમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. અમિત અગ્રવાલ સહિત ફ્યુચર ગ્રુપના પ્રમોટરોને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA-ફેમા)ના ઉલ્લંઘનની તપાસ કરવામાં આવશે.

એમેઝોનના પ્રવક્તાએ કહ્યું કે “અમને ફ્યુચર ગ્રુપ અંગે ED તરફથી સમન્સ મળ્યા છે. અમને હમણાં જ સમન્સ મળ્યા છે.” કંપનીએ એમ પણ કહ્યું કે તે આપેલ સમયમર્યાદામાં સમન્સનો જવાબ આપશે.

વર્ષ 2019માં Amazon પાસે ફ્યુચર કૂપન્સમાં થોડો હિસ્સો હતો. આ વ્યવહારમાં ફેમા કાયદાનું ઉલ્લંઘન થયું હોવાનું કહેવાય છે. આ અંગે ED તપાસ કરી રહી છે. ફ્યુચર કૂપનની સ્થાપના 2008માં કરવામાં આવી હતી. કંપની કોર્પોરેટ ગ્રાહકોને ભેટ કાર્ડ, લોયલ્ટી કાર્ડ અને અન્ય ઈનામી વસ્તુઓનું માર્કેટિંગ અને વિતરણ કરતી હતી.

આ વર્ષની શરૂઆતમાં, વાણિજ્ય મંત્રાલયે તપાસ એજન્સીને “જરૂરી પગલાં” લેવાનો નિર્દેશ આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટના એક કેસમાં, યુએસ કંપની એમેઝોને આડકતરી રીતે ફ્યુચર ગ્રુપના ફ્યુચર રિટેલને હસ્તગત કરવાની માગ કરી હતી. તેને FEMA અને FDI નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવે છે.

આ કેસની તપાસ કરી રહેલા ઈડીના સૂત્રોએ જણાવ્યું હતું. બંને કંપનીના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. આ કિસ્સામાં એમેઝોને જણાવ્યું છે કે તે કંપની તરફથી ED દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી પગલાં લેશે. હજુ સુધી, ફ્યુચર ગ્રુપે કોઈ ટિપ્પણી કરી નથી.

બંને કંપનીઓ ફ્યુચર રિટેલના સંભવિત વેચાણને લઈને વિવાદમાં ફસાયેલી છે. એમેઝોને દાવો કર્યો હતો કે ફ્યુચર રિટેલે કંપનીને રિલાયન્સ રિટેલને વેચીને તેના 2019ના રોકાણ કરારનું ઉલ્લંઘન કર્યું છે.

business news amazon