ભારતના નવનિર્માણ અને વિકાસ માટે જનતા જનાર્દનનો મોદી પર પૂરો ભરોસો

27 May, 2019 12:21 PM IST  |  | અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

ભારતના નવનિર્માણ અને વિકાસ માટે જનતા જનાર્દનનો મોદી પર પૂરો ભરોસો

દલાલ સ્ટ્રીટ

અનેક રીતે ઐતિહાસિક બની રહેલી આ ચૂંટણીનાં પરિણામો પણ એટલાં જ ઐતિહાસિક છે. પરિણામો સાથે ૨૦૧૯માં ભારતમાં મોદી સામ્રાજ્ય સ્થાપના થઈ છે. પૂરા આત્મવિશ્વાસ સાથે ચૂંટણીપ્રચારમાં ઝઝૂમીને, વિરોધ પક્ષના મહાગઠબંધનને પછાડીને, મોદી-શાહની જોડીએ અગાઉના અનેક રેકૉર્ડ તોડ્યા છે, એટલું જ નહીં, ૨૦૧૪નો પોતાનો રેકૉર્ડ પણ તોડીને મોદીએ સ્વતંત્ર ભારતના ઇતિહાસનું એક નવું પાનું લખ્યું છે. આ જીત મોદી કે બીજેપીની નહીં, પણ આપણા લોકતંત્રની છે એમ કહીને એ માટેનો પૂરો યશ એમણે મતદાતાઓ સાથે ૧૩૦ કરોડની જનતાને આપ્યો છે.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બીજેપીને ૨૮૨ બેઠક અને એનડીએને ૩૩૬ બેઠક મળી હતી. ૨૦૧૯માં આ આંક અનુક્રમે ૩૦૩ અને ૩૫૨ ઉપર પહોંચ્યો છે. બીજેપીની બેઠકો જ વધી છે એમ નહીં, પક્ષનો વોટનો હિસ્સો પણ વધ્યો છે. ૨૦૧૪માં મોદી-વેવ હતું તો ૨૦૧૯માં મોદી-ટાઇડલ વેવ જ નહીં, પણ સુનામી (ઝંઝાવાતી વાવાઝોડું) હતું અને તે પણ દેશના અમુક પ્રદેશો પૂરતું જ નહીં, પણ સમગ્ર દેશના ખૂણેખૂણે. એના કેટલાક પુરાવાઓની નોંધ લેવા જેવી છે. ઍન્ટી-ઇન્કમ્બન્સી ફૅક્ટર (જે પદ પર હોય તેને હટાવવાની સામાન્ય મનોવૃત્તિ)નો તદ્દન અભાવ.

બીજેપીની જીત એવી રહી અને પક્ષે એવા સારા વિકાસનાં કામો અને આર્થિક સુધારાઓ કર્યા કે મતદાતાઓ બીજા પક્ષના ઉમેદવારને જિતાડીને નવો અખતરો કરવાના મૂડમાં પણ ન રહ્યા. એ અખતરો મતદાતાઓને ખતરા જેવો લાગ્યો ગણાય.

અને તે પણ ડીમૉનેટાઇઝેશન જેવા આકરા અને બિનજરૂરી લાગતા અને જીએસટી જેવા સ્વતંત્ર ભારતના કરવેરા ક્ષેત્રના સૌથી મોટા ઐતિહાસિક પગલાના અમલ પછી. હકીકતમાં આ બન્ને પગલાંઓએ કામચલાઉ રીતે આર્થિક વિકાસનો દર પણ ધીમો કર્યો અને નાના વેપારીઓના સ્તરે વહીવટ માટેની અનેક મુશ્કેલીઓ સર્જી અને કંઈક અંશે બેરોજગારી પણ ઊભી કરી ત્યાર પછી પણ.

એથી આગળ વધીને હજી પાંચ મહિના પહેલાં જ યોજાયેલી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસે સત્તા હાંસલ કરી હતી એટલે પણ આ રાજ્યોમાં લોકસભાની ચૂંટણીમાં મતદાતાઓની પસંદગી કેવી હશે તે સંશય પણ હતો જ.

કૉંગ્રેસને ૨૦૧૪માં મળેલી ૪૪ બેઠકો સામે ૨૦૧૯માં પર બેઠકો મળી. યુપીએને સામે ૬૦. આમ કૉંગ્રેસની બેઠકો નજીવી માત્રામાં વધવા છતાં તે લોકસભાની કુલ બેઠકોના ૧૦ ટકાથી ઓછી હોવાથી ટેãક્નકલી, સતત બીજી ટર્મ માટે ૧૭મી લોકસભામાં પણ કૉંગ્રેસને લીડર ઑફ ઑપોઝિશનની પોસ્ટ નહીં મળે.

બીએસપી, એસપી અને આરએલડીનું ગઠબંધન નિષ્ફળ સાબિત થયું, તો બીજી તરફ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતાર્યા પછી અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ઉત્તર પ્રદેશના ચાર્જમાં મૂક્યા પછી પણ કૉંગ્રેસને રાજ્યમાં માત્ર એક જ બેઠક મળી. હકીકતમાં એસપી અને બીએસપીનું ગઠબંધન કાઉન્ટરપ્રોડક્ટિવ (શસ્ત્ર ફેંકનાર ઉપર જ ઘા થવા જેવું) પુરવાર થયું અને એનો સીધો ફાયદો બીજેપીને મળ્યો.

કૉંગ્રેસના કેટલાય નવોદિતો અને દિગ્ગજ નેતાઓ સુશીલકુમાર શિંદે, મલ્લિકાર્જુન ખરગે, રેણુકા ચૌધરી, પ્રિયા દત્ત, મિલિંદ દેવરા, સંજય નિરૂપમ, વીરપ્પા મોઇલી, શીલા દીક્ષિત અને જિતેન્દ્ર સિંહ પરાસ્ત થયાં. છેલ્લા ત્રણ-ચાર દાયકાથી વધુ સમય સુધી સક્રિય રાજકારણમાં રહેલા નેતાઓને ક્ષેત્રસંન્યાસ લેવાનો વખત આવ્યો.

પશ્ચિમ બંગાળ મમતા બૅનરજીનો અભેદ્ય કિલ્લો ગણાય છે ત્યાં પહેલી વાર સારી સંખ્યામાં બીજેપીનો પગપેસારો થયો. બીજેપીના પોતાના રાજ્યમાં થતા પ્રવેશને રોકવા માટે મમતા બૅનરજીએ મૂકેલા બધા અવરોધોએ પણ મમતા અને ટીએમસીના ભોગે બીજેપીને ફાયદો કરાવ્યો. આમ એઆઇએડીએમકેના પરાસ્તને કારણે એનડીએને જે નુકસાન થયું તે સરભર કરવામાં પશ્ચિમ બંગાળમાં બીજેપીને મળેલી ૧૮ બેઠકો હાથવગી આવી.

આ ચૂંટણીની એક આડઊપજ (બાય-પ્રોડક્ટ) એ હશે કે દેશમાં કીડિયારાની જેમ ઊભરાતા નાના નાના પક્ષો જ નહીં, પણ પ્રાદેશિક પક્ષો (ટીએમસી, એસપી અને બીએસપી જેવા) પણ આવતાં પાંચેક વરસમાં નામશેષ બની રહે તો નવાઈ નહીં. માત્ર બે જ પક્ષો - બીજેપી અને કૉંગ્રેસ - બચી રહેશે. આપણી ચૂંટણીઓ અમેરિકાની ચૂંટણીઓની જેમ મુખ્ય બે પક્ષો વચ્ચેનો જ જંગ રહેશે.

૨૦૧૪ના ૩૧ ટકાની જગ્યાએ ૨૦૧૯માં બીજેપીનો વોટશૅર વધીને ૩૭.૪ ટકા જેટલો થયો, જે કૉંગ્રેસના ૧૯.૫ ટકા કરતાં લગભગ બે ગણો હતો. (કૉંગ્રેસના શૅરમાં ૨૦૧૪ની સરખામણીએ માત્ર ૦.૨ પરસેન્ટ પૉઇન્ટનો વધારો થયો છે.) ગ્રામીણ વિસ્તારમાં દેવામાં ડૂબેલા કિસાનોના બૂરા હાલ પછી પણ બીજેપીનો વોટશ÷ર ૩૯.૫ ટકા જેટલો હતો જે શહેરી વિસ્તારોના ૩૩.૯ ટકા કરતાં વધુ હતો. ચૂંટણીમાં બીજેપી/એનડીએને મળેલી પ્રચંડ બહુમતી (લૅન્ડસ્લાઇડ વિક્ટરી)ને કારણે ઈવીએમ સાથે ચેડાં કરાયાં હોવાના વિરોધ પક્ષોના આક્ષેપભર્યા સૂરો તદ્દન શમી ગયા.

આ જીત વડા પ્રધાને લોકતંત્રની જીત ગણાવી છે, પણ હકીકતમાં તે મોદી-શાહની જીત છે, બીજેપીની, એનડીએની કે વ્યક્તિગત ઉમેદવારોની પણ નહીં. મોદી-શાહ જ પ્રચારમાં અગ્રેસર રહ્યા અને દેશની મહત્વની બેઠકો ધરાવતા વિસ્તારોમાં ફરી વળ્યા. કૉંગ્રેસ અને વિપક્ષી નેતાઓ તેમાં ઊણા ઊતર્યા. તેમણે કરેલી ગાળાગાળી અને નકારાત્મક અભિગમે બીજેપી/એનડીએને ફાયદો કરાવ્યો.

મોદી પાંચ વરસની એક ટર્મ પછી ફરી એક વાર વડા પ્રધાન બનનાર પહેલા બિન-કૉંગ્રેસી છે. ઇન્દિરા ગાંધી પછી સાથી પક્ષોના ટેકા સિવાય સત્તા ટકાવી રાખવા માટેની જરૂરી બહુમતી મેળવનાર પણ પહેલા વડા પ્રધાન છે. નેહરુ (૧૯૬૭ અને ૧૯૬૨) પછી પહેલા વડા પ્રધાન છે કે જેને સતત બીજી વાર પોતાના જ પક્ષની બહુમતી મળી છે.

૧૦ રાજ્યો અને યુનિયન ટેરિટરીમાં બધી જ બેઠકો મેળવીને બીજેપીએ વિરોધ પક્ષો, ખાસ કરીને પ્રાદેશિક વિરોધ પક્ષોના અસ્તિત્વ સામે મોટો પડકાર ઊભો કર્યો છે. નાગરિકોએ અને મતદાતાઓએ મોદી સરકારની સિદ્ધિઓનાં લેખાંજોખાં કર્યા પછી, તેમની સરકારની ઘણી બધી નીતિઓ અને તેમના ઘણા બધા નિર્ણયો સામે વિરોધ હોવા છતાં, ફરી એક વાર પ્રચંડ બહુમતીથી તેમને શાસનની ધુરા સોંપી છે તે એમની એમ નથી (નૉટ ફૉર નથિંગ).

રાજ્યસભામાં પૂરતા સંખ્યાબળના અભાવમાં પણ આ એ જ મોદી છે જે વિરોધ પક્ષોને અને વિરોધ પક્ષોની રાજ્ય સરકારોને સાથે રાખીને, સામ, દામ, દંડ, ભેદની નીતિ દ્વારા જીએસટી જેવા બંધારણીય સુધારાનો પણ અમલ કરવામાં સફળ રહ્યા છે.

દેશના ઘણા નાગરિકો કદાચ ભણેલા નથી, પણ ગણેલા છે અને તેમની કોઠાસૂઝ બેનમૂન છે એનો પુરાવો ફરી એક વાર વિfવને મળ્યો છે. તેમની સાથેના ઘણાબધા વિખવાદોને ભૂલીને લોકોએ ફરી એક વાર બીજેપી અને મોદી પર પસંદગી ઉતારીને વિરોધ પક્ષોને ઊંઘતા ઝડપ્યા છે.

ભારતનું ભાવિ ચૌરાહા પર છે. વૈશ્વીકરણની જગ્યાએ રાષ્ટ્રવાદ જોર પકડી રહ્યો છે અને તો પણ દુનિયાના દેશોની એકબીજા પરની નિર્ભરતા વધી છે એટલે દેશને આજે એવા નેતાની જરૂર છે જે આંતરરાષ્ટ્રીય પ્લ્ૉટફૉર્મ પર ભારત માટે વાજબી માગણી કરી શકે અને સ્વીકારાવી શકે.

૨૩મી મેનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. ભારતના અર્થતંત્રના ઇતિહાસમાં મોદીના યોગદાનની નોંધ લેવાશે. મોદીની ક્ષમતા અને નિ:સ્વાર્થ દેશના હિતમાં કામ કરવાની તમન્નાએ એમની સામેની ફરિયાદો ભૂલી જઈને એમના હાથમાં દેશનું ભાવિ પૂરા વિશ્વાસ સાથે મૂક્યું છે. દેશવાસીઓને એક વાતની ખાતરી થઈ છે કે દેશના અર્થતંત્રને પાટે ચડાવવાનું કામ કોઈ કરશે તો તે મોદી જ કરશે. અત્યારે નહીં તો ક્યારેય નહીં (નાઉ ઑર નેવર) એવા તબક્કે ઊભેલા દેશના નાગરિકોનો વિવેકભાન સાથેનો આ નિર્ણય વધાવવા જેવો છે.

આ પણ વાંચો : અર્થતંત્રના સુધારાનો અને બજારની લાંબા ગાળાની તેજીનો નવો દોર શરૂ થશે

હારેલાઓ માટે આંતરખોજ અને આત્મનિરીક્ષણની આ પળ છે. તેમણે ૧૯૮૪માં માત્ર લોકસભાની બે બેઠકો સાથે નામશેષ થઈ ગયેલા અને આજે ટોચ પર ઊભેલી બીજેપીને નજર સમક્ષ રાખવી જોઈએ. જીતેલાઓએ પણ જીતનો જશન મનાવી હારેલાઓને સાથે લઈ દેશના નવનર્મિાણમાં લાગી જવું પડશે. હારેલાઓએ પણ સરકારને દેશહિતના નિર્ણયોમાં સાથ આપવો પડશે. અને તો જ ફરી એક વાર ભારતનું વર્લ્ડ લીડર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકશે. સકારાત્મક અભિગમ હોય તો આશા ક્યારેય ઠગારી નીવડતી નથી.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

business news