એપ્રિલ અને ઑગસ્ટ દરમ્યાન ભારતની મરી-મસાલા નિકાસ 15 ટકા વધી

12 November, 2020 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એપ્રિલ અને ઑગસ્ટ દરમ્યાન ભારતની મરી-મસાલા નિકાસ 15 ટકા વધી

મરી-મસાલા

કોરોના મહામારીના અતિ કટોકટીભર્યા દિવસોમાં ભારતીય મરી-મસાલાઓની વિદેશમાં માગ વધતા નિકાસમાં વૃદ્ધિ થઈ છે. ભારતમાંથી મરી-મસાલાઓની નિકાસ, ૨૦૨૦ના એપ્રિલથી ઑગસ્ટ  દરમ્યાન ગત વર્ષ કરતાં ૧૫ ટકા વધી ૧૦,૦૦૧ કરોડ રૂપિયા થઈ છે. વર્ષ ૨૦૧૯માં એપ્રિલથી ઑગસ્ટમાં મરી-મસાલાની નિકાસ ૮૮૫૮ કરોડ હતી.

દેશની મસાલાની નિકાસમાં લાલ મરચાં, જીરું તેમ જ હળદરનું યોગદાન સૌથી વધારે છે. જથ્થાની રીતે વાત કરીએ તો આ પાંચ મહિનામાં ૫.૭ લાખ ટન નિકાસ થઈ છે જે ગત વર્ષે ૪.૯૪ લાખ ટન હતી. લાલ મરચાંની નિકાસ ૨.૧૦ લાખ ટન કે ૨૮૭૬ કરોડ રૂપિયા, જીરુંની નિકાસ ૧.૩૩ લાખ ટન અને ૧૮૭૩.૬ કરોડ, જથ્થા અને મૂલ્યની રીતે સૌથી વધુ વૃદ્ધિ નાની એલચીમાં જોવા મળી છે. એલચીની નિકાસ મૂલ્યની રીતે ૨૯૮ ટકા અને જથ્થાની રીતે ૨૨૫ ટકા વધી છે. ચાલુ વર્ષે દેશમાંથી ૧૩૦૦ ટન નાની એલચીની નિકાસ થઈ જેનું મૂલ્ય ૨૨૧.૫૦ કરોડ રૂપિયા છે.

દેશમાંથી સૂંઠની નિકાસ ૧૦૭ ટકા વધી ૧૯,૭૦૦ ટન, હળદરની નિકાસ ૭૯,૦૦૦ ટન અને ૭૦૪.૧૦ કરોડ રહી છે. મેથી, ધાણા તેમ જ અન્ય સીડ મસાલાઓની નિકાસ પણ વધી છે. ધાણાની નિકાસ ૨૨,૭૫૦ ટન, જાવિત્રી-જાયફળની નિકાસ જથ્થાની રીતે ૪૧ ટકા તેમ જ મૂલ્યની રીતે ૩૩ ટકા વધી છે. જાવિત્રી-જાયફળની નિકાસ ૧૨૭૫  ટન થઈ છે જેનું મૂલ્ય ૫૬.૩૭ કરોડ રૂપિયા હતું.

business news