લદાખ મોરચે ભારેલો અગ્નિ: વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે અણુદોટ શરૂ

29 June, 2020 05:26 PM IST  |  Mumbai | Biren Vakil

લદાખ મોરચે ભારેલો અગ્નિ: વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે અણુદોટ શરૂ

પ્રતીકાત્મક તસવીર

યુરો અને પાઉન્ડની વચગાળાની તેજી સમાપ્ત થઈ છે. બેઉ કરન્સી ડૉલર, યેન, રૂપિયો, ફ્રાન્સ સહિત ઘણી કરન્સી સામે નબળી પડી છે. અમેરિકામાં કોરોના કેસ ફરી વધતાં સેકન્ડ લૉકડાઉનનો ડર વધ્યો છે. ફેડે બૅન્કોના સ્ટ્રેસ ટેસ્ટ લીધા પછી સ્ટૉક બાયબૅક અને ડિવિડન્ડ આપવાની મનાઈ કરી દીધી છે. વીતેલા સપ્તાહમાં અમેરિકી શૅરબજાર ૨-૩ ટકા તૂટ્યાં છે. યુરોમાં રિકવરી અનઇવન અને બૅન્કોની હાલત નબળી છે એ જોતાં યુરોમાં ફરી વેચવાલી આવે એમ લાગે છે. યુરો અને પાઉન્ડ બન્ને કરન્સી રૂપિયા સામે પણ નોંધપાત્ર ઘટી છે. યુરો ૮૬.૬૦થી ઘટીને ૮૪.૯૦ થયો છે અને આગળ જતાં ૮૪.૧૦, ૮૩.૭, ૮૨.૮૦ થવાની શક્યતા છે. ડૉલર સામે પાઉન્ડ ૧.૧૩૮૦થી ઘટીને ૧.૧૨૨૦ થયો છે અને ૧.૧૧૪૦ તૂટ્યા પછી ૧.૧૧૦૦ અને ૧.૦૯૫૦ થઈ શકે છે. યુરો યેન સામે પણ ઘણો ઘટ્યો છે. યુરોયેન પેરમાં તાજેતરમાં ૧૧૪થી ૧૨૪નો તોફાની ઉછાળો આવ્યો હતો, પણ હવે ફરી આ પેર ૧૨૯ પર આવી ગઈ છે. અમેરિકામાં રાજકીય અરાજકતા અને કોરોના વચ્ચે ડૉલર કમજોર થવાથી એક તબક્કે યુરોમાં નોંધપાત્ર લેવાલી આવી હતી. યુરો ડૉલરનો હરીફ બની શકે છે એવી આશાને બળ મળ્યું હતું, પણ એ લેવાલી યુરોમાં કૅશ હોર્ડિંગ, સંકટ સમયની સાંકળ માટે હતી એવી છાપ પડે છે. યુરોપમાં સેફ હેવન ગણાતો સ્વિસ ફ્રાન્ક યુરો, પાઉન્ડ સામે સતત વધી રહ્યો છે. યુરોની કમજોરીથી પાઉન્ડને પણ અસર થઈ છે. યુકે અને યુરો બન્ને માટે બ્રેક્ઝિટના અમલીકરણ વિશષ ૩૦ જૂન નજીક છે અને હજી કોઈ ડિલ થયું નથી એ જોતાં હાર્ડ બ્રેક્ઝિટ થશે જે યુકે માટે કામચલાઉ નુકસાનકર્તા રહે. નો ડિલ બ્રેક્ઝિટમાં લાંબા ગાળે યુરોપને વધુ નુકસાન રહે.

પાઉન્ડની વાત કરીએ તો આખું વરસ પાઉન્ડમાં મોટી વૉલેટિલિટી રહી છે. વર્ષના આરંભે પાઉન્ડ ડૉલર સામે ૧.૩૬ થઈ માર્ચમાં ૧.૧૪ થઈ ગયો અને ફરી વધીને ૧.૨૭ થઈ હવે ૧.૨૩૦૦ છે. પાઉન્ડ રૂપિયા સામે પણ વધીને ૯૬.૫૦ થઇ ગયો હતો એ હવે ૯૩.૫૦ છે અને આગળ જતાં ૯૦.૫૦-૯૧ થવાની શક્યતા દેખાય છે. પાઉન્ડ ડૉલર અને રૂપિયો બન્ને સામે કમજોર દેખાય છે. પાઉન્ડ ડૉલરની રેન્જ ૧.૨૧૦૦-૧.૨૪૦૦ છે.

ઘરઆંગણે રૂપિયો ડૉલર સામે સાંકડી રેન્જમાં ટકેલો છે. રેન્જ ૭૫.૫૦-૭૬ જેવી છે. શૅરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી આવી છે. લદ્દાખ સરહદે ભારેલો અગ્નિ છે. ચીન સમગ્ર એશિયામાં લશ્કરી રીતે દંબગ થઈ ગયું છે અને ભારત જેવા દેશોને ન્યુક તાકાત વધારવા મજબૂર કરે છે. ભારત, ચીન, ઉ. કોરિયા સહિત ઘણા દેશો અણુતાકાત વધારી રહ્યા છે. શુક્રવારે રશિયામાં ક્યાંક કોઈ અણુધડાકો થયો હોય એમ લાગે છે. પ. રશિયામાં રેડિએશન ડિટેક્ટ થયું છે. ભારત સરકારે ફરી ટ્રેન અને ફ્લાઇટ સેવાઓ પર થોડાં નિયંત્રણ મૂક્યાં છે એટલે બિઝનેસ રિકવરી વિશે ચિત્ર ધૂંધળું છે. કોરોના કેસો લગાતાર વધતા જાય છે, પણ રિકવરી રેટ વધ્યો છે. મરણદર ઘટ્યો છે એ આશ્વાસનની વાત છે.

અમેરિકાની વાત કરીએ તો કોરોનાના કેસ ફરી વધ્યા છે. લેટિન અમેરિકામાં પણ કોરોના બેકાબૂ થયો છે. ભારતમાં પણ રોજ કેસો કૂદકેભૂસકે વધે છે, પણ હવે ઘણાંખરાં રાજ્યોમાં કેસ ઘટતા થયા છે. રિકવરી રેટ વધ્યો છે અને મરણાંક પણ ઘટ્યો છે. વાઇરસ વૅક્સિન માટે તડામાર તૈયારીઓ ચાલે છે. રિકવરીમાં રાહત આપે એવી દવાઓ પણ બજારમાં આવી હોવાના દાવા થાય છે. ડોનલ્ડ ટ્રમ્પ અને અમેરિકા ચીન કરતાં વહેલી વાઇરસની વૅક્સિન લાવી દે એ વટનો મામલો છે અને જરૂરિયાતનો મામલો પણ છે. જોકે વાઇરસની દોટમાં ચીન કદાચ બાજી મારશે. કોરોનાનો ઑથેન્ટિક ડેટા ચીન પાસે છે એટલો કોઈની પાસે નથી. જો વાઇરસ લૅબ મેડ હશે તો તો એની વૅક્સિન ક્યારની તૈયાર થઈ ચૂકી હશે, પણ ટ્રમ્પના પરાજયની રાહ જોવાતી હશે.

business news