ઇમર્જિંગ દેશોમાં ગોલ્ડ આધારિત ક્રિપ્ટોકરન્સીની બોલબાલા વધશે

17 May, 2023 01:40 PM IST  |  Mumbai | Jayesh Chitalia

હાઈ ઇન્ફ્લેશન, હાઈ ઇન્ટરેસ્ટ રેટ્સ અને કરન્સીની વૉલેટિલિટીને કારણે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

વિશ્વભરનાં ઇમર્જિંગ રાષ્ટ્રોમાં ઊંચા ઇન્ફ્લેશન, વ્યાજદર અને લોકલ કરન્સીની સખત વૉલેટિલિટીને ધ્યાનમાં રાખી હવે ગોલ્ડ બૅક્ડ (આધારિત) ક્રિપ્ટોકરન્સીનો ટ્રેન્ડ વિકસી રહ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે બીજી બાજુ અમુક દેશો પોતાની સીબીડીસી (સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી) લૉન્ચ કરવાનું વિચારે છે. આ દિશામાં ઝિમ્બાબ્વેએ પગલું ભર્યું છે. આમ તો ક્રિપ્ટોકરન્સી માર્કેટની ચંચળતા અને અનિશ્ચિતતા પણ ચાલી જ રહી હોવાથી અમુક દેશોમાં ગોલ્ડ આધારિત ક્રિપ્ટોકરન્સી લૉન્ચ થઈ રહી છે. ક્રિપ્ટો સામે આમ પણ ઘણા સવાલો અને સંદેહ હજી ઊભા છે, એની માન્યતા વિશે પણ અધ્ધરતા છે, કારણ કે ક્રિપ્ટોનું અન્ડરલાઇંગ કંઈ ગણાતું નથી, એના રેગ્યુલેશન વિશે પણ સ્પષ્ટતાનો અભાવ છે, જેને લીધે મૉરિશ્યસ પણ ગોલ્ડ આધારિત ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરી રહ્યું છે, જેથી રોકાણકારો કે ટ્રેડર્સ વર્ગમાં ડિફૉલ્ટનો ડર રહે નહીં અથવા સોનાનો આધાર હોવાથી સલામતીની શક્યતા ઊંચી રહી શકે.

પ્રાપ્ત અહેવાલ મુજબ આવા ક્રિપ્ટો કૉઇન દેશના ગોલ્ડ રિઝર્વ આધારિત હશે. ઝિમ્બાબ્વે ઇચ્છે છે કે તેની પ્રજા કરન્સીની વધ-ઘટને ટાળવા ઝિમ્બ ડૉલર સામે ગોલ્ડ આધારિત ક્રિપ્ટો એક્સચેન્જ કરી શકે. બૅન્ક ઑફ મૉરિશ્યસ પણ રીટેલ લેવલે સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) પણ લૉન્ચ કરવા જઈ રહ્યું છે. બૅન્ક ઑફ મૉરિશ્યસના ગવર્નરે આ બાબતને સમર્થન આપતાં કહ્યું છે કે તેઓ ટૂંકમાં જ પાઇલટ પ્રોજેક્ટ કાર્યરત બનાવશે. જોકે તેમણે વધુ વિગત જાહેર કરી નથી. મૉરિશ્યસે ક્રિપ્ટો કસ્ટોડિયન માટે લાઇસન્સ પણ ઇશ્યુ કર્યા છે. મૉરિશ્યસની ફાઇનૅન્શિયલ સિસ્ટમ અસ્થિર ન થાય એ હેતુથી અન્ય કોઈ પણ નવી કરન્સી - સીબીડીસી સત્તાવાર બૅન્કિંગ ચૅનલથી જ ઇશ્યુ થાય એની કાળજી લેવાઈ રહી છે.

business news jayesh chitalia crypto currency