રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટેકે શૅરબજારમાં વધારો

10 September, 2020 04:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટેકે શૅરબજારમાં વધારો

પ્રતીકાત્મક તસવીર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શૅરમાં નોંધપાત્ર લેવાલીને લીધે સ્થાનિક શૅરબજારો 1.5 ટકા વધ્યા હતા. સેન્સેક્સ 646 પોઈન્ટ્સ (1.69 ટકા) વધીને 38,840.32ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 171 પોઈન્ટ્સ (1.52 ટકા) વધીને 11,449.25 બંધ રહ્યો હતો. વોલેટિલીટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ ચાર ટકા ઘટીને 21.27ના સ્તરે બંધ રહ્યો હતો.

બીએસઈમાં ઈન્ટ્રાડેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શૅર રૂ.2,343.90ની નવી ટોચને સ્પર્શ્યા બાદ અંતે સાત ટકા વધીને રૂ.2,314.65ના સ્તરે બંધ રહ્યો હતો. હજી ગઈ કાલે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે(RIL) જાહેરાત કરી છે કે અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ સિલ્વર લેક તેની સહાયક કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ(RRVL)માં 7,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એવામાં આજે રિપોર્ટ આવ્યા છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેમની રિટેલ કંપનીનો 40 ટકા હિસ્સો એમેઝોનને 20 અબજ ડૉલરમાં ઑફર કર્યો છે. સૂત્રોએ કહ્યું કે, એમેઝોને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણ કરવા માટે ઈચ્છા દર્શાવી હોવાથી આ બાબતે વાતચીત ચાલુ છે. આ સમાચાર આવ્યા બાદ શૅરમાં ઉછાળો આવ્યો અને સત્ર દરમિયાન રિલાયન્સનું માર્કેટ-કૅપિટલાઈઝેશન (એમ-કૅપ) રૂ.15 લાખ કરોડને પાર થયુ હતું.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં મેટલ અને ફાર્માને બાદ કરતા દરેક સૂચકાંક વધારે બંધ રહ્યા હતા. નિફ્ટી મેટલ 1.14 ટકા અને નિફ્ટી ફાર્મા 0.01 ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી બૅન્ક 0.89 ટકા, ઓટો 0.53 ટકા, એફએમસીજી 0.47 ટકા, આઈટી 0.74 ટકા, મીડિયા 1.33 ટકા, પીએસયુ બૅન્ક 2.46 ટકા, પ્રાઈવેટ બૅન્ક 0.99 ટકા અને રિયલ્ટી સૂચકાંક 0.57 ટકા વધ્યો હતો.

વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકૅપ ઈન્ડેક્સ 0.92 ટકા વધીને 14,575 અને એસએન્ડપી બીએસઈ સ્મોલકૅપ ઈન્ડેક્સ 1.27 ટકા વધીને 14,483ના સ્તરે બંધ રહ્યો હતો.

sensex nifty reliance