દેશમાં વરસાદની ખાધને કારણે ખરીફ વાવેતરમાં પાંચ ટકાનો ઘટાડો જોવાયો

02 July, 2022 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કઠોળના પાકોનું વાવેતર સાત ટકા વધ્યું, કપાસમાં ચાર ટકાનો વધારો, તેલીબિયાનું ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

દેશમાં સરકારની ચાલુ સિઝનમાં ૧૦ ટકા જેવી ખાધને કારણે ખરીફ પાકોનાં વાવેતરમાં પણ અસર પહોંચી છે અને વાવેતર વિસ્તાર ગત વર્ષની તુલનાએ પાંચ ટકા જેવો ઘટ્યો છે.

કેન્દ્રિય કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા વાવેતરના તાજા આંકડાઓ મુજબ સમગ્ર દેશમાં પહેલી જુલાઈ સુધીમાં કુલ ખરીફ વાવેતર વિસ્તાર ૨૫૯.૬૧ લાખ હેકટરમાં થયો છે જે ગત વર્ષે આજ સમયે ૨૭૨.૨૧ લાખ હેકટરમા થયો હતો. આમ વાવેતરમાં ૪.૬૩ ટકાનો ઘટાડો થયો છે.

દેશમાં કઠોળ પાકોનાં વાવેતરમાં ૬.૯૮ ટકાનો વધારો થઈને ૨૮ લાખ હેકટરમા વાવેતર થયું છે. દેશમાં સૌથી વધારે ઘટાડો ડાંગરનાં વાવેતરમાં ૨૭ટકા જેવો થઈને ૪૩.૪૫ લાખ હેકટરમાં જ વાવેતર થયું છે, જેને પગલે સરેરાશ કુલ ખરીફ વાવેતર વિસ્તારને અસર પહોંચી છે. આગામી દિવસોમાં વરસાદ સારો પડી જશે તો ડાંગરનાં વાવેતરમાં વધારો થાય તેવી ધારણા છે.

તેલીબિયાં પાકોનાં વાવેતરમાં પણ આઠ ટકાનો ઘટાડો થઈને ૪૬.૨૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે જે ગત વર્ષે આજ સમયે ૫૦.૪ લાખ હેકટરમાં થયું હતું.

કપાસનાં વાવેતરમાં ૩.૮૧ ટકાનો વધારો થઈને ૬૪.૦૮ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે આજ સમયે ૬૧.૭૩ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. કુલ ખરીફ પાકોનું વાવેતર સરેરાશ આગામી પંદર દિવસમાં વધે તેવી સંભાવનાં છે. પહેલી જૂનથી દેશમાં ચોમાસું બેસી ગયું છે, પરંતુ જૂન મહિનો આખો પૂરો થવા છત્તા હજી વરસાદની સ્થિતિ સારી નથી. જોકે જુલાઈમાં સારો વરસાદ પડે તેવી આશા છે.

business news