કૉમોડિટી માર્કેટમાં ટ્રેન્ડ ને ટેક્નૉલૉજીના બદલાવથી વિકાસની ઉજ્જવળ આશા

01 March, 2019 05:31 PM IST  |  | મયૂર મહેતા

કૉમોડિટી માર્કેટમાં ટ્રેન્ડ ને ટેક્નૉલૉજીના બદલાવથી વિકાસની ઉજ્જવળ આશા

પ્રતીકાત્મક તસવીર

સોનામાં ઝડપી તેજીની આશા

સોનામાં તેજી માટેનાં ગ્લોબલ કારણો વધુ ને વધુ મજબૂત થઈ રહ્યાં છે. ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના નૅશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતા ‘મિડ-ડે’ને કહે છે, ‘ખાસ કરીને અમેરિકાના વિરોધી દેશો ડૉલરનું આધિપત્ય ખતમ કરવા માટે સોનાની ખરીદી સતત વધારી રહ્યા છે. ચીન, રશિયા, કઝાખસ્તાન, ટર્કી, ઇરાક, પોલૅન્ડ, હંગેરી વગેરે તમામ દેશો એમની સેન્ટ્રલ બૅન્કો દ્વારા સોનાની ખરીદી સતત વધારી રહ્યા છે. ૨૦૧૮માં વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોએ કુલ ૬૫૧.૫૦ ટન સોનાની ખરીદી કરી હતી જે ૧૯૬૭ પછીની સૌથી મોટી હતી. રશિયાએ અમેરિકાની તમામ ટ્રેઝરી નોટ વેચીને ૨૦૧૮માં કુલ ૨૭૪.૩૦ ટન સોનું ખરીદ્યું હતું. ટર્કીએ ૨૦૧૮માં ૫૧.૫૦ ટન સોનું ખરીદ્યું હતું. ચીન અને ભારતે પણ ૨૦૧૮માં સોનાની નોંધપાત્ર ખરીદી કરી હતી. આમ ડૉલરનું આધિપત્ય ઘટાડવા આવતાં થોડાં વર્ષો સુધી ચીન અને રશિયાની આગેવાની હેઠળ ઘણા દેશો સોનાની ખરીદી સતત વધારતા રહેશે. સેન્ટ્રલ બૅન્કોની ઝડપથી વધી રહેલી ખરીદી સોનાની તેજીનું મુખ્ય કારણ બનશે. આ ઉપરાંત ચીનનું ગોલ્ડ એક્સચેન્જ ઝડપથી સ્ટ્રૉન્ગ બની ગયું હોવાથી હવે ચીન વર્લ્ડની ગોલ્ડ માર્કેટમાં આધિપત્ય જમાવવા માગે છે. ચીન દર વર્ષે ૪૦૦ ટન સોનાનું પ્રોડક્શન કરે છે અને ૬૦૦ ટન સોનાની ઇમ્પોર્ટ કરતું હોવાથી વર્લ્ડની સોનાની માર્કેટમાં ચીનને આધિપત્ય જમાવવા માટે સારીએવી અનુકૂળતા છે. અગાઉ સોનાની માર્કેટમાં વર્ષો સુધી લંડનનું વર્લ્ડમાં આધિપત્ય હતું જે હવે ચીન તરફ શિફ્ટ થઈ રહ્યું છે. એ પણ સોનાની માર્કેટમાં તેજી લાવવામાં સિંહફાળો આપશે.’

આ ઉપરાંતના ગ્લોબલ ફૅક્ટર વિશે સુરેન્દ્ર મહેતા કહે છે, ‘યુરો ઝોન, જપાન, ચીન અને બ્રિટનની ઇકૉનૉમીના ગ્રોથમાં જે અવરોધો આવી રહ્યા છે એને કારણે ગ્લોબલ સ્લોડાઉનનો ભય વધ્યો છે. ગ્લોબલ સ્લોડાઉનના ભયને કારણે વર્લ્ડના રિચ ઇન્વેસ્ટરો કરન્સી વેચીને સોનું ખરીદી રહ્યા છે. ઇક્વિટી માર્કેટમાં હવે વધુ તેજીના ચાન્સિસ રહ્યા ન હોવાથી ઇક્વિટી માર્કેટના ઇન્વેસ્ટરો પણ સોના તરફ વળી રહ્યા છે. આ ઉપરાંત જીઓપૉલિટિકલ ટેન્શન સતત વધી રહ્યું છે જેને કારણે સોનાનું સેફ હેવન સ્ટેટસ વધતાં સોનાની ડિમાન્ડ વધી રહી છે. ભારતીય માર્કેટમાં સોનું ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં વધીને પ્રતિ ૧૦ ગ્રામ ૩૭,૦૦૦થી ૩૮,૦૦૦ રૂપિયા થશે અને જૂન ૨૦૨૦ સુધીમાં સોનાનો ભાવ ૪૨,૦૦૦ રૂપિયા થશે. ચાંદીનો ભાવ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં વધીને ૪૫,૦૦૦ રૂપિયા થશે. સોનાનો ભાવ ૩૫,૦૦૦ રૂપિયા પાર કરી ગયા બાદ ઇન્વેસ્ટરોનું ચાંદીમાં રોકાણ વધશે, કારણ કે સોનું ૩૫,૦૦૦ રૂપિયા થયા બાદ કેટલાક લોકોને સોનાનો ભાવ મોંઘો લાગશે જેની અસરે ચાંદીમાં ડિમાન્ડ વધશે.’

કૉમોડિટી માર્કેટમાં જબ્બર રિવાઇવલ

કૉમોડિટી ફ્યુચર માર્કેટમાં BSE (મુંબઈ સ્ટૉક એક્સચેન્જ) અને NSE (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)ના પદાર્પણથી આવતા દિવસોમાં જબ્બર રિવાઇલની આશા જાગી છે એ વિશે BSEના ઍગ્રો માર્કેટ ઍડ્વાઇઝર રૂપેશ દલાલ કહે છે, ‘BSE અને NSEની કૉમોડિટી ફ્યુચર માર્કેટમાં એન્ટ્રીથી રીટેલરોનો કૉમોડિટી માર્કેટમાં વિશ્વાસ વધશે જેને કારણે માસ પાર્ટિસિપન્ટ્સ કૉમોડિટી માર્કેટમાં આવશે. હાલનાં કૉમોડિટી એક્સચેન્જો MCX (મલ્ટિ-કૉમોડિટી એક્સચેન્જ) અને NCDX (નૅશનલ કૉમોડિટી ઍન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ) છેલ્લાં ૧૫ વર્ષથી ચાલી રહ્યાં છે, પણ એમાં માસ પાર્ટિસિપન્ટ્સ વિશ્વાસના અભાવે આવી શક્યા નથી. કૉમોડિટી માર્કેટમાં વર્ષોથી જેઓ કામ કરી રહ્યા છે એનો દસ ટકા જ વર્ગ હાલ કૉમોડિટી ફ્યુચર માર્કેટમાં કામ કરી રહ્યો છે. BSE હાલ ૪.૩૦ કરોડ યુનિટ ક્લાયન્ટ કોડ ધરાવે છે જેનો મતલબ અત્યારે BSEના પ્લૅટફૉર્મ પર ૪.૩૦ કરોડ ઇન્વેસ્ટરો ટ્રેડિંગ કરી રહ્યા છે. એની સામે સૌથી મોટું કૉમોડિટી એક્સચેન્જ MCX માત્ર ૧૫ લાખ ટન યુનિટ ક્લાયન્ટ કોડ ધરાવે છે. ગ્લ્ચ્નો ૧૪૦ વર્ષ જૂનો ઇતિહાસ અને વિશાળ ક્લાયન્ટવર્ગ હોવાથી ગ્લ્ચ્ની કૉમોડિટી ફ્યુચર માર્કેટમાં એન્ટ્રીથી ટૂંકા ગાળામાં ભારતીય કૉમોડિટી ફ્યુચર માર્કેટ વિશાળ ફલક હાંસલ કરશે. બીજો મહત્વનો ફેરફાર એ છે કે કૉમોડિટી ફ્યુચર માર્કેટનું નિયમન છેલ્લાં ત્રણ વર્ષથી FMC (ફૉર્વર્ડ માર્કેટ કમિશન) પાસેથી સેબી (SEBI - સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા)ના હાથમાં આવ્યા બાદ ઘણાં પૉઝિટિવ પરિવર્તનો લેવાનાં શરૂ થયાં છે. એનાથી ઇન્વેસ્ટરોનો કૉન્ફિડન્સ વધશે અને વધુ ને વધુ ઇન્વેસ્ટરો કૉમોડિટી ફ્યુચર માર્કેટ તરફ આકર્ષાશે. ખેડૂતો માટે હાલની સરકાર ઘણા જ ક્રાન્તિકારી ફેરફારો કરી રહી છે. એનાં સારાં ફળ હવે આવવાનાં શરૂ થયાં છે ત્યારે કૉમોડિટી ફ્યુચર માર્કેટનું ફલક વિશાળ બન્યા બાદ ખેડૂતોને પણ કૉમોડિટી ફ્યુચર માર્કેટથી ફાયદો થશે. તંદુરસ્ત કૉમોડિટી ફ્યુચર માર્કેટ જીવનજરૂરી ચીજોથી માંડીને તમામ કૃષિપેદાશોની કૃત્રિમ તેજી-મંદી રોકીને માર્કેટને રિયલ પ્રાઇસ અપાવવામાં સફળ થશે. અહીં નોંધવું જરૂરી છે કે કૉમોડિટી ફ્યુચર માર્કેટનું ફલક વધતાં માત્ર તેજી થાય એ ભ્રમણા છે. ઊલટું કૉમોડિટી માર્કેટનું કદ મોટું બનવાથી ખોટી તેજીને પણ રોકી શકાય છે.’

રીટેલ માર્કેટમાં પરિવર્તનની આંધી

દેશની અનાજ-કઠોળ સહિતની ફૂડ રીટેલ માર્કેટમાં પરિવર્તનની આંધી આવી છે એનાં પૉઝિટિવ અને નેગેટિવ બન્ને પરિણામો આવ્યાં છે, પણ આ પરિવર્તનોને આધીન સરકાર આમૂલ પરિવર્તન કરે તો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ સફળ બની શકે છે. એ વિશે મુંબઈ ખાદ્ય તેલ વેપારી અસોસિએશનના કમિટી મેમ્બર અને વર્ષો જૂની પેઢી કાન્તિલાલ લક્ષ્મીચંદના મૅનેજિંગ પાર્ટનર મિતેશ શૈયા કહે છે, ‘આર્થિક સમૃદ્ધિ અને ટેક્નૉલૉજીના વધેલા વ્યાપને કારણે મૉલકલ્ચર હવે એકદમ વધી ગયું છે. સામાન્ય માણસ હવે ટેક્નોસૅવી બન્યો હોવાથી ઑનલાઇન બાઇંગ પણ વધ્યું છે જેને કારણે રીટેલ માર્કેટમાં હવે છૂટક વેચાણનો કન્સેપ્ટ લગભગ સમાપ્ત થયો છે અને બ્રૅન્ડેડ પૅકિંગનો વ્યાપ વધ્યો છે. આ પરિવર્તનને કારણે ઓવરઑલ દરેક ફૂડ-આઇટમનો વપરાશ વધ્યો છે, પણ હજી એનો ફાયદો ભારતીય રીટેલર્સ કે પૅકર્સ કે પ્રોસેસર્સને મળતો નથી. જે વપરાશ વધ્યો છે એનો સીધો ફાયદો મલ્ટિનૅશનલ કંપનીઓને થઈ રહ્યો છે જેને કારણે નાના રીટેલરોના અને વેપારીઓના ધંધા હવે ખતમ થઈ રહ્યા છે અને હાલ પૂરતો મેક ઇન ઇન્ડિયાનો લાભ સ્થાનિક કંપનીઓ કરતાં મલ્ટિનૅશનલ કંપનીઓને વધુ થઈ રહ્યો છે. જોકે દરેક માર્કેટમાંથી નાના વેપારીઓ અને નાની કંપનીઓ ખતમ થઈ રહ્યાં છે અને જે રીતે ફૂડમાર્કેટમાંથી રીટેલરો ખતમ થઈ રહ્યા છે એ જોતાં સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયાને સફળ બનાવવા નવી કોઈ પૉલિસી ટૂંકા ગાળામાં આવે જેનાથી નાના રીટેલરો અને વેપારીઓને ફાયદો થાય એવી આશા હાલની સરકાર પાસે રાખી શકાય એમ છે.’

અનાજ-કઠોળ માર્કેટમાં તેજીની આશા

મુંબઈની સૌથી મોટી ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ વાશીસ્થિત ગ્રોમા (GROMA - ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન)ના પ્રેસિડન્ટ શરદ મારુ કહે છે, ‘ખેડૂતોને તેમની પ્રોડક્શન-કૉસ્ટથી દોઢા ભાવ આપવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ક્રાન્તિકારી ઝુંબેશને કારણે છેલ્લાં ત્રણ વર્ષથી અનાજ-કઠોળ સહિત તમામ કૃષિમાર્કેટમાં મોટી મંદી ચાલી રહી હતી એ મંદી સમાપ્ત થઈને હવે ભાવ સુધરવાની આશા જાગી છે. ખાસ કરીને કઠોળની માર્કેટમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચણા, મગ, અડદ, તુવેર એમ તમામના ભાવ સતત ઘટતા જતા હતા; પણ હાલની સરકારે છેલ્લાં બે વર્ષથી મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં જંગી વધારો કરતાં હવે સરકારી ખરીદી ઊંચા ભાવે થઈ રહી છે જેને કારણે નીચા ભાવે વેચવાનો ટ્રેન્ડ સમાપ્ત થશે અને ભાવ ઘટતા અટકી જશે. આવી જ સ્થિતિ ઘઉં, ચોખા અને અન્ય અનાજની માર્કેટમાં જોવા મળશે. સામાન્ય રીતે કૉમોડિટી માર્કેટ ડિમાન્ડ-સપ્લાય આધારિત હોવાથી ભાવની વધ-ઘટ પણ એના આધારે જ નક્કી થાય છે, પણ સરકારની ખેડૂતોને દોઢા ભાવ આપવાની ઝુંબેશને કારણે હવે અનાજ-કઠોળની માર્કેટમાં મંદીનો ભય દૂર થયો છે.’

આ પણ વાંચો : મિશન બિઝનેસ : આવનારો સમય ૧૦૦ ટકા સારો છે

કૉમોડિટી ફ્યુચર માર્કેટમાં BSE અને NSEના પદાર્પણથી વિશાળ ફલક મળવાની આશા જાગી છે. - રૂપેશ દલાલ

સોનું ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં વધીને ૩૮,૦૦૦ રૂપિયા અને જૂન ૨૦૨૦ સુધીમાં ૪૨,૦૦૦ રૂપિયા થશે. - સુરેન્દ્ર મહેતા

નરેન્દ્ર મોદીની ફાર્મરની ડબલ ઇન્કમની ઝુંબેશથી ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટમાં ભાવ સુધરવાની આશા છે. - શરદ મારુ

રીટેલ માર્કેટમાં મૉલકલ્ચર અને ઑનલાઇન બાઇંગના ટેન્ડ્રથી ડિમાન્ડ વધી, પણ મેક ઇન ઇન્ડિયા સફળ બનાવવા માટે વધુ પગલાંની આશા છે. - મિતેશ શૈયા