જૂનો રાગ ફરી આલાપ્યો, યસ બૅન્કમાં ડિપોઝિટ સુરક્ષિત છે: શક્તિકાન્ત દાસ

17 March, 2020 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૂનો રાગ ફરી આલાપ્યો, યસ બૅન્કમાં ડિપોઝિટ સુરક્ષિત છે: શક્તિકાન્ત દાસ

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાન્ત દાસ

શૅરબજારમાં ભારે વેચવાલી વચ્ચે એવી જાહેરાત થઈ હતી કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાન્ત દાસ આજે સાંજે પત્રકાર-પરિષદને સંબોધશે. માર્ચમાં વિશ્વના ૨૦ જેટલા દેશોમાં વ્યાજદર ઘટી ગયો હોય, કોરોના વાઇરસને કારણે આર્થિક વિકાસ મંદ પડવાની ચિંતા હોય ત્યારે ભારતમાં પણ વ્યાજદર ઘટશે એવી આશા રાખવામાં આવી રહી હતી, પણ એ સાકાર થઈ નહોતી.

વાઇરસની અસરો અને એને કારણે મૂકવામાં આવેલા પ્રતિબંધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસદર ૦.૪ ટકાથી ૧.૨ ટકા ઘટી શકે છે. ભારત પણ આ અસરથી બાકાત રહી શકે એમ નથી. ભારત પર કેટલી અસર પડશે એનો અમે અભ્યાસ કરી રહ્યા છીએ એવું ગવર્નર દાસ પોતાના નિવેદનમાં બોલ્યા હતા. વ્યાજદરમાં ઘટાડો કેમ કર્યો નહીં એવું પૂછતાં તેમણે ઉમેર્યું હતું કે વ્યાજદર વિશે નિર્ણય લેવાની સત્તા મૉનિટરી પૉલિસી કમિટીની છે. એ જ કાયદો છે. હાલના તબક્કે હું કોઈ પણ સ્થિતિ નકારી શકું એમ નથી. કમિટીની બેઠકમાં જ નિર્ણય લેવામાં આવશે એમ ગવર્નરે જણાવ્યું હતું.

જોકે તેમણે ડૉલર સામે રૂપિયાની ઘટી રહેલી કિંમત માટે પગલાં લેવાની જાહેરાત કરી હતી. રિઝર્વ બૅન્કે ૨૩ માર્ચે વધુ બે અબજ ડૉલરના સ્વૅપ (એટલે રિઝર્વ બૅન્ક ડૉલર આપે અને બૅન્કો એ રૂપિયા આપીને ખરીદી કરે) એવી જાહેરાત કરી હતી. આ સ્થિતિમાં ભારતીય બજારમાં રૂપિયાનો પ્રવાહ ઘટી જાય એટલે તેમણે વધુ ૧ લાખ કરોડ રૂપિયાના લૉન્ગ ટર્મ રેપોની લિલામીની જાહેરાત કરી હતી. અ લૉન્ગ ટર્મ રેપો વર્તમાન એક કે ત્રણ દિવસને બદલે ત્રણ મહિનાથી એક વર્ષના હોય છે એટલે એનાથી બજારને લિક્વિડિટી મળશે એવી આશા ગવર્નરે વ્યક્ત કરી હતી. સોમવારે જ રિઝર્વ બૅન્કે ડૉલર સ્વૅપનો એક ઑક્શન ખતમ કર્યો હોવા છતાં રૂપિયો વધુ ૫૦ પૈસા ઘટીને ડૉલર સામે ૭૪.૨૫ની સપાટીએ બંધ રહ્યો હતો.

જોકે ૧૩ માર્ચે પૂરા થયેલા સપ્તાહના અંતે બજારમાં ૨.૭૨ લાખ કરોડ રૂપિયાની લિક્વિડિટી હતી એટલે ભારતમાં અત્યારે નાણાપ્રવાહની ચિંતા નથી. બીજું, ધિરાણની માગ ઘટી રહી છે. ઊલટું, ઉદ્યોગોની ધિરાણ માગ કે ઉદ્યોગોને મળતું ધિરાણ વધવાને બદલે ઘટી રહ્યું છે એટલે લિક્વિડિટી વધવાથી પણ કોઈ મોટી અસર થાય એવી શક્યતા જણાતી નથી. માત્ર રિઝર્વ બૅન્ક સ્થિતિ પર નજર રાખી રહ્યું છે એટલું આશ્વાસન જ લેવાનું રહ્યું.

યસ બૅન્કમાં ડિપોઝિટ સુરક્ષિત છે

રિઝર્વ બૅન્કે વધુ એક વખત અને પત્રકાર-પરિષદમાં વારંવાર એમ જણાવ્યું હતું કે યસ બૅન્કમાં જમા કોઈ પણ ડિપોઝિટરની રકમ સુરક્ષિત છે અને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તેમણે રાજ્ય સરકારોને પણ વિનંતી કરી હતી કે તેમણે પોતાની ડિપોઝિટ આ બૅન્કમાંથી ઉપાડી લેવી ન જોઈએ.

પાંચમી માર્ચે યસ બૅન્કને રિઝર્વ બૅન્કના નિયંત્રણમાં મૂકી દેવાની જાહેરાત કરવામાં આવી હતી અને એક જ સપ્તાહમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને અન્ય પ્રાઇવેટ બૅન્કોએ મળીને એમાં મૂડી ઉમેરવાની સ્કીમ પણ કેન્દ્ર સરકારે જાહેર કરી દીધી છે. યસ બૅન્ક પર ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ રકમ ઉપાડવાનું નિયંત્રણ બુધવાર ૧૮ માર્ચે સાંજે ૬ વાગ્યે ઊપડી જશે એમ ગવર્નરે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે બૅન્કોએ આપેલી મૂડી ઉપરાંત કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રિઝર્વ બૅન્ક પણ વધારાની રકમ કે ફન્ડ આપશે એટલે કોઈએ ચિંતા કરવી જોઈએ નહીં.

reserve bank of india business news