કોરોના કવચ પૉલિસીનો લાભ લેવાનું ચૂકવું નહીં

07 April, 2021 03:13 PM IST  |  Mumbai | Nisha Sanghvi

જેમણે ગયા વર્ષે નિશ્ચિત સમયગાળા પૂરતી શરૂ કરાયેલી આ વિશેષ પૉલિસી ખરીદી હોય અને હવે જેઓ એ ખરીદવા માગતા હોય એમણે અહીં જણાવેલા કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં લેવા આવશ્યક છે

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે અને આ વખતે તેના ફેલાવાની ઝડપ પહેલાં કરતાં વધારે છે. આથી ફરી એકવાર કોરોના કવચ પૉલિસીનું મહત્ત્વ વધી ગયું છે. જેમણે ગયા વર્ષે નિશ્ચિત સમયગાળા પૂરતી શરૂ કરાયેલી આ વિશેષ પૉલિસી ખરીદી હોય અને હવે જેઓ એ ખરીદવા માગતા હોય એમણે અહીં જણાવેલા કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં લેવા આવશ્યક છે :

૧. કોરોના કવચ : કોરોના કવચ પૉલિસી કોવિડ-19ને કારણે થનારા સારવારના તમામ ખર્ચને પહોંચી વળવા માટે મળે છે. આ પૉલિસી હેઠળ સમગ્ર પરિવારને આવરી શકાય છે. કોવિડ-19ના રોગચાળાને ધ્યાનમાં રાખીને ટૂંકા ગાળા માટે ઇન્ડેમ્નિટી આરોગ્ય વીમા તરીકે આ પૉલિસી આપવામાં આવી છે. તેમાં ૧૮થી ૬૫ વર્ષ વચ્ચેની વ્યક્તિઓ માટે ૫૦,૦૦૦થી લઈને ૫,૦૦,૦૦૦ સુધીનું કવચ આપવામાં આવે છે. જેઓ અત્યારે કોરોનાને કારણે બીમાર હોય કે પછી હાલમાં કોરોના થયાનું નિદાન થયું હોય તેઓ કોરોના કવચ પૉલિસી લઈ શકતા નથી.

૨. પ્રોડક્ટનો પ્રકાર : કોરોના કવચ પૉલિસી વ્યક્તિ માટે અથવા સમગ્ર પરિવારને આવરી લે એવા ફૅમિલી ફ્લોટર સ્વરૂપે લઈ શકાય છે.

૩. અધિકૃત નિદાન કેન્દ્રમાં પરીક્ષણ : કોરોના કવચ પૉલિસી લીધી હોય એમણે કોવિડ-19નું નિદાન ફરજિયાતપણે કંપનીના અધિકૃત નિદાન કેન્દ્રમાં કરાવવું પડે છે.

૪. વેઇટિંગ પીરિયડ : કોરોના કવચ પૉલિસી લીધા બાદ સામાન્ય રીતે ૧૫ દિવસનો વેઇટિંગ પીરિયડ હોય છે.

૫. હૉસ્પિટલાઇઝેશનનો અને ઘરમાં સારવારનો ખર્ચ કવર થાય છે : જો ડૉક્ટરે હૉસ્પિટલમાં ભરતી થવાની સલાહ આપી હોય તો કૅશલેસ અથવા રિઇમ્બર્સમેન્ટ ધોરણે ક્લેમ કરી શકાય છે. જો ડૉક્ટરે ઘરમાં રહીને સારવાર કરાવવાનું કહ્યું હોય તો તેના હેઠળ ૧૪ દિવસની સારવારનો ખર્ચ આપવામાં આવે છે. ઘરમાં સારવારના વિકલ્પ હેઠળનો ક્લેમ ફક્ત રિઇમ્બર્સમેન્ટ ધોરણે આપવામાં આવે છે. ઘરમાં સારવાર લેનારે દરરોજ અપાતી દવાઓ અને પરીક્ષણો-ચકાસણીની નોંધ રાખવી જરૂરી છે. એ નોંધ પર સારવાર કરનારા ડૉક્ટરની સહી લીધા બાદ જ ક્લેમ કરવાનો હોય છે.

૬. હૉસ્પિટલાઇઝેશન પહેલાંનો અને પછીનો ખર્ચ : કોરોનાના જે દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે એમને હૉસ્પિટલાઇઝેશન પહેલાંના ૧૫ દિવસ અને હૉસ્પિટલાઇઝેશન પછીના ૩૦ દિવસના લૅબ પરીક્ષણો, દવાઓ, ડૉક્ટરની કન્સલ્ટિંગ ફી જેવા ખર્ચ આપવામાં આવે છે. આથી દરદીએ પૉલિસી હેઠળ ક્લેમ કરતી વખતે એને લગતાં બધાં બિલ, રિપોર્ટ અને કન્સલ્ટેશન પૅપર્સ સાચવીને રાખવાં પડે છે.

૭. રિન્યુઅલ : ઇન્સ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ઇરડાઈ)એ ૨૪ માર્ચ, ૨૦૨૧ના રોજ બહાર પાડેલા પરિપત્ર મુજબ તમામ કોરોના કવચ પૉલિસીને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીનું એક્સટેન્શન હશે અથવા એનું નવીનીકરણ કરી શકાશે. કવરેજ ચાલુ રાખવા માટે આવશ્યક પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. જો નવી પૉલિસી લેવામાં આવશે તો એ ફક્ત ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી જ લાગુ રહેશે.

૮. રસી મુકાવ્યા બાદ કોઈ પ્રતિકૂળ રિએક્શન આવે તો પણ ક્લેમ મળે : કોવિડ-19ને લગતા તમામ ક્લેમ આ પૉલિસી હેઠળ મેળવી શકાશે. જો કોરોનાની રસી મુકાવ્યા બાદ કોઈ પ્રતિકૂળ રિએક્શન આવે તો તેને પણ આ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. રિએક્શન માટેના ક્લેમ કરવાની પ્રક્રિયા કોવિડની સામાન્ય સારવારના ક્લેમ જેવી જ રહેશે.

૯. કૉ-મોર્બિડિટી કવરેજ : કોઈ વ્યક્તિને કોરોના થવા પહેલાં જ ડાયાબિટીસ, હૃદયની તકલીફ, કિડનીની તકલીફ વગેરે જેવી કોઈ બીમારી હોય તો તેને કૉ-મોર્બિડિટી કહેવામાં આવે છે. પૉલિસી જેટલી રકમની લીધી હોય તેટલી રકમની કોવિડની સારવાર સાથે કૉ-મોર્બિડિટીને પણ આવરી લેવામાં આવે છે, પરંતુ કૉ-મોર્બિડિટી ધરાવતી વ્યક્તિ માટે પ્રીમિયમમાં લોડિંગ લાગુ પડે છે. દા.ત. કોઈ વ્યક્તિને ડૅન્ગી થયો છે અને સાથે સાથે કોવિડ-19નો ચેપ પણ લાગ્યો હોય અને એને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો એ બન્ને બીમારીઓ માટે કોરોના કવચ હેઠળ સારવાર કરવામાં આવશે અને એનો ક્લેમ સેટલ કરવામાં આવશે.

૧૦. એક્સક્લુઝન : આ પૉલિસી હેઠળના એક્સક્લુઝનની વિગતો જાણવા પૉલિસીનો દસ્તાવેજ વાંચી લેવો જરૂરી છે.

ટૂંકમાં, એમ કહી શકાય કે વર્તમાન પરિસ્થિતિને જોતાં કોરોના કવચ પૉલિસી હોવી ખૂબ જ જરૂરી છે. આરોગ્ય વીમાની સ્ટાન્ડર્ડ પૉલિસી ઉપરાંત આ પૉલિસી લેવી જોઈએ, કારણ કે કોરોના કવચ હેઠળ માસ્ક, ગ્લવ્ઝ, પીપીઈ કિટ, સૅનિટાઇઝર વગેરે જેવાં કન્ઝ્યુમેબલ્સ જેવા ખર્ચ પણ આવરી લેવામાં આવે છે. વળી તેનું પ્રીમિયમ પણ ઓછું હોય છે.

 

સવાલ તમારા…

જો હું આજે કોરોના કવચ પૉલિસી કઢાવું તો કેટલા દિવસ સુધી મને આ કવચ મળે?

કોરોના કવચ પૉલિસી હેઠળ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીનું જ કવચ મળે છે.

કોરોના કવચ પૉલિસીમાં પોર્ટેબિલિટીની સુવિધા છે ખરી?

ના, પોર્ટેબિલિટીની સુવિધા ઉપલબ્ધ નથી.

મારા પિતાજીને ડાયાબિટીસ છે. તેઓ ૬૩ વર્ષના છે. શું એમને કોરોના કવચ પૉલિસી મળી શકે?

હા, કૉ-મોર્બિડિટી ક્લોઝ હેઠળ અને પહેલેથી બીમારી હોવાની સ્થિતિમાં આવતા પ્રીમિયમના લોડિંગ સાથે કોરોના કવચ પૉલિસી લઈ શકાય છે.

શું કોરોના કવચ પૉલિસીનું પ્રીમિયમ ઈએમઆઇ તરીકે ઇન્સ્ટોલમેન્ટમાં ભરી શકાય છે?

આ પૉલિસીનું પ્રીમિયમ એકસામટું ભરવાનું હોય છે. એમાં ઇન્સ્ટોલમેન્ટની સુવિધા નથી.

મારી બહેન આરોગ્ય સેવા કર્મચારી છે. શું એને કોરોના કવચ પૉલિસીમાં કોઈ ડિસ્કાઉન્ટ મળે?

હા, આરોગ્ય સેવા કર્મચારીઓને આ પૉલિસીના પ્રીમિયમમાં પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળે છે.

business news