ટ્રમ્પ સાથે ટકરાવ વધવાની આશંકા પાછળ બજાર ઘટાડાની ચાલમાં

08 August, 2025 07:01 AM IST  |  Mumbai | Anil Patel

વીકલી ડેરિવેટિવ્સ પર અંકુશ મૂકવા સેબીની હિલચાલમાં BSE લિમિટેડ પટકાયો : ધિરાણ નીતિની પૂર્વસંધ્યાએ બૅન્કિંગના ૪૧માંથી ૧૦ શૅર પ્લસ, બૅન્ક નિફ્ટી અડધો ટકો નરમ 

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ટ્રમ્પની નવી આશિકીમાં પાકિસ્તાની શૅરબજારમાં આખલાદોડનો નવો દોર શરૂ, આંક ૧૪૩૨૮૧ની નવી વિક્રમી સપાટીએ : આજે ૬ નવાં ભરણાંનું લિસ્ટિંગ, NSDLમાં લિસ્ટિંગની પૂર્વસંધ્યાએ ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ સુધરીને ૧૩૦ રૂપિયે : લક્ષ્મી ઇન્ડિયા ફાઇનૅન્સ તથા કિટેક્સ ફૅબ્રિક્સમાં રોકાણકારોને નોંધપાત્ર લિસ્ટિંગ લૉસ મળી : વીકલી ડેરિવેટિવ્સ પર અંકુશ મૂકવા સેબીની હિલચાલમાં BSE લિમિટેડ પટકાયો : ધિરાણ નીતિની પૂર્વસંધ્યાએ બૅન્કિંગના ૪૧માંથી ૧૦ શૅર પ્લસ, બૅન્ક નિફ્ટી અડધો ટકો નરમ 

એશિયન બજારોમાં સુધારો આગળ વધ્યો છે. મંગળવારે સાઉથ કોરિયા તથા થાઇલૅન્ડ દોઢ ટકા આસપાસ, તાઇવાન સવા ટકો, ચાઇના એકાદ ટકો, જપાન અને ઇન્ડોનેશિયા અડધા ટકાથી વધુ, હૉન્ગકૉન્ગ સિંગાપોર સાધારણ વધીને બંધ થયા છે. યુરોપ પણ રનિંગમાં સાધારણથી પોણા ટકા જેવું ઉપર દેખાયું છે. ટ્રમ્પની નવી યારી-દોસ્તીમાં પાકિસ્તાની શૅરબજારમાં તેજીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. કરાચી ઇન્ડેક્સ ગઈ કાલે ૧૪૩૨૮૧ની નવી ઑલટાઇમ હાઈ બતાવી રનિંગમાં ૧૦૫૧ પૉઇન્ટ ઊંચકાઈ ૧૪૩૧૦૩ ચાલતું હતું. બિટકૉઇન રનિંગમાં ૧૧૫૦૦૬ ડૉલર દેખાયો છે. બ્રેન્ટ ક્રૂડ ઘટાડામાં ૬૮ ડૉલર થઈ ગયું છે.

ઘરઆંગણે બજાર આરંભથી અંત સુધી નેગેટિવ ઝોનમાં જોવા મળ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૭૩ પૉઇન્ટ જેવો નરમ, ૮૦૯૪૬ ખૂલી અંતે ૩૦૮ પૉઇન્ટ મુરઝાઈ ૮૦૭૧૦ તથા નિફ્ટી ૭૩ પૉઇન્ટની કમજોરીમાં ૨૪૬૫૦ નીચે બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૮૧૦૧૦ અને નીચામાં ૮૦૫૫૪ થયો હતો. બજારની ૦.૪ ટકા જેવી નબળાઈ સાથે ગઈ કાલે ઑઇલ-ગૅસ એક ટકો, એનર્જી પોણો ટકો, રિયલ્ટી-આઇટી-FMCG અડધો ટકો, નિફ્ટી ફાર્મા પોણો ટકો માઇનસ હતો. બૅન્ક નિફ્ટી ૧૨માંથી પાંચ શૅરના સુધારા વચ્ચે અડધો ટકો ઘટ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટીના ૧૨માંથી એકમાત્ર એસબીઆઇ પ્લસ હતો છતાં આંક નામ પૂરતો નરમ હતો. બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૧૦ શૅર વધ્યા હતા. સૂર્યોદયા બૅન્ક પોણાત્રણ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક બે ટકા નજીક, ઉત્કર્ષ બૅન્ક અને ઇક્વિટાસ બૅન્ક એક એક ટકો પ્લસ હતી. સામે કર્ણાટક બૅન્ક, તામિલનાડુ એક-એક ટકો પ્લસ હતી. સામે કર્ણાટકા બૅન્ક, તામિલનાડુ બૅન્ક, ICICI બૅન્ક, બંધન બૅન્ક, પીએનબી, પંજાબ-સિંધ બૅન્ક, ઇનસફ બૅન્ક, એયુ બૅન્ક અને કૅપિટલ સ્મૉલ બૅન્ક એકથી સવા ટકાના ઘટાડે મોખરે હતી. આગલા દિવસે અઢી ટકા વધેલો નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ગઈ કાલે ૦.૯ ટકા આગળ વધ્યો છે. એના ૧૮માંથી ૧૦ શૅર જોકે ડાઉન હતા. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૨૦૦ શૅરની સામે ૧૭૮૪ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૮૧૦૦૦ કરોડ રૂપિયા ઘટીને ૪૪૭.૯૮ લાખ કરોડ નજીક રહ્યું છે. રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ આજે, બુધવારે છે. વ્યાજદર યથાવત્ રહેવાની બહુમતી ધારણા વચ્ચે નાનકડો વર્ગ માને છે કે એક વધુ રેટ-કટ આપી રિઝર્વ બૅન્ક બજારને સુખદ આશ્ચર્ય આપશે. ટ્રમ્પ સાથે ટકરાવ વધી રહ્યો છે. ડૉલર સામે રૂપિયા ગગડી ૮૭.૮૦ થઈ ગયો છે. ૮૭.૯૫ની ફેબ્રુઆરી ૨૫ની ઑલટાઇમ બૉટમ ટૂંકમાં તૂટવાની દહેશત છે.

આંતરકંપની તિસ્તા ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે બમણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારી ૧૯.૨ ટકાની તેજીમાં ૧૩૭ બંધ આવી છે. ચંબલ ફર્ટિલાઇઝર પોણાસાત ટકા, કોરોમાંડલ ઇન્ટર સાડાત્રણ ટકા તથા ફૅક્ટર સાડાત્રણ ટકા મજબૂત હતી. સોના કૉમસ્ટાર કે સોના BLW પ્રિસિઝનમાં નબળાં પરિણામ પાછળ બ્રોકરેજ હાઉસ દ્વારા ટાર્ગેટ પ્રાઇસ ઘટાડીને ૫૧૫ કરવામાં આવી છે. શૅર ગઈ કાલે નીચામાં ૪૩૪ થઈ એકાદ ટકાના સુધારે ૪૪૭ બંધ આવ્યો છે. લોઢા ડેવલપર્સની ૭૪ ટકા માલિકીની સબસિડિયરી નૅશનલ સ્ટાન્ડર્ડ્સ ગઈ કાલે ૧૯૧૫ના તળિયે જઈ સાધારણ ઘટાડે ૧૯૫૮ હતી. ૨૧ ઑક્ટોબરે ભાવ ૬૧૯૫ના શિખરે ગયો હતો.

ગૉડફ્રે ફિલિપ્સનું ૩૩ વર્ષે બોનસ આવ્યું, શૅર ૮૯૪ની તેજીમાં નવી ટોચે

સિગારેટ કંપની ગૉડફ્રે ફિલિપ્સે ૩૪ ટકાના વધારામાં ૧૮૦૭ કરોડની આવક પર ૬૪ ટકા વૃદ્ધિદરમાં ૩૬૫ કરોડ ત્રિમાસિક નફો રળી શૅરદીઠ બેના પ્રમાણમાં ઉદાર બોનસ જાહેર કર્યું છે. સપ્ટેમ્બર ૧૯૯૩ એટલે કે ૩૨ વર્ષ પછી કંપની પ્રથમ વાર બોનસયાદીમાં આવી છે. અગાઉ શૅરદીઠ એક બોનસ આપ્યું હતું. હાલમાં શૅરની ફેસવૅલ્યુ બે રૂપિયા અને બુકવૅલ્યુ ૯૦૬ રૂપિયા છે. શૅર ગઈ કાલે ૧૧ ગણા વૉલ્યુમે ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૯૮૯૧ની ઑલટાઇમ હાઈ બનાવી ૮૯૪ રૂપિયા કે ૯.૯ ટકાની તેજીમાં ૯૮૮૬ બંધ થયો છે. ન્યુજેન સૉફ્ટવેર નબળા પરિણામનો વસવસો પપૂરો થયો હોય એમ ગઈ કાલે ૨૮ ગણા કામકાજે ઉપરમાં ૯૬૯ બતાવી પોણાતેર ટકા કે ૧૦૬ રૂપિયા ઊછળી ૯૪૦ થઈ છે. તાન્લા પ્લૅટફૉર્મ પણ ૨૨ ગણા વૉલ્યુમે ઉપરમાં ૬૮૬ દેખાડી ૧૧.૮ ટકાના જમ્પમાં ૬૭૩ રહી છે. પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝનાં પરિણામ ૧૧મીએ છે, શૅર ગઈ કાલે સાડાબાર ટકાની મજબૂતીમાં ૧૮૮ થયો છે.

સનોફી કન્ઝ્યુમર હેલ્થકૅરનો નફો ૨૧ ટકા વધી ૬૦૭૦ લાખ રૂપિયા આવ્યો છે એમાં શૅર ૭૩ ગણા વૉલ્યુમે ઉપરમાં ૫૪૯૩ વટાવી ૧૦.૯ ટકા કે ૫૨૧ રૂપિયા ઊંચકાઈ ૫૩૦૫ બંધ રહ્યો છે. એમટાર ટેક્નૉલૉજીઝની આવક ૧૨૯ કરોડથી વધીને ૧૫૭ કરોડ થઈ છે, પણ નફો ૪૪ કરોડથી ૧૪૪ ટકા ઊછળી ૧૦૮ કરોડ વટાવી જતાં શૅર વૉલ્યુમ સાથે ઉપરમાં ૧૬૩૭ બતાવી ૯.૭ ટકા કે ૧૪૨ રૂપિયાની તેજીમાં ૧૫૮૯ જોવા મળ્યો છે. ટૅરિફના ટેન્શનમાં ગોકળદાસ એક્સપોર્ટ્સ નીચામાં ૭૪૧ થઈ ૮.૭ ટકા બગડી ૭૫૦ હતો. ત્રિવેણી ટર્બાઇનનો નફો ૮૪૫૦ લાખથી ગગડી ૫૧૬૦ લાખ આવ્યો છે. આવક પણ ઘટી છે. સરવાળે શૅર ૧૪ ગણા કામકાજે નીચામાં ૫૨૯ થઈ દસેક ટકા તૂટી ૫૩૩ રહ્યો છે. કેપી એનર્જીનો નફો ૩૯ ટકા વધીને ૨૫૪૨ લાખ થયો છે. શૅર નીચામાં ૪૫૮ બતાવી સવાસાત ટકા ગગડી ૪૬૬ હતો. વેલસ્પન લિવિંગ નીચામાં ૧૨૧ થઈ પોણાચાર ટકા ખરડાઈને ૧૨૨ હતો.

CCTV બનાવતી આદિત્ય ઇન્ફોટેકમાં ૪૦૯ રૂપિયા લિસ્ટિંગ ગેઇન

ગઈ કાલે આદિત્ય ઇન્ફોટેક એકના શૅરદીઠ ૬૭૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટના ૩૦૫ના પ્રીમિયમ સામે ૧૦૧૮ ખૂલી ૧૦૮૪ બંધ થતાં ૬૦.૬ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. જયપુરની લક્ષ્મી ઇન્ડિયા ફાઇનૅન્સ પાંચના શૅરદીઠ ૧૫૮ની ઇશ્યુ પ્રાઇસ અને ૩ના પ્રીમિયમ સામે ૧૩૬ ખૂલી ૧૩૪ બંધ થતાં ૧૫ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. કિટેક્સ ફૅબ્રિક્સ શૅરદીઠ ૧૮૦ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૫ના પ્રીમિયમ સામે ૧૪૪ ખૂલીને ૧૫૧ બંધ રહી છે. એમાં ૧૬ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. આજે બુધવારે NSDL, શ્રી લોટસ ડેવલપર્સ, એમઍન્ડબી એન્જિનિયરિંગ, બીડી ઇન્ડસ્ટ્રીઝ, મેહુલ કલર્સ અને ટેકયોન નેટવર્ક્સ એમ કુલ ૬ ભરણાં લિસ્ટિંગ જશે. હાલમાં NSDL ખાતે ૧૩૦ રૂપિયા, શ્રી લોટસમાં ૩૮ રૂપિયા, એમઍન્ડબી એન્જિનિયરિંગમાં ૪૮ રૂપિયા, મેહુલ કલર્સમાં ૧૧ રૂપિયા પ્રીમિયમ ગ્રેમાર્કેટમાં બોલાય છે.

ગઈ કાલે મેઇન બોર્ડમાં ઇન્દોરની હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનો પાંચના શૅરદીઠ ૭૦ના ભાવનો ૧૩૦ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૨૮ ગણો ભરાયો છે. પ્રીમિયમ વધીને ૪૦ થયું છે. જ્યારે સોમવારે જે ૬ SME IPO ખૂલ્યા હતા એ ગઈ કાલે બીજા દિવસના અંતે જોઈએ તો જ્યોતિ ગ્લોબલ પ્લાસ્ટ કુલ ૩.૪ ગણો, પાર્થ ઇલેક્ટ્રિકલ્સ કુલ ૨.૨ ગણો, આધ્ય ડિસ્પોઝેલબ ૯૩ ટકા, BLT લૉજિસ્ટિક્સ ૧૪.૯ ગણો, એસેક્સ મરીન કુલ દોઢ ગણો અને ભડોરા ઇન્ડસ્ટ્રીઝ કુલ ૧૨ ટકા ભરાયો છે. હાલ પાર્થમાં ૨૨ રૂપિયા, BLT લૉજિસ્ટિક્સમાં ૩૫ રૂપિયા, જ્યોતિ ગ્લોબલમાં ૧૩ રૂપિયા, એસેક્સ મરીનમાં ઝીરો પ્રીમિયમ બોલાય છે.

ગુરુવારે મેઇન બોર્ડમાં JSW સિમેન્ટ ૧૦ના શૅરદીઠ ૧૪૭ની અપર બૅન્ડમાં ૨૦૦૦ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૩૬૦૦ કરોડનો ઇશ્યુ કરવાની છે. સજ્જન જિન્દલ ગ્રુપની કંપની છે. કંપનીએ ગયા વર્ષે ત્રણ ટકાના ઘટાડામાં ૫૯૧૫ કરોડ જેવી આવક પર અગાઉના ૬૨ કરોડના નેટ નફા સામે ૧૬૪ કરોડ જેવી નેટ લૉસ બતાવી છે. દેવું ૬૧૬૬ કરોડ છે. પ્રથમ દૃષ્ટિએ કંપનીમાં હાલમાં દમ લાગતો નથી. લિસ્ટિંગ પછી નીચા ભાવે શૅર મળવાનો છે. હાલ ગ્રેમાર્કેટમાં ૧૮નું પ્રીમિયમ સંભળાય છે.

અદાણી ગ્રુપમાં નરમાઈ, અદાણી પોર્ટ્‍સ બન્ને બજારમાં ટૉપ લૂઝર

ઇન્ડસઇન્ડ બૅન્કને નવા CEO માટે રિઝર્વ બૅન્કની મંજૂરી મળતાં શૅર ઉપરમાં ૮૪૯ નજીક જઈ ૧.૯ ટકા સુધરી ૮૧૯ બંધ થયો છે. ICICI બૅન્ક સવા ટકો બગડી ૧૪૪૬ બંધમાં બજારને ૧૦૫ પૉઇન્ટ નડી છે. HDFC બૅન્કની પોણા ટકાની નરમાઈથી એમાં બીજા ૧૦૧ પૉઇન્ટનો ઉમેરો થયો છે. સ્ટેટ બૅન્કનાં રિઝલ્ટ ૮મીએ છે. શૅર અડધો ટકો વધીને ૮૦૦ હતો. અદાણી પોર્ટ્સની આવક ૩૧ ટકા વધીને ૯૧૨૬ કરોડ થઈ છે. નફો સાત ટકા વધી ૩૩૧૫ કરોડ આવ્યો છે. શૅર ૪ ગણા કામકાજે નીચામાં ૧૩૪૫ બતાવી ૨.૪ ટકા બગડી ૧૩૫૭ બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. અદાણી એન્ટપ્રાઝિસ, અદાણી ગ્રીન, અદાણી ટોટલ, અદાણી પાવર, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ જેવા અદાણીના અન્ય શૅર એકથી પોણાબે ટકા ડાઉન હતા. રિલાયન્સે ૧.૪ ટકાના ઘટાડે ૧૩૯૧ બંધમાં બજારને ૧૧૩ પૉઇન્ટનો માર માર્યો છે. જિયો ફાઇનૅન્સ નજીવા ઘટાડે ૩૨૩ હતી. ઇન્ફોસિસ ૧.૪ ટકાની નરમાઈમાં ૧૪૬૦ હતી. ટેક મહિન્દ્ર પોણો ટકો તથા HCL ટેક્નો અડધો ટકો સુધરી હતી. TCS ૦.૪ ટકા ઘટીને ૩૦૬૨ હતી.

ટાઇટન ૨.૨ ટકા વધી ૩૪૨૬ બંધમાં સેન્સક્સ ખાતે ટૉપ ગેઇનર હતી. મારુતિ સુઝુકી સવા ટકો, ટ્રેન્ટ સવા ટકા નજીક, ભારતી ઍરટેલ પોણો ટકા, કોલ ઇન્ડિયા સવા ટકો, SBI લાઇફ ૧.૪ ટકા, આઇશર એક ટકો, શ્રીરામ ફાઇનૅન્સ પોણો ટકો, બજાજ ફાઇ‍નૅન્સ પોણો ટકો વધી છે. સિપ્લા એક ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ ૦.૯ ટકા, સનફાર્મા અડધો ટકો તથા અપોલો હૉસ્પિટલ ૦.૪ ટકા માઇનસ થઈ છે. હીરો મોટોકૉર્પ આગલા દિવસના ૨૨૬ રૂપિયાના ઉછાળા બાદ ગઈ કાલે નજીવો વધી ૪૫૪૩ હતો. પરિણામ આજે છે. બજાજ ઑટો પરિણામની પૂર્વસંધ્યાએ ૦.૪ ટકા સુધરીને ૮૨૧૫ હતી. TVS મોટર ૨૯૮૮ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી સવા ટકાની આગેકૂચમાં ૨૯૮૨ રહી છે. એસ્કોર્ટ પરિણામ પાછળ ૩૪૯૦ થઈ એક ટકો વધીને ૩૪૨૫ બંધ આવી છે.

સારાં પરિણામ અને શૅરવિભાજન પાછળ તાતા ઇન્વેસ્ટમેન્ટ વધ્યો

ડેરિવેટિવ્ઝમાં વીકલી એક્સ્પાયરી કેવળ સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે એવી માન્યતા સાથે સેબી હવે એના પર અંકુશ મૂકવા સક્રિય બની હોવાના અહેવાલ છે. આની અસરમાં કૅપિટલ માર્કેટ સંબંધિત શૅરમાં BSE લિમિટેડ નીચામાં ૨૩૪૬ થઈ ૪.૮ ટકા તૂટીને ૨૩૬૭ રહી છે. CDSL ૧૫૪૩ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ સામાન્ય ઘટીને ૧૫૬૬ હતી. એન્જલ વન ૨૫૫૧ની નીચી સપાટી બનાવી એક ટકો ઘટી ૨૬૦૪, નુવોમા વેલ્થ નીચામાં ૬૯૦૧ થઈ સવા ટકો સુધરી ૬૯૬૯, જે. એમ. ફાઇનૅન્સ નીચામાં ૧૫૩ થયા બાદ પોણાબે ટકા ઘટીને ૧૫૪ બંધ હતો. MCX ઉપરમાં ૮૦૦૦ બતાવી પોણો ટકો ઘટી ૭૯૧૮ રહી છે. તાતા ઇન્વેસ્ટમેન્ટે સારાં પરિણામ સાથે ૧૦ના શૅરનું એક રૂપિયામાં વિભાજન જાહેર કર્યું છે. શૅર ૨૧ ગણા કામકાજમાં ઉપરમાં ૭૬૨૫ બતાવી ૨.૩ ટકા વધીને ૭૧૩૭ બંધ હતો. ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ ૨૦૫ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી ૫.૯ ટકા વધી ૧૯૯ રહી છે. પેટીએમમાં ચાઇનીઝ એન્ટ ગ્રુપ દ્વારા શૅરદીઠ ૧૦૨૦ની ફ્લોર પ્રાઇસથી પોણાછ ટકા હોલ્ડિંગ બ્લૉક ડીલ મારફત વેચી ૩૮૦૦ કરોડની રોકડી કરવાના ઇરાદાની જાહેરાતથી શૅર જંગી વૉલ્યુમે નીચામાં ૧૦૫૧ થઈ ૨.૪ ટકા ઘટી ૧૦૫૩ બંધ હતો.

પરિણામ પાછળ આગલા દિવસે ૨૦ ટકા ઊછળેલી સર્દા એનર્જી ગઈ કાલે ઉપરમાં ૫૫૫ વટાવી ૩.૪ ટકાની આગેકૂચમાં ૫૪૦ હતી. તો સોમવારે વૉલ્યુમ સાથે સાડાપંદર ટકા તૂટેલી પીએસપી પ્રોજેક્ટ્સ બાઉન્સબૅકમાં ગઈ કાલે ઉપરમાં ૭૨૪ થઈ ૯.૩ ટકાની મજબૂતીમાં ૭૦૧ થઈ છે. અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ પાવર તથા રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં ૫-૫ ટકાની મંદીની સર્કિટ આગળ વધી છે.

sensex share market stock market business news nifty reserve bank of india donald trump pakistan sebi ipo bombay stock exchange national stock exchange finance news