16 April, 2026 09:16 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ટ્રમ્પે આજકાલ ટ્રેક બદલ્યો છે. વૉર્નિંગ અને વૉરની ભાષા છોડી યુદ્ધ-વિરામ અને શાંતિના જાપ જપવાનું શરૂ કર્યું છે. યુદ્ધનો અંત નજીકમાં હોવાનો નિર્દેશ આપતાં ટ્રમ્પે જણાવ્યું છે કે જલદી જ ઈરાન સાથે ફરીથી વાટાઘાટ કરાશે. આ માટેનું સ્થળ ઇસ્લામાબાદ જ રહેશે. જોકે ઈરાને મંત્રણાના ટેબલ પર ફરીથી મળવાની વાતને હજી સુધી સ્વીકૃતિ આપી નથી. શાંતિ અને વાટાઘાટની ટ્રમ્પની વાતો વચ્ચે અમેરિકાએ નેવલ બ્લોકેડ લાગુ કરી દીધો છે. મિલિટરીએ ચારે બાજુ દરિયાઈ નાકાબંધી કરી ઈરાનને જળમાર્ગથી સાવ અલગ કરી નાખ્યું હોવાનો દાવો કર્યો છે. જોકે ચાઇનાએ અમેરિકાના આ બ્લોકેડની સદંતર અવગણના કરી ઈરાન ખાતે તેની અવર-જવર ચાલુ રાખી છે. એક અન્ય ઘટનાક્રમમાં ઈરાનનું સમર્થન કરવા બદલ અમેરિકાએ સ્પેન સાથેના તમામ વેપારી સંબંધ તોડી નાખવાની જાહેરાત કરી છે અને આ જાહેરાત પછી ૪-૬ કલાકમાં જ સ્પેનના રાષ્ટ્રપતિ ચાઇના રવાના થઈ ગયા છે. ત્યાં તેમનું મુક્ત મને સ્વાગત થયું છે. ફ્રાન્સ પછી ઇટાલીના વડા પ્રધાન મેલોની હવે ટ્રમ્પથી ખફા હોવાના પણ અહેવાલ છે.
આ તમામ ઊથલપાથલ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ઘટીને ૯૪ ડૉલરની અંદર ગયા પછી ૯૫ ડૉલર ઉપર દેખાયું છે. વાયદામાં સોનું સાધારણ ઘટાડે ૪૮૩૩ ડૉલર તો હાજર સોનું પોણો ટકો ઘટી ૪૮૦૭ ડૉલર હતું. ચાંદી ૮૦ ડૉલર નજીક જોવાઈ છે. યુદ્ધનો અંત નજીકમાં હોવાની ટ્રમ્પની વાતથી શૅરબજારો હરખાયાં છે. એશિયા ખાતે સાઉથ કોરિયા બે ટકા, તાઇવાન સવા ટકો, જપાન-હૉન્ગકૉન્ગ અડધો ટકો પ્લસ હતાં. ઇન્ડોનેશિયા અડધો ટકો ઘટ્યું છે. થાઇલૅન્ડ રજામાં હતું. યુરોપ રનિંગમાં સાંકડી વધઘટે એકંદર પૉઝિટિવ બાયસ દર્શાવતું હતું. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૧,૭૦,૬૪૦ થઈ અઢી ટકા કે ૪૩૭૦ પૉઇન્ટ વધી રનિંગમાં ૧,૭૦,૦૦૪ ચાલતું હતું. બિટકૉઇન ૭૪,૧૫૦ ડૉલરે ટકેલો હતો.
સેન્સેક્સ આગલા બંધથી ૧૧૩૪ પૉઇન્ટ ઉપર, ૭૭૯૮૧ ખૂલી છેવટે ૧૨૬૪ પૉઇન્ટના બાઉન્સબૅકમાં થયો છે. શૅરઆંક નીચામાં ૭૭,૮૪૯ અને ઉપરમાં ૭૮,૨૭૦ થયો હતો. ખાસ્સી મજબૂત માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૨૮૩૯ શૅર સામે ૪૩૮ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૯.૪૨ લાખ કરોડ વધીને ૪૫૮.૫૫ લાખ કરોડ થયું છે. સેન્સેક્સ તથા નિફ્ટીના ૧.૬ ટકાના વધારા સામે નિફ્ટી ડિફેન્સ સવાબે ટકા, આઇટી બેન્ચમાર્ક પોણાત્રણ ટકા, કૅપિટલ ગુડ્સ ૧૮૨૩ પૉઇન્ટ કે અઢી ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૮ ટકા, રીયલ્ટી અઢી ટકા, આઈઇલ-ગૅસ સવાબે ટકા, એનર્જી બે ટકા, પાવર ઇન્ડેક્સ ૨.૯ ટકા, યુટિલિટીઝ અઢી ટકા, ફાઇનૅન્સ દોઢ ટકા, FMCG દોઢ ટકા, હેલ્થકૅર ૧.૭ ટકા અને ઑટો ઇન્ડેક્સ ૧.૬ ટકા વધ્યા હતા. મેટર બેન્ચમાર્ક ૧.૭ ટકા પ્લસ થયો છે. બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૧ શૅરના સુધારામાં સવા ટકો કે ૬૯૭ પૉઇન્ટ તથા પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના વધારામાં ૧.૧ ટકા સુધર્યો છે.
એલઆઇસી તરફથી શૅરદીઠ એકનું બોનસ જાહેર કરાયું છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૮૪૫ થઈ ૪.૭ ટકા ઊછળી ૮૪૨ બંધ રહ્યો છે. કંપનીમાં હાલ સરકારનું હોલ્ડિંગ ૯૬.૫ ટકા હોવાથી બોનસનો મહત્તમ લાભ એ લઈ જશે. આશરે ૨૧ લાખ જેટલા નાના શૅરધારક છે. તેમની પાસે દોઢ ટકા માલ છે. કંપની મે ૨૦૨૨ના પ્રથમ સપ્તાહમાં ૧૦ના શૅરદીઠ ૯૪૯ના ભાવથી ૨૦,૫૫૭ કરોડ રૂપિયાનો ઇશ્યુ લાવી હતી. આખો ઇશ્યુ ઑફર ફૉર સેલનો હતો. ભરણું રિટેલમાં બે ગણા સહિત કુલ ત્રણેક ગણું ભરાયું હતું. ૧૭ મે ૨૦૨૨ના રોજ લિસ્ટિંગમાં ભાવ ઉપરમાં ૯૨૦ અને નીચામાં ૮૬૦ થઈ ૮૭૫ બંધ થયો હતો. તે વધઘટે ઘસાતો રહીને ૨૯ માર્ચ ૨૦૨૩માં ૫૩૦ના ઑલટાઇમ તળિયે જોવાયો હતો. ૨૨ જુલાઈ ૨૦૨૪માં અહીં ૧૧૯૭ની ઑલટાઇમ હાઈ હતી. છેલ્લા એક વર્ષમાં ૩૦ જૂનના રોજ અત્રે ૯૮૦ની ટોપ તથા તાજેતરમાં બીજી એપ્રિલે ૭૨૨ની બૉટમ બની છે. બોનસ ઇશ્યુ બાદ સરકાર પબ્લિક હોલ્ડિંગ વધારવા ઑફર ફૉર સેલ મારફત પોતાનું હોલ્ડિંગ ઘટાડવાની યોજના ધરાવે છે. હાલની તારીખે તો આમાં મૂળ ઇન્વેસ્ટર્સને રોકાણ ઉપર વ્યાજ તો જવા દો, મૂડીમાં ય નુકસાન છે.
દરમ્યાન ICICI પ્રુ એસેટ મૅનેજમેન્ટ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં ૧૯.૫ ટકા વધારામાં ૧૫૧૭ કરોડની આવક ઉપર ૧૦.૪ ટકા વધારામાં ૭૬૩ કરોડ નેટ પ્રૉફિટ મેળવી શૅરદીઠ ૧૨.૪૦ રૂપિયાનું આખરી ડિવિડન્ડ જાહેર કરાયું છે. શૅર ઉપરમાં ૩૪૦૧ થઈ ચાર ટકા તૂટી ૩૨૧૬ બંધ થયો છે. આનંદરાઠી શૅર ઍન્ડ સ્ટૉક બ્રોકર્સે ૨૮ ટકા વધારામાં ૨૫૬ કરોડ જેવી આવક ઉપર ૧૨૬ ટકા જેવા વૃદ્ધિદરથી ૪૧.૫ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ઉપરમાં ૬૨૮ થઈ ૧.૮ ટકા વધી ૫૮૪ થયો છે. સ્વરાજ એન્જિન્સે માર્ચ ક્વૉર્ટરમાં ૨૦.૨ ટકાના વધારામાં ૫૪૬ કરોડની આવક ઉપર ૨૦.૧ ટકા વૃદ્ધિદરથી પંચાવન કરોડ નજીકનો નફો કરી શૅરદીઠ ૧૧૦નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ૩.૫ ટકા વધીને ૪૦૩૭ બંધ આવ્યો છે.
ક્રૂડ નરમ પડતાં ઇન્ડિગો ૪.૬ ટકા કે ૨૦૫ રૂપિયાની તેજીમાં ૪૬૩૪ બંધ આપીને સેન્સેક્સ નિફ્ટી ખાતે ઝળકી છે. ઍટર્નલ ૪.૪ ટકા, પાવરગ્રીડ ચારેક ટકા, લાર્સન ત્રણ ટકા, એશિયન પેઇન્ટ્સ ત્રણ ટકા, અલ્ટ્રાટેક ૨.૪ ટકા, ટ્રેન્ટ અઢી ટકા, સનફાર્મા ૨.૬ ટકા, મેક્સ હેલ્થકૅર ચાર ટકા, હિન્દાલ્કો ૩.૪ ટકા, તાતા મોટર પેસેન્જર સાડાત્રણ ટકા, SBI લાઇફ ત્રણ ટકા, નેસ્લે અઢી ટકા અને શ્રીરામ ફાઇનાન્સ પોણા બે ટકા મજબૂત બન્યાં છે. HDFC બૅન્ક બે ટકા વધી ૮૧૦ બંધમાં બજારને ૨૦૧ પૉઇન્ટ ફળી છે. કોટક બૅન્ક અઢી ટકા અને સ્ટેટ બૅન્ક પોણો ટકો વધી હતી. ICICI બૅન્ક ૦.૨ ટકા નરમ તો એક્સિસ બૅન્ક નજીવી ઘટી હતી.
રિલાયન્સ સવાબે ટકા વધી ૧૩૪૪ બંધમાં બજારને ૧૭૦ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. જીઓ ફાઇનાન્શિયલ બે ટકા ઊંચકાઈ હતી. આઇટીમાં TCS સવાત્રણ ટકા તથા ઇન્ફોસિસ ૨.૨ ટકા વધતાં બજારને કુલ ૧૫૨ પૉઇન્ટ ફાયદો થયો છે. HCL ટેક્નૉલૉજીસ દોઢ ટકા, ટેક મહિન્દ્રા ૩.૩ ટકા અને લાટિમ ૩.૬ ટકા પ્લસ હતી. અદાણી ગ્રુપમાં ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઇસિસ પોણો ટકો અને અદાણી પોર્ટ્સ ૨.૮ ટકા વધી હતી. ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પાવર ૧૮૭ની ઑલટાઇમ હાઈ બનાવી એક ટકાની આગેકૂચમાં ૧૮૩ તો અદાણી એનર્જી ૧૨૦૫ની નવી મલ્ટીયર ટોપ બનાવી અડધો ટકો ઘટી ૧૧૭૦ હતી. અદાણી ગ્રીન પોણો ટકો, અદાણી ટોટલ સવાબે ટકા, NDTV ૩.૬ ટકા, એસીસી દોઢ ટકા, અંબુજા સિમેન્ટ્સ ૨.૯ ટકા, પીએસપી પ્રોજેક્ટ્સ ૨.૭ ટકા, સેમીઇન્ડિયા પ્રોજેક્ટ્સ ૩.૪ ટકા અને ઓરિયેન્ટ સિમેન્ટ્સ ૩.૬ ટકા વધી છે. મારુતિ સુઝુકી ૧.૭ ટકા, આઇશર એક ટકા, બજાજ ઑટો ૦.૪ ટકા પ્લસ હતી.
BSE લિમિટેડ બુલરન જાળવી રાખતાં ૩૪૨૨ના નવા શિખરે જઈ અઢી ટકા વધી ૩૩૯૧ તો MCX ૨૮૮૯ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ત્રણ ટકા વધી ૨૮૫૧ રહી છે. ‘એ’ ગ્રુપમાં દીપક ફર્ટિલાઇઝર ૧૩.૩ ટકા કે ૧૪૨ રૂપિયા ઊછળી ૧૨૧૪ થઈ છે. ઓલા ઇલેક્ટ્રિક પોણો ટકો વધી છે, એથર એનર્જી ચાર ટકા નરમ હતી. નફો ૩૬ ટકા ઘટીને આવતાં જસ્ટ ડાયલ ૧૨ ગણા કામકાજે નીચામાં ૫૪૩ થઈ પાંચ ટકા ગગડી ૫૪૪ રહી છે.
ગેઇલ ઇન્ડિયા દ્વારા ૩૨૯૫ કરોડના ખર્ચે ઉત્તર પ્રદેશમાં ૬૦૦ મેગાવૉટનો નવો સોલર પાવર પ્રોજેક્ટ નાખવાની જાહેરાત કરાઈ છે. શૅર ગઈ કાલે દોઢ ટકા વધી ૧૫૬ બંધ થયો છે. એચ.જી. ઇન્ફ્રા એન્જિનિયરિંગને મિર્ઝાપુર થર્મલ પાવર પ્લાન્ટ માટે ૫૧૯ કરોડનો ઑર્ડર મળ્યો છે. શૅર ગઈ કાલે ૧૩.૭ ટકા ઊછળી ૬૨૯ રહ્યો છે. પ્રેસ્ટિજ એસ્ટેટ્સ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં ૧૧ ટકાના વધારામાં ૭૬૯૭ કરોડનું વેચાણ હાંસલ કરાયું છે. સ્ક્વૅર ફુટદીઠ વેચાણ આવક સાત ટકા વધી છે. શૅર ૨.૮ ટકા વધી ૧૩૪૧ બંધ થયો છે. સંવર્ધના મધરસન ઇન્ટરનૅશનલના પ્લાન્ટ્સમાં મોટા પાયે મજૂર અશાંતિ પેદા થઈ છે. શૅર નીચામાં ૧૨૧ થઈ સાડાત્રણ ટકા વધી ૧૨૩ થયો છે. રેલટેલ કૉર્પોરેશનને ૫૬૪ કરોડના બે ઑર્ડર રેલ વિકાસ નિગમ તરફથી મળ્યા છે. શૅર ઉપરમાં ૩૪૦ બતાવી ૧૮.૪ ટકા ઊછળી ૩૩૭ હતો. ICICI પ્રુ લાઇફ ઇન્સ્યૉરન્સે માર્ચ ક્વૉર્ટરમાં સવાસત્તર ટકા વધારામાં ૧૯,૧૮૯ કરોડની નેટ પ્રીમિયમ ઇન્કમ ઉપર ૬૨ ટકા જેવા વૃદ્ધિદરથી ૬૨૪ કરોડ નજીકનો નેટ નફો મેળવ્યો છે. શૅર અઢી ટકા વધીને ૫૬૧ હતો.
કરસન પટેલની નુવાકો વિસ્ટા કૉર્પોરેશને માર્ચ ક્વૉર્ટરમાં ૮.૭ ટકાના વધારામાં ૩૩૦૭ કરોડ જેવી આવક પર ૧૫ ટકા ઘટાડામાં ૧૪૧ કરોડ નજીકનો નેટ નફો કર્યો છે. શૅર સવા ટકા ઘટી ૩૦૩ થયો છે. કંપની ઑગસ્ટ ૨૦૨૧માં ૧૦ના શૅરદીઠ ૫૭૦ના ભાવે ૫૦૦૦ કરોડનો આઇપીઓ લાવી હતી. લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થયા બાદ આ શૅર સતત બિલો-પાર રહ્યો છે. ૧૩ જૂન ૨૦૨૨માં ભાવ ૨૬૦ના ઑલટાઇમ તળિયે ગયો હતો. છેલ્લા એક વર્ષમાં ૪ સપ્ટેમ્બરે શૅર ૪૭૭ની વર્ષની ટોચે તો તાજેતરમાં ૨૪ માર્ચે ૨૭૬ના તળિયે ગયો હતો. બાય ધ વે, ૫૦૦૦ કરોડના ઇશ્યુમાંથી ૩૫૦૦ કરોડ રૂપિયા ઑફર ફૉર સેલના હતા જે બહુધા પ્રમોટર્સના ઘરમાં ગયા હતા. લિસ્ટિંગ પછી ૩ સપ્ટેમ્બર ૨૦૨૧માં ભાવ ઇન્ટ્રા-ડેમાં ૫૬૧ થયો હતો જે એની વિક્રમી સપાટી છે.
વિપ્રોનાં પરિણામ આજે, ગુરુવારે છે. એમાં શૅરના બાયબૅકનો એજન્ડા પણ સામેલ છે. કંપનીએ છેલ્લે ત્રણ વર્ષ પૂર્વે જૂન ૨૦૨૩માં શૅરદીઠ મહત્તમ ૪૪૫ સુધીના ભાવે ૧૨,૦૦૦ કરોડનું બાયબૅક કર્યું હતું. પરિણામ નબળાં આવવાની એકંદર ધારણા છે. બાયબૅક કયા ભાવે આવે છે અને કેટલી સાઇઝ છે એના ઉપર નજર છે. ગાઇડન્સિસ ઉપર પણ ધ્યાન રહેશે. ૧ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ શૅર ૩૭૦ નજીક ઑલટાઇમ હાઈ તથા બાવીસ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ૧૮૬ની સવાપાંચ વર્ષની બૉટમ બની હતી. ૨૦૨૬ના ચાલુ કૅલેન્ડર વર્ષમાં આ શૅર ૨૩ ટકા જેવો ગગડ્યો છે. ભાવ ગઈ કાલે ૨૧૦ ઉપર જઈ ૩.૪ ટકા વધી ૨૧૦ બંધ રહ્યો છે. રિલાયન્સની ૪૫.૩ ટકા માલિકીની સબસિડિયરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ગઈ કાલે પરિણામ પૂર્વે ઉપરમાં ૮૨૯ થઈ ૧૨.૪ ટકા ઊછળી ૮૧૧ થઈ છે. તાતાની તેજસનેટ રિઝલ્ટ પૂર્વે ઉપરમાં ૪૫૬ બતાવી પોણાબે ટકા સુધરી ૪૫૦ હતી. રિલાયન્સની ૭૨ ટકા માલિકીની લોટસ ચૉકલેટ પરિણામ પૂર્વે ઉપરમાં ૮૨૩ થઈ એક ટકો ઘટી ૭૮૩ રહી છે. ૨૦ જૂનના રોજ ભાવ ૧૫૨૫ની ટોચે હતો.
આજે, ગુરુવારે જાહેર થનારાં મહત્ત્વનાં રિઝલ્ટમાં HDFC લાઇફ, HDFC ઍસેટ મૅનેજમેન્ટ, ક્રિસિલ, એન્જલવન, એસજી ફીનસર્વ, વીએસટી ઇન્ડસ્ટ્રીઝ તથા વારિ રિન્યુએબલ ટેક્નૉલૉજીસ મુખ્ય છે. ગઈ કાલે એન્જલવન ઉપરમાં ૨૯૯ થઈ છ ટકા ઊછળી ૨૯૭, HDFC લાઇફ ૬૪૧ની ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી ૩.૩ ટકા વધી ૬૪૦, ક્રિસિલ ઉપરમાં ૪૧૫૦ થઈ બે ટકા વધી ૪૧૪૧, વારિ રિન્યુએબલ ટેક્નૉલૉજીસ ઉપરમાં ૧૦૪૫ બતાવી ૭.૫ ટકાની તેજીમાં ૧૦૪૪, HDFC ઍસેટ મૅનેજમેન્ટ ઉપરમાં ૨૬૭૭ થઈ ૪.૭ ટકા વધી ૨૬૬૫, એસજી ફીનસર્વ ૪૭૭ની નવી ટૉપ નોંધાવી અડધો ટકો ઘટી ૪૬૬, વીએસટી ઇન્ડસ્ટ્રીઝ ઉપરમાં ૨૩૮ થઈ સવાપાંચ ટકા વધી ૨૩૮ બંધ થયો છે. આલોક ઇન્ડસ્ટ્રીઝનાં રિઝલ્ટ પણ આજે છે. ભાવ ચાર ટકા વધી ૧૪.૩૩ રહ્યો છે. અહીં રિલાયન્સ સહપ્રમોટર્સ તરીકે ૪૦ ટકા હોલ્ડિંગ ધરાવે છે.