ડૉલરમાં સંગીન તેજી, ક્રિપ્ટોમાં કારમી મંદી, રૂપિયામાં નબળાઈ

20 June, 2022 02:56 PM IST  |  Mumbai | Biren Vakil

ફેડના જમ્બો હાઇક પછી ઇમર્જિંગ કરન્સી અને શૅરોમાં ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

બુધવારે ફેડે વ્યાજદરમાં ૭૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો છે. આ વધારો ૧૯૯૪ પછીનો મોટામાં મોટો વધારો છે. સતત ત્રણ વધારા સાથે હવે ફેડ ફન્ડરેટ ૧.૫૦ ટકા થયો છે. ફેડે ફુગાવા સામેની લડાઈ અનકન્ડિશનલ  ગણાવી છે. મતલબ કે ફુગાવો કાબૂમાં ન આવે ત્યાં સુધી વ્યાજદરો વધતા રહેશે. બુધવારના જમ્બો રેટ હાઇક પછી ડૉલેક્સ ૧૭ વરસની ઊંચી સપાટી ૧૦૫.૭૮ થયો હતો. યુરોમાં ૧.૦૩૦૦૦, પાઉન્ડમાં ૧.૦૨૦૦૦, યેનમાં ૧૩૫ના લેવલ તૂટ્યા હતા. ઇમર્જિંગ કરન્સીમાં નવેસરથી વેચવાલી હતી. રિસ્ક ઑન ઍસેટમાં સૌથી વ્યાપક તારાજી ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ ઍસેટમાં થઈ છે. સપ્તાહની આખરમાં ડૉલેક્સ થોડો ઘટ્યો હતો. યુરો, પાઉન્ડ વગેરે થોડા સુધર્યા હતા. ડૉલરમાં લાંબા ગાળાની તેજીનો પાયો રચાઈ ગયો છે. યુરો, યુઆન અને યેન તેમ જ સાઉથ ઈસ્ટ એશિયા, ઇમર્જિંગ યુરોપ અને લેટીન અમેરિકન ઇમર્જિંગ કરન્સીમાં દીર્ઘકાલીન મંદીનાં પગરણ થયાં છે. ડૉલરની વર્તમાન તેજી વ્યાપક છે. ડૉલર અકાઉન્ટ કૅશ પૉઝિટિવ થયા છે. વર્ષાંતે ફેડ ફન્ડ રેટ ૩.૫૦-૫.૫૦ વચ્ચે પહોંચી શકે. ૧૦ વરસના અમેરિકી બૉન્ડનું યીલ્ડ ૩.૨૩ થયું છે, જે આગળ પર ૪.૫૦-૬.૨૫ જઈ શકે. 
  રૂપિયાની વાત કરીએ તો શુક્રવારે ઑફશૉર રૂપિયો ૭૭.૯૨ બંધ રહ્યો હતો. ડૉલરની તેજી સ્ટ્રક્ચરલ બુલ માર્કેટ દેખાય છે અને ઇમર્જિંગ બજારોની કરન્સીમાં મંદી પણ સ્ટ્રક્ચરલ બેર માર્કેટ દેખાય છે. ક્રૅશ ઍન્ડ બર્ન પ્રકારની ધીમી મંદી લાગે છે. ડૉલર સુપર બુલ મોડમાં છે એ જોતાં આગામી મહિનાઓમાં ફ્રેજાઇલ ફ્રાઇવ કરન્સીઝ યાને બ્રાઝિલ, ટર્કી લીરા, આફ્રિકા રેન્ડ, ઇન્ડો રૂપિયો, ભારતીય રૂપિયા પર ખાસ નજર રાખવી પડશે. રૂપિયાનાં મેક્રો ફન્ડામેન્ટલ્સ નબળાં દેખાય છે. ૧૦ વરસના બૉન્ડ યીલ્ડ ૭.૫૪ છે. આગળ જતાં યીલ્ડ ૮-૧૦ ટકા જઈ શકે. રિઝર્વ બૅન્કે એકથી દોઢ ટકા વ્યાજદર વધારવા પડશે. ચીનનું સ્લોડાઉન, જપાની મંદી, યુરોપનું સ્ટૅગફ્લૅશન, વૉર, એનર્જી ક્રાઇસિસ, ફૂડ શૉર્ટેજ જેવાં અનેક પ્રતિકૂળ કારણો જોતાં ૨૦૨૩માં વૈશ્વિક અર્થતંત્ર પર સ્ટૅગફ્લૅશન તોળાઈ રહ્યું છે. ડીઝલની અછત, અનાજ, ખાતરની તેજી, ચોમાસામાં વિલંબ, વીજળી-કોલસાના ઊંચા ભાવ જોતાં સેકન્ડ હાફમાં ભારતીય અર્થતંત્રે ઘણા પડકારો ઝીલવાના છે. શૅરબજારમાં મિડ કૅપ અને લાર્જ કૅપ શૅરોમાં નોંધપાત્ર કરેક્શન આવ્યું છે. થર્ડ ક્વૉર્ટર માટે રૂપિયાની બ્રોડ રેન્જ ૭૬.૨૬-૭૯.૯૩, ડૉલેક્સ ૧૦૩.૫૦-૧૦૭.૫૦, યુરો ૧.૦૧૫૦-૧.૦૭૮૦, યેન ૧૨૬-૧૩૭, પાઉન્ડ ૧.૧૫૫૦-૧.૨૩૦૦  દેખાય છે. નિફટીમાં બ્રોડ રેન્જ ૧૩૮૦૦-૧૬૪૦૦ રહેશે. શૅરબજારો અને કરન્સીના સ્વિંગ ઘણા મોટા રહેશે.
 ક્રિપ્ટોકરન્સીમાં કારમી મંદી આવી છે. બીટકૉઇન ૧૮૩૦૦ ડૉલર, ઇથર ૧૦૦૦ ડૉલર નીચે ગયો છે. ગયા વરસે બીટકૉઇન વધીને ૬૯૦૦૦ ડૉલર થયો ત્યારે ડિજિટલ મેનિયાના સમયે ક્રિપ્ટો ઍસેટનું માર્કેટ કૅપ ત્રણ ટ્રિલ્યન ડૉલર હતું જે આજે ૮૦૦ બિલ્યન ડૉલર થઈ ગયું છે. મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીમાં ૬૦થી ૯૦ ટકાનું ધોવાણ છે. ટેરા કૉઇન મેલ્ટડાઉન અને સેલ્સિયસ નામના ડેફી સ્ટાર્ટઅપમાં વિધડ્રૉઅલ સ્થગિત કરાતાં પછી ડીસેન્ટ્રાલાઇઝડ લૅન્ડિંગ અને બોરોઇંગ-યીલ્ડ ફાર્મિંગ વગેરેમાં નાદારીઓ વધી છે.
વિશ્વબજારમાં યુરોમાં ૧.૩૦૦૦નું ક્રિટિકલ સપોર્ટ તૂટતાં આગળ યુરો નોંધપાત્ર ઘટી શકે. ૨૦૧૪માં યુરોનું અસ્તિત્વ ખતરામાં આવતાં ઈસીબીના તત્કાલિન વડા મારીઓ ડ્રાફીએ કહ્યું હતું કે યુરોને બચાવવા ઈસીબી કોઈ પણ હદે જશે. એવી પળ ફરી આવી ચૂકી છે. ઈસીબી વ્યાજદરમાં ઝડપી વધારો નહીં કરે તો યુરોપમાંથી કૅપિટલ આઉટફ્લો રોકવા મુશ્કેલ બનશે. એશિયામાં ચીનનું સ્લોડાઉન, બૉન્ડ બજારની નરમાઈ જોતાં યુઆન અને યેન પણ તૂટી શકે. એશિયામાં જિયોપૉલિટિકલ રિસ્ક મોટું વાઇલ્ડ કાર્ડ છે. ઇમર્જિંગ એશિયા, ઇમર્જિંગ યુરોપ અને લેટીન અમેરિકન બજારોમાં ક્રૅશ ઍન્ડ બર્ન- યાને ધીમી પણ કાતિલ મંદી દેખાય છે. અમેરિકી બૉન્ડ યીલ્ડ ૧૪ વરસની ઊંચી સપાટી ૩.૨૩ થઈ ગયા છે. વરસના અંતે ફેડ ફન્ડ રેટ ૩.૫૦-૪.૫૦ ટકા અને ૧૦ વરસના બૉન્ડ ૪-૫.૫૦ વચ્ચે પહોંચી શકે. ગ્લોબલ કૅશ હૉર્ડિંગ વિક્રમી ઊંચું છે. એને મંદીનાં વાદળોમાં રૂપેરી કોર ગણવી જોઈએ. રિસેશન સંભવતઃ યુ શૅપનું, શેલો રિસેશન હોઈ શકે.

business news