ડૉલરની ઇન્ડેક્સ થઈ ૧૦૦ને પાર : પાઉન્ડ ત્રણ દાયકાના તળિયે

19 March, 2020 11:12 AM IST  |  Mumbai Desk

ડૉલરની ઇન્ડેક્સ થઈ ૧૦૦ને પાર : પાઉન્ડ ત્રણ દાયકાના તળિયે

પ્રતીકાત્મક તસવીર

શૅરબજાર, બૉન્ડ અને કૉમોડિટીઝની જેમ વૈશ્વિક ચલણ બજારમાં પણ ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. વાઇરસના કારણે ભારે નુકસાન થશે, અમેરિકન અર્થતંત્ર મહામંદીમાં સરી પડશે, બેરોજગારી ૨૦ ટકા જેટલી થશે અને લાખો કરોડો ડૉલરના પૅકેજ પછી પણ ડૉલર ફરી એક વખત વિશ્વનું સૌથી લોકપ્રિય ચલણ બની ગયું છે. આજે ડૉલર ઇન્ડેક્સ ૧૦૦ની સપાટી પાર કરી ગયું હતું જે એપ્રિલ ૨૦૧૭ પછીની સૌથી ઊંચી સપાટી છે. બીજી તરફ બ્રિટિશ પાઉન્ડ ડૉલર સામે ૧૯૮૫ પછીની સૌથી નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે.

સ્પેન અને ઇટલી બાદ હવે બ્રિટન કોરોના વાઇરસનું કેન્દ્રબિંદુ બની શકે એવી દહેશત અને વડા પ્રધાન બોરીસ જ્હોન્સનની નિષ્ક્રિયતાથી અકળાઈ રોકાણકાર બ્રિટિશ અસ્કયામતો વેચી ડૉલર તરફ આગળ વધી રહ્યા છે. ડૉલર અત્યારે સલામતીનું સ્વર્ગ લઈ રહ્યો છે. આજે ડૉલર સામે પાઉન્ડ ૧.૯ ટકા ઘટી ૧.૧૮૨૮ની સપાટીની સપાટીએ હતો જે ૧૯૮૫ પછીની સૌથી નીચી સપાટી છે જ્યારે પ્લાઝા હોટેલ્સમાં વિશ્વના દેશોએ અમેરિકાના અર્થતંત્રને મંદીની બહાર કાઢવા માટે ડૉલર નબળો પડવાના કરાર કર્યા હતા.

કિંગ ડૉલર, ઇમર્જિંગ માર્કેટ માટે દુખાવો
વૈશ્વિક અર્થતંત્રમાં ડૉલરની મજબૂતી એક ચિંતાનું કારણ બની રહી છે. એક તરફ કોરોના વાઇરસના કારણે અર્થતંત્રમાં માગ ઘટી રહી છે બીજી તરફ ડૉલર સામે ચલણ નબળું પડી રહ્યું હોવાથી તેમાં રોકાણની આશા નબળી પડી રહી છે. મંદીની દહેશતથી રોકાણકારો ભારત, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રશિયા, દક્ષિણ કોરિયા જેવી ઈમર્જિંગ માર્કેટ છોડી ડૉલરની સલામતી તરફ જઇ રહ્યા છે. ડૉલર ઉપર બે વખત વ્યાજદરમાં ઘટાડો કર્યાની પણ અસર થઈ નથી.

ઈમર્જિંગ માર્કેટમાં જોખમો વધારે હોય છે, બીજું વાઇરસની અસરને ખાળવા માટે સ્રોત પણ ઓછા રહે છે. સામે અમેરિકા તરત જ પગલાં લઈ રહ્યું છે, અર્થતંત્ર વિશાળ છે અને ડૉલર અત્યારે પણ સૌથી વધુ સ્વીકૃત ચલણ છે.

business news