ડૉલર અઢી વર્ષની નીચી સપાટીએ

02 December, 2020 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉલર અઢી વર્ષની નીચી સપાટીએ

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક રીતે જોખમ ઉઠાવવાની શરૂઆતની સાથે અમેરિકન ડૉલર અઢી વર્ષની નીચી સપાટીએ પટકાયો છે. ડૉલરની નબળાઈના કારણે વૈશ્વિક બજારો અને ખાસ કરીને ઇમર્જિંગ માર્કેટમાં જોરદાર નાણાપ્રવાહ આવી રહ્યો છે. કોરોના મહામારી સામે વૅક્સિન હવે અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેનો લાભ વિવિધ દેશોના નાગરિકને મળતો થઈ જશે, લોકો અને અર્થતંત્ર ઉપરના નિયંત્રણ હટી જશે એટલે આર્થિક પ્રવૃત્તિને ફાયદો થશે એવી આશા સાથે શૅરબજાર વધી રહ્યાં છે. આજે વ્યાપક ખરીદીની સાથે સેન્સેક્સ અને નિફ્ટી ઇતિહાસની સર્વોચ્ચ સપાટીએ બંધ આવ્યા હતા.

વિદેશી ફન્ડસની ૬૫,૩૧૭ કરોડ રૂપિયાની વિક્રમી ખરીદીના સહારે નવેમ્બર મહિનામાં ભારતીય શૅરબજારમાં કેલેન્ડર વર્ષ ૨૦૨૦નો બીજો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે ઇક્વિટી ફન્ડસમાંથી રોકાણકાર નાણાં ઉપાડી રહ્યાં હોવાથી સ્થાનિક ફન્ડસ સતત ઊંચા મથાળે વેચાણ કરી રહ્યા છે. ગત મહિને સ્થાનિક ફન્ડસની ૪૮,૩૧૯ કરોડની વેચવાલી બજારમાં જોવા મળી છે. નવેમ્બર બાદ ડિસેમ્બરમાં પણ વિદેશી સંસ્થાઓની આક્રમક ખરીદી ચાલુ રહી છે. આજે વિદેશી ફન્ડસની ૩૨૪૨ કરોડ રૂપિયાની ખરીદી હતી અને સ્થાનિક ફન્ડસની ૧૦૪૩ કરોડ રૂપિયાની વેચવાલી જોવા મળી હતી.

વિક્રમી સપાટીએ બજાર, વિવિધ ઇન્ડેક્સમાં ઉછાળો

સત્રના અંતે સેન્સેક્સ ૫૦૫.૭૨ પૉઇન્ટ કે ૧.૧૫ ટકા વધી ૪૪૬૫૫.૪૪ અને નિફ્ટી ૧૪૦.૧૦ પૉઇન્ટ કે ૧.૦૮ ટકા વધી ૧૩૧૦૯.૦૫ની સપાટીએ બંધ આવ્યા હતા. આ બંધ સપાટી શૅરબજારના બન્ને ઇન્ડેક્સ માટે સૌથી ઊંચી બંધ સપાટી છે. ઇન્ડેક્સ હેવીવેઇટમાં ઇન્ફોસિસ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એચડીએફસી, ટીસીએસ, રિલાયન્સના શૅરની વૃદ્ધિનો સિંહફાળો છે.

માત્ર સેન્સેક્સ અને નિફ્ટી નહીં પણ સમગ્ર બજારમાં ખરીદી જોવા મળી રહી છે. આજે નિફ્ટી મિડ કૅપ ઇન્ડેક્સ ૨૭ મહિનાની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો, નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૨૪ મહિનાની ઊંચી સપાટીએ, નિફ્ટી સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧૮ મહિનાની અને નિફ્ટી રીઅલ એસ્ટેટ ઇન્ડેક્સ આઠ મહિનાની ઊંચી સપાટીએ જોવા મળી રહ્યો છે. આ દર્શાવે છે કે બજારમાં કોઈ એક સૅક્ટર કે કોઈ ચોક્કસ કંપનીઓના શૅરની ખરીદીથી નહીં પણ વ્યાપક ખરીદીથી તેજી જોવા મળી રહી છે.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પર આજે એફએમસીજીના સામાન્ય ઘટાડા સિવાય બધા જ ઇન્ડેક્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. રીઅલ એસ્ટેટ, સરકારી બૅન્કો, આઇટી, ફાર્મા અને ઑટોમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. એક્સચેન્જ ઉપર ૧૨૪ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને આઠ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા અહીં ૨૦૫ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૬૮ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૨૩૭ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૪૨ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૪૩૧ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૦૪માં મંદીની  સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨.૪૦ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૯૧ ટકા વધ્યા હતા. મંગળવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૨,૦૮,૦૧૨ કરોડ વધી ૧૭૬.૨૨ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

બીએસઈ ૫૦૦ ઇન્ડેક્સ ઇતિહાસમાં સૌથી ઊંચી સપાટીએ

શૅરબજારમાં જોવા મળી રહેલી વ્યાપક ખરીદીના પરિણામે બીએસઈની ટોચની ૫૦૦ કંપનીઓનો ઇન્ડેક્સ આજે ૧૭૨૧૨ પૉઇન્ટની ઇતિહાસની સૌથી ઊંચી સપાટીએ સ્પર્શ કરી આગલા બંધથી ૧.૧૪ ટકા વધી ૧૭૧૮૮ની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.

આ ઇન્ડેક્સની ૪૯ કંપનીઓના શૅર એક વર્ષની ઊંચી સપાટીએ હતા જેમાંથી ૨૧ કંપનીઓ જેવીકે અદાણી ગૅસ, એફલ ઇન્ડિયા, ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ, જેકે સિમેન્ટ, ટેક મહિન્દ્ર, રામકો સિમેન્ટ, એશિયન પેઈન્ટ, ડીવીઝ લૅબ સર્વકાલીન ઊંચી સપાટીએ સ્પર્શ્યા હતા. શ્રી સિમેન્ટ ૨.૮૨ ટકા, મધરસન સુમી ૬.૪૬ ટકા, સન ફાર્મા ૫.૫૧ ટકા, ટેક મહિન્દ્ર ૩.૮૬ ટકા વધી નવી વિક્રમી સપાટીએ બંધ આવ્યા હતા.

રીઅલ એસ્ટેટ શૅરો આઠ મહિનાની ટોચે

આજે નિફ્ટી રીઅલ એસ્ટેટ ઇન્ડેક્સ ૩.૩૩ ટકાની વૃદ્ધિ સાથે બજારમાં સૌથી વધુ વધનારા સૅક્ટર ઇન્ડેક્સમાં હતો. કંપનીઓના શૅરમાં પ્રેસ્ટિજ એસ્ટેટ ૮.૨૫ ટકા, ઇન્ડિયાબુલ્સ રીઅલ એસ્ટેટ ૮.૧૧ ટકા, સનટેક રીઅલ્ટી ૪.૩ ટકા, ડીએલએફ ૪.૨૭ ટકા, ઓબેરોય રીઅલ્ટી ૩.૬૭ ટકા, ગોદરેજ પ્રૉપર્ટી ૨.૦૨ ટકા, ઓમેક્સ ૧.૮૮ ટકા, શોભા ડેવલપર ૧.૬૯ ટકા, ફિનિક્સ લિમિટેડ ૧.૫૩ ટકા અને બ્રિગેડ એન્ટરપ્રાઇસ ૦.૭૮ ટકા વધ્યા હતા.

સરકારી બૅન્કોના સહારે બૅન્કિંગમાં વૃદ્ધિ

આજે બજારમાં બૅન્કિંગમાં ખાનગી કરતાં સરકારી બૅન્કોમાં વૃદ્ધિ અને ખરીદી વધારે જોવા મળી રહી હતી. બૅન્કોમાં મૂડીની તંગી રહેતા તેમનો વિકાસ ઘટી શકે છે એવા અહેવાલ વચ્ચે પણ બૅન્કિંગ શૅરોમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ આજે ૨.૮૮ ટકા અને નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૦.૮૮ ટકા વધતા નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ ૦.૭૧ ઉછળી બંધ આવ્યો હતો.

સરકારી બૅન્કોમાં કૅનરા બૅન્ક ૫.૯૨ ટકા, બૅન્ક ઑફ બરોડા ૪.૪૮ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૫૫ ટકા, યુનિયન બૅન્ક ૩.૩૯ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૨.૯૯ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૨.૭૬ ટકા, ઇન્ડિયન બૅન્ક ૨.૨૨ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૩૮ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૧.૨૩ ટકા, યુકો બૅન્ક ૦.૮૧ ટકા અને જમ્મુ અૅન્ડ કાશ્મીર બૅન્ક ૦.૪૨ ટકા વધ્યા હતા. ખાનગી બૅન્કોમાં ઇન્ડસઇન્ડ બૅન્ક ૪.૯૪ ટકા, ફેડરલ બૅન્ક ૪.૩૮ ટકા, બંધન બૅન્ક ૨.૮૧ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૨૫ ટકા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૦.૯૫ ટકા, આરબીએલ બૅન્ક ૦.૪૯ ટકા, એક્સીસ બૅન્ક ૦.૩૪ ટકા વધ્યા હતા. સામે સિટી યુનિયન બૅન્ક ૨.૦૪ ટકા, એચડીએફસી બૅન્ક ૦.૯૪ ટકા અને કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૫ ટકા ઘટ્યા હતા.

ઑટો શૅર બે વર્ષની ઊંચી સપાટીએ

વાહનોનાં વેચાણના આંકડામાં તહેવારોની ખરીદીની અસર જોવા મળી હતી અને તેના કારણે નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૧.૦૭ ટકા વધી બે વર્ષનો ટોચની નજીક બંધ રહ્યો હતો. મારુતિનું નવેમ્બર મહિનાનું વેચાણ ૧.૭ ટકા વધ્યું હોવાથી શૅર ૦.૯૧ ટકા વધ્યા હતા. બજાજ ઑટોના શૅર વેચાણ પાંચ ટકા વધ્યું હોવાથી ૨.૨૭ ટકા વધ્યા હતા. ટ્રેક્ટરનું વેચાણ ૫૬ ટકા વધ્યું હોવાથી મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્રના શૅર ૧.૬ ટકા વધ્યા હતા. વેચાણ ૫૯ ટકા વધતાં વીએસટી ટીલર્સના શૅર ૦.૨૯ ટકા વધ્યા હતા. વેચાણ ૨૧ ટકા વધતાં ટીવીએસ મોટર્સના શૅર ૦.૧૬ ટકા વધ્યા હતા. વેચાણ પાંચ ટકા વધતાં અશોક લેલેન્ડના શૅર ૦.૫૪ ટકા વધ્યા હતા. સામે વેચાણ ૩.૨ ટકા વધ્યું હોવા છતાં આઈશર મોટર્સ ૦.૧૪ ટકા અને વેચાણમાં ૩૩ ટકાના વધારા પછી પણ એસ્કોર્ટના શૅર ૨.૦૫ ટકા ઘટ્યા હતા

ત્રણ દિવસમાં એબીબી પાવરના શૅર ૨૪ ટકા ઊછળ્યા

વીજળીના ક્ષેત્રે ઇક્વિપમેન્ટ બનાવતી વિશ્વની અગ્રણી કંપનીઓમાંની એક એવી એબીબીની સહયોગી અને કમર્શિયલ વ્હીકલ ક્ષેત્રે દેશની અગ્રણી કંપની અશોક લેલેન્ડ વચ્ચે ઇલેક્ટ્રિકથી ચાલતી બસના પ્રોજેક્ટ અંગે સંશોધન અને સહકાર માટે કરાર કરવામાં આવતા શૅર ત્રણ જ સત્રમાં ૨૪ ટકા જેટલા ઊછળ્યા છે. તા.૨૬ નવેમ્બરના એબીબી પાવર પ્રોડક્ટના શૅરનો ભાવ ૯૬૫.૬૫ બંધ હતો જે આજે ૧૨૫૫ બંધ આવ્યો છે. આજે એબીબી પાવર પ્રોડક્ટના શૅર સત્રના અંતે ૯.૫૩ ટકા વધી ૧૨૫૫ રૂપિયા બંધ આવ્યા હતા. 

business news