સૉલિડ પીસીઈ ડેટા પછી ડૉલર ઊછળ્યો : યુઆન-રૂપિયો તૂટ્યા

27 February, 2023 11:47 AM IST  |  Mumbai | Biren Vakil

ચીને ફાઇનૅન્શિયલ સેન્ટ્રલ વર્ક કમિશન પુનર્જીવિત કર્યું : ઇમર્જિંગ કરન્સી પર દબાણ

પ્રતીકાત્મક તસવીર

શુક્રવારે ફુગાવા માટે ઘણો મહત્ત્વનો માપદંડ એવો પીસીઈ ઇન્ડેક્સ અપેક્ષા કરતાં ઘણો વધતાં ડૉલર ઊછળ્યો હતો અને યેન, યુરો, રૂપિયા સહિતની મોટા ભાગની કરન્સીમાં નવેસરથી વેચવાલી હતી. ચીનની આર્થિક રિકવરી અસમતોલ અને કમજોર હોવાને કારણે અને જમીની સ્તરે ડિમાન્ડ કમજોર રહેવાથી કૉમોડિટીઝમાં પણ ભારે વેચવાલી હતી. ચીની શૅરબજારમાં વર્ષારંભે જોવાયેલી તેજી ઠગારી નીવડી છે. ચીને ડેટા સિક્યૉરિટીનું કારણ હાથ ધરી સરકારી કંપનીઓના ઑડિટમાં બિગ ફૉર ઑડિટ ફર્મને બાકાત રાખવાના સંકેત આપતાં વિદેશી રોકાણકારો નિરાશ થયા છે. ઘણાં હેજ ફન્ડો ચીની શૅરોમાંથી એક્ઝિટ લઈ રહ્યા છે. ચીને ભૂતકાળમાં વિખેરી દીધેલી સેન્ટ્રલ ફાયનૅન્શિયલ વર્ક કમિશનને પુનર્જીવિત કરવાના સંકેત આપ્યા છે. શી જિનપિંગે રાજકીય રીતે એકહથ્થુ શાસન હાંસલ કરી લીધું છે. હવે આર્થિક મામલે પણ શી એકહથ્થુ શાસન હસ્તગત કરે એવાં એંધાણ છે. અમેરિકા અને ચીન વચ્ચે ટેક્નૉલૉજી, રશિયા, તાઇવાન, સ્પાય બલૂન, ટ્રેડ- લગભગ તમામ મોરચે તનાવ વધ્યો છે. યુઆન ફરી તૂટવા લાગ્યો છે. એશિયાઈ કરન્સી પણ કમજોર પડી છે. ચાઇના રીઓપનિંગની અસર હજી આંકડામાં દેખાતી નથી. એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં સ્થિતિ કદાચ સુધરે.

અમેરિકાની વાત કરીએ તો ફેડની છેલ્લી બેઠકમાં ચૅરમૅન પૉવેલે નાણાનીતિના મામલે ડોવિશ સંકેત આપતાં એમ માનતું હતું કે માર્ચનો વ્યાજદરનો વધારો છેલ્લો હશે. જોકે એ પછી જૉબડેટા, રીટેલ ફુગાવો, જથ્થાબંધ ફુગાવો, રીટેલ સેલ્સ સહિત મેક્રો ડેટા ઘણા મજબૂત આવી રહ્યા છે. વ્યાજદર સતત વધે છે, પણ જ્યાં સુધી અમેરિકન વપરાશકાર મજબૂત છે ત્યાં સુધી ફુગાવાના મામલે ફેડે લાચાર રહેવું પડશે. અર્થતંત્રની બાયન્સી જોતાં આવતા જૂન સુધીમાં મિનિમમ ૭૫ બેસિસ પૉઇન્ટ વ્યાજદર વધે. સંભવતઃ ચાલુ વર્ષે ૧૦૦ બેસ‌િસ પૉઇન્ટ વધી શકે. રેટકટની શક્યતા હાલ પૂરતી તો નહીંવત્ છે. ડૉલેક્સ ૧૦૦.૫૦થી ળછળી ૧૦૫.૩૦ થયો છે. શૉર્ટ ટર્મ રેન્જ ૧૦૨.૫૦-૧૦૭.૭૦ ગણાય. ડૉલેક્સ ૧૦૮ વટાવે તો ઇમર્જિંગ ફૉરેક્સ અને ડૉલરમાં દેવું ધરાવતા દેશો માટે માઠા સમાચાર ગણાય. એશિયાઈ કરન્સીમાં યુઆન અને યેન ઘણા કમજોર લાગે છે. યુઆન ૭.૦૫-૭.૦૮, યેન ૧૪૦ જવાની શક્યતા છે.

પીસીઈ ડેટા ધારણા કરતાં ખૂબ મજબૂત આવતાં શુક્રવારે સાંજે રૂપિયો તૂટીને ૮૩ થઈ છેલ્લે ૮૨.૯૩ હતો. રૂપિયામાં ૮૩.૧૦-૮૩.૩૦ મોટું રેઝિસ્ટન્સ છે. જો આ લેવલ બ્રેક થાય તો રૂપિયો ૮૩.૮૦-૮૪.૨૦ જઈ શકે. નજીકમાં સપોર્ટ ૮૨.૨૦ અને ૮૧.૫૦ ગણાય. સરકારની વેપારખાધ અને ચાલુ ખાતાની ખાધ ઘટી છે એ રાહતના સમાચાર છે. ગ્લોબલ કૅપેક્સ બૂમ પણ ભારતીય અર્થતંત્ર માટે શુભ સંકેત છે. ડૉલરની ઝડપી તેજી ડૉલરમાં દેવું ધરાવતા અને ફૉરેક્સ કવર નીચું હોય એવા દેશો માટે બૉન્ડ ડિફૉલ્ટ, કરન્સી ડીવૅલ્યુએશનની આફત નોતરે એમ લાગે છે. ભારતમાં પણ મોંઘવારીના મામલે હજી સ્થિત‌િ ચિંતાજનક છે. ધિરાણખર્ચ ઘણો ઊંચો છે. અમેરિકા ઝડપી અને મોટા વ્યાજદર વધારામાં ૫.૫૦-૬ ટકા સુધી ફેડ ફન્ડ રેટ જાય તો ચીન-જપાન સ‌િવાય બધે વ્યાજદર વધે. જૂન સુધીમાં બે નાના રેટ હાઇક ભારતમાં આવી શકે. રૂપિયા માટે શૉર્ટ ટર્મ રેન્જ ૮૨.૨૦-૮૩.૩૦ અને બ્રૉડ રેન્જ ૮૧.૩૦-૮૪.૮૦ ગણાય. આયાતકારો એ દરેક ઘટાડે ડૉલર બુક કરી મહત્તમ હેજ રાખી શકે. નિકાસકારોએ દરેક ઉછાળે સિલેક્ટિવ હેજ કરી એક્સપોર્ટ રિયલાઇઝેશન ઑપ્ટિમાઇઝ કરી શકાય. ચાલુ વર્ષે અલ નીનો અને હીટવેવ રિસ્ક જોતાં આગળ પર પાવર ડિમાન્ડ ઘણી વધશે. રશિયા-યુક્રેન વચ્ચે પીસ ડીલ જેવા અણધાર્યા સમાચાર આવે તો રિસ્ક ઑન બજારોમાં હરખની હેલી આવે અને જો તાઇવાન તનાવ વધે તો ડૉલર સામે બધી ઍસેટ કમજોર પડે. બજારોના મામલે જો અને તો ઘણા છે.

યુરોપમાં ગૅસ અને વીજળીના ભાવમાં મોટો કડાકો આવતાં હવે મોંઘવારીમાં કદાચ રાહત રહે. કન્ઝ્‍યુમર કૉન્ફિડન્સના આંકડા સારા આવે છે એ નવાઈ કહેવાય. યુરો ૧.૦૫ તૂટે તો ફરી વેચવાલી આવી શકે. યુરોની રેન્જ ૧.૦૩-૧.૦૮, પાઉન્ડની રેન્જ ૧.૧૬૮૦-૧.૨૦૮૦, યેન ૧૩૫-૧૪૦, ડૉલેક્સ ૧૦૩-૧૦૭ ગણી શકાય.

business news china