ઇકૉનૉમી અને માર્કેટને બુસ્ટ કરે એવું બળ અને પરિબળ હજી પણ ગેરહાજર

30 March, 2020 08:09 AM IST  |  Mumbai Desk | Jayesh Chitalia

ઇકૉનૉમી અને માર્કેટને બુસ્ટ કરે એવું બળ અને પરિબળ હજી પણ ગેરહાજર

પ્રતીકાત્મક તસવીર

વીતેલું સપ્તાહ તેના પ્રથમ દિવસને બાદ કરતાં પૉઝિટિવ રહ્યું હતું. સોમવારે એક જ દિવસમાં થયેલો ઘટાડો (આશરે ચાર હજાર પૉઇન્ટનો) બાકીના ચાર દિવસમાં રિકવર થયો હતો. આ રિકવરી ઇકૉનૉમિક રિલીફ પૅકેજની આશાએ થઈ હતી. સરકારે તેમ જ રિઝર્વ બૅન્કે આ સપ્તાહમાં નોંધપાત્ર આર્થિક રાહતો જાહેર કરી હતી, જેણે બજારને પણ રિકવરીની રાહત આપી હતી. જોકે હવે પછી બજાર પાસે કોઈ મોટી આશા નથી. હાલ તો બજારમાં વોલેટિલિટીનું રાજ રહેશે એમ જણાય છે.
બ્લૅક મન્ડે ભારે રહ્યો
૨૨ માર્ચના રવિવારે વડા પ્રધાન મોદીના આહવાન અને અનુરોધને માન આપી દેશના હિતમાં જનતા કફરફ્યુ સફળ રહ્યો, એ દરમ્યાન અને એ પછી સતત લૉકડાઉન જાહેર થતું ગયું અને વિશ્વના અન્ય દેશોના માઠા સમાચાર પણ ફેલાતા જતા ગયા સપ્તાહના પ્રથમ દિવસે શરૂથી જ માર્કેટ તૂટયું અને થોડા સમયમાં જ માર્કેટને સર્કિટ લાગતાં બંધ કરવાની નોબત આવી હતી. એના પછી બજાર ફરી ચાલુ થયું ત્યારે પણ તેણે ઘટાડાતરફી ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં જ સેન્સેકસના ૩૫૦૦ પૉઇન્ટ તૂટી ૨૬૦૦૦ની નીચે અને નિફ્ટી ૮૦૦૦ની નીચે પહોંચી ગયો હતો. દિવસના અંતે સેન્સેકસ ૩૯૩૫ પૉઇન્ટ અને નિફ્ટી ૧૧૩૫ પૉઇન્ટ માઈનસ બંધ રહ્યા હતા. એક તરફ કોરોનાનો વધતો ફેલાવો, જ્યારે બીજી તરફ લૉકડાઉન વધતું જતાં આર્થિક પ્રવૃતિને ગંભીર અસર થવાના ભયને પગલે માર્કેટે ભયંકર નિરાશાજનક પ્રતિસાદ આપ્યો હતો. ઇન્ડેકસ સ્વરૂપે દિવસનો એ સૌથી મોટો ઘટાડો હતો. નિફ્ટી છેલ્લાં ચાર વર્ષની નિમ્નત્તમ સપાટીએ આવી ગયો હતો. જ્યારે કે ૧૪ લાખ કરોડ રૂપિયાનું મૂડીધોવાણ નોંધાયું હતું. વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે રૂપિયો પણ ડૉલર સામે ૭૬ થઈ ગયો હતો. જોકે બીજે દિવસે મંગળવારે બજારે સતત વધઘટ (વોલેટિલિટી) સાથે પૉઝિટિવ બંધ નોંધાવ્યો હતો. સેન્સેક્સ ૬૯૩ પૉઇન્ટ અને નિફ્ટી ૧૯૦ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો. નાણાપ્રધાને વેપાર-ઉદ્યોગ માટે કેટલીક વહીવટી રાહત જાહેર કરી હતી. જેમાં મુખ્યત્ત્વે કરવેરા અને તેના રિટર્ન ભરવા સંબંધી અને વ્યાજમાં રાહતનો સમાવેશ થતો હતો. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ડૉલરનું ભરપૂર ફન્ડિંગ કરવાની જાહેરાતને પગલે ગ્લોબલ માર્કેટમાં પણ સુધારો નોંધાયો હતો.
ત્રણ દિવસની સારી રિકવરી
બુધવારે ફરી માર્કેટે યુએસ પૅકેજની અસર તેમ જ ભારત સરકાર પણ આર્થિક પૅકેજ ટૂંક સમયમાં જાહેર કરશે એવી આશા સાથે સેન્ટિમેન્ટમાં જબ્બર સુધારો નોંધાવ્યો હતો. સેન્સેક્સ ૧૮૬૨ પૉઇન્ટ અને નિફ્ટી ૫૧૬ પૉઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યા હતા. જોકે વોલેટિલિટી અકબંધ હતી. નિફ્ટી ૮૦૦૦ને પાર કરી ૮૩૦૦ ઉપર બંધ રહ્યો હતો. રિઝર્વ બૅન્ક તરફથી રેટ-કટની આશા પણ નક્કર બની હતી. છેલ્લાં ૧૧ વર્ષમાં સેન્સેક્સનો એક દિવસનો સૌથી મોટો કૂદકો હતો. રોકાણકારોની મૂડીમાં ૪.૭ લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ હતી. ગુરુવારે બજારની રિકવરીની હેટટ્રિક થઈ હતી, જેમાં સેન્સેક્સ ૧૪૧૧ પૉઇન્ટ અને નિફ્ટી ૩૨૩ પૉઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યા હતા. નાણાપ્રધાન આ દિવસે રાહત પૅકેજ જાહેર કરવાના હોવાના અહેવાલે માર્કેટમાં પૉઝિટિવ ટ્રેન્ડ બની ગયો હતો. જોકે હજી વધુ પૅકેજ લાવવાનાં થશે અને આવશે પણ ખરાં. દરમ્યાન મંગળ, બુધ અને ગુરુવાર એમ ત્રણ દિવસોમાં સેન્સેક્સ ૪૦૦૦ પૉઇન્ટ જેટલો રિકવર થઈ ગયો હતો. બજારમાં અચાનક જ સેન્ટિમેન્ટ સકારાત્મક બનતું ગયું હતું. એ દિવસે સાંજે નાણાપ્રધાને ગરીબ અને જરૂરતમંદ વર્ગ માટે પીએમ કલ્યાણ યોજના હેઠળ ૧.૭૦ લાખ કરોડ રૂપિયાની રાહતનું પૅકેજ જાહેર કર્યું હતું.
રિઝર્વ બૅન્કે કોને–કઈ રાહત આપી?
ગુરુવારે નાણાપ્રધાને ગરીબ પ્રજા માટે જાહેર કરેલા રિલીફ પૅકેજના બીજા જ દિવસે રિઝર્વ બૅન્કે ધિરાણનો બોજ ધરાવનાર વર્ગ અને કૉર્પોરેટસ માટે પણ મોટું રાહત પૅકેજ જાહેર કર્યું હતું. રેપો રેટમાં ૭૫ બેઝિસ પૉઇન્ટનો કાપ મૂકીને તેમ જ સીઆરઆરમાં એક ટકાનો કાપ મૂકીને મોટો હાશકારો આપ્યો હતો. આને લીધે બૅન્કો - ફાઇનૅન્સ કંપનીઓ પાસે પ્રવાહિતા વધશે અને બોરોઅર્સ (વ્યક્તિથી લઈ કંપનીઓ સુધી) ને હળવાશ થશે. આ સાથે અપેક્ષા મુજબ રિઝર્વ બૅન્કે દરેક લોનના હપ્તા (ઈએમઆઇ)માં ત્રણ મહિનાની રાહત આપી હતી. જોકે એ રાહત જે-તે બૅન્કે ગ્રાહકની વિનંતી અને પુરાવાના આધારે આપવાની હતી, ઑટોમેટિક રાહત નહોતી. દરમ્યાન બૅન્કોના એસએલઆરમાં સુધારાથી ૧.૩૭ લાખ કરોડ રૂપિયા છૂટા થશે એ જ રીતે સીઆરઆર ઘટાડાથી પણ સિસ્ટમમાં ૧.૩૭ લાખ કરોડ રૂપિયા છૂટા થશે. રિઝર્વ બૅન્કે દબાણ હેઠળના સૅક્ટરને ધિરાણ મેળવવામાં મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખી આ કદમ ભર્યું હતું. આ ઉપરાંત એનપીએની ગણતરીમાં પણ આરબીઆઇએ ઉદાર વલણ અપનાવ્યું હતું.
રિઝર્વ બૅન્કની ચિંતા વાજબી
આ બધી રાહતો સાથે રિઝર્વ બૅન્કે ગંભીર ચિંતા પણ વ્યકત કરી હતી. જેમાં મુખ્ય ચિંતા ગ્લોબલ મંદીની અને ભારતનો વિકાસદર નીચે જવાની હતી. આ નિરાશાનો સ્પષ્ટ સંકેત રિઝર્વ બૅન્કના ગવર્નરે આપ્યો હતો. જોકે તેમણે ફુગાવો અંકુશમાં રહેવાની ખાતરી આપી હતી. રિઝર્વ બૅન્કના ઉદાર વલણની શૅરબજાર પર પૉઝિટિવ અસર ઓછી અને વ્યકત કરાયેલી ગ્લોબલ મંદીની ચિંતાની નેગેટિવ અસર વધુ થઈ હતી. જેને લીધે આ જાહેરાતના કલાકમાં જ બજાર પૉઝિટિવમાંથી નેગેટિવ થઈ ગયું હતું. છેલ્લા ત્રણ દિવસથી પૅકેજની આશાએ માર્કેટ વધતું રહ્યું હતું. આ પરિબળ ડિસ્કાઉન્ટ થયા બાદ માર્કેટે ટ્રેન્ડ બદલી નાખ્યો હતો. આમ નાણાપ્રધાનના ત્રણ મહિનાના પૅકેજ બાદ રિઝર્વ બૅન્કના પણ ત્રણ મહિનાના પૅકેજ બાદ એટલું સાબિત થતું હતું કે કોવિદ-૧૯ સામેની લડત ગંભીર અને લાંબી ચાલનારી છે
રાહત છતાં નબળાઈ ચાલુ
જોકે રિઝર્વ બૅન્કની આ ઉદારતા બાદ પણ શુક્રવારે માર્કેટ નબળું બંધ રહ્યું હતું, સતત વધઘટ બાદ અંતમાં નવાઈની વાત એ બની હતી કે નિફ્ટી ૧૮ પૉઇન્ટ પ્લસ થઈ ૮૬૬૦ બંધ રહ્યો અને સેન્સેક્સ ૧૩૧ પૉઇન્ટ માઈનસ થઈ ૨૯૮૧૫ બંધ રહ્યો હતો.

business news jayesh chitalia