ઑડિટેડ રિપોર્ટ અને આવકવેરાનાં રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ

12 January, 2022 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સિસે (સીબીડીટી) મંગળવારે જાહેર કર્યા મુજબ જે કરદાતાઓએ ઑડિટ કરાવવું પડે એમના માટેની ટૅક્સ ઑડિટ રિપોર્ટ અને આવકવેરા રિટર્ન ભરવાની તારીખો લંબાવવામાં આવી છે. 

પ્રતીકાત્મક તસવીર

સરકારે આવકવેરા ખાતાના નવા પોર્ટલનું ઉદઘાટન કોણ જાણે કયા મુહૂર્તમાં કર્યું હોવાથી એના કામકાજનાં ઠેકાણાં હજી પડ્યાં નથી અને ફરી એક વાર આવકવેરા રિટર્ન ભરવાની તારીખ લંબાવવી પડી છે!
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સિસે (સીબીડીટી) મંગળવારે જાહેર કર્યા મુજબ જે કરદાતાઓએ ઑડિટ કરાવવું પડે એમના માટેની ટૅક્સ ઑડિટ રિપોર્ટ અને આવકવેરા રિટર્ન ભરવાની તારીખો લંબાવવામાં આવી છે. 
સીબીડીટીની અખબારી યાદી મુજબ આવકવેરા કાયદાની કોઈ પણ જોગવાઈ હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટેનો ઑડિટ રિપોર્ટ નોંધાવવાની છેલ્લી તારીખ હવે ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે. આ જ રીતે એસેસમેન્ટ વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું આવકવેરાનું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવીને ૧૫ માર્ચ, ૨૦૨૨ કરવામાં આવી છે. આ તારીખ ત્રીજી વખત લંબાવવામાં આવી છે. આની પહેલાંની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ હતી. 
ઑડિટ રિપોર્ટ અને આવકવેરાનું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવવા વિશે સરકાર સમક્ષ અનેક રજૂઆતો થયા બાદ ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. 
સરકારે જણાવ્યા મુજબ કરદાતાઓએ રજૂ કરેલી મુશ્કેલીઓ તથા કોવિડની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અને લોકોને ઑડિટના અલગ-અલગ રિપોર્ટ ઈલેક્ટ્રોનિકલી ભરવામાં નડેલી તકલીફોને પગલે સીબીડીટીએ છેલ્લી તારીખો લંબાવવાનો નિર્ણય લીધો છે.
અહીં ખાસ જણાવવાનું કે જેમનાં અકાઉન્ટ્સનું ઑડિટ કરાવવું પડતું નથી એવા વ્યક્તિગત કરદાતાઓ માટે આઇટીઆર-વન, આઇટીઆર-ટૂ અને આઇટીઆર-ફોર મારફતે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ગત ૩૧ ડિસેમ્બરે પૂરી થઈ ચૂકી છે.

business news