નબળા જૉબ-ડેટાને અવગણી બજારોમાં ઉછાળો

11 May, 2020 02:27 PM IST  |  Mumbai | Biren Vakil

નબળા જૉબ-ડેટાને અવગણી બજારોમાં ઉછાળો

કરન્સી

એપ્રિલ માસના જૉબ રિપોર્ટમાં ૨૦.૫૦ લાખ લોકો બેકાર થયા છે અને બેકારી દર ૧૪.૫ ટકા થયો છે, જે ૧૯૪૮માં ૧૦.૫ ટકાના વિક્રમને વટાવી ગયો છે. જો કે જૉબ રિપોર્ટ ધારણા કરતાં ઓછો ખરાબ હોવાથી શૅરબજારો તેજીમય બંધ થયાં હતાં. બજારની અપેક્ષા ૨૧ લાખ બેકારી અને ૧૬ ટકા બેકારી દરની હતી. ડાઉ ૨૪૩૦૦ બંધ રહ્યો હતો. માર્ચમાં ડાઉ ૩૫ ટકા તૂટયા પછી ૩૦ ટકા રિકવર થઈ ગયો છે. નાસ્દાક તો વાર્ષિક ધોરણે ૨૧ ટકા વધેલો છે. અમુક ટેક્નૉલૉજી શૅરોને લૉકડાઉનથી મોટો લાભ થયો છે. ક્રૂડ ઑઇલમાં પણ જોરદાર ઉછાળો આવતા ઑઇલ શૅરો પણ મંદીથી બહાર નીકળ્યા છે. સોનામાં ઇટીએફ ઇન્વેસ્ટરોની લેવાલી વચ્ચે માઇનરોના માર્જિન ખૂબ સારા હોતા ગોલ્ડ માઇનિંગ શૅરો વધ્યા છે.

વિશ્વબજારોની વાત કરીએ તો ચીન ફરી ધમધમતું થઈ ગયું છે. અમેરિકા અને યુરોપમાં ધીમેધીમે અર્થતંત્ર રિઓપન થઈ રહ્યાં છે. અમેરિકામાં હજી કોરોના કાબૂમાં નથી આવ્યો, પણ હવે ટ્રમ્પ ઇકૉનૉમી રિઓપન માટે ઉતાવળા થયા છે. કોરોના સાથે જીવતા શીખવું પડશે એ કઠોર વાસ્તવિકતા બધાને ધીમેધીમે સમજાવા લાગી છે. ઉદ્યોગ કારોબારને જંગી નુકસાન થયું છે, પણ ફેડે આર્થિક કટોકટીને નાણાકીય કટોકટી બનતી રોકવા લિક્વિડિટીનો ધોધ વહાવી દીધો છે. ચાર સ્ટિમ્યુલસ આપ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ બૉન્ડ ઇટીએફ તો ઠીક, જંક બૉન્ડ ઇટીએફ પણ ખરીદવાની તૈયારી બતાવી છે. ફેડને કોઈ પણ હિસાબે મહામંદી રોકીને ફુગાવો લાવવો છે એટલે કયુઇની ઝંઝટ જ ખતમ થઈ જાય. આ વખતે ફેડ આરપારની લડાઈના મૂડમાં છે. ફેડને બજેટ ડેફિસિટ કે ડૉલરના એક્સચેન્જ રેટ કે ફિસ્કલ ડેફિસિટ, એમ કોઈ જાતની બીક નથી. વિશ્વભરમાં જે રીતે મોનિટરી પ્રિન્ટિંગ, કરન્સી છાપકામ ચાલુ થયું છે એ જોતા હવે આગળ જતા ફુગાવો આવશે.

સ્થાનિક બજારોમાં શુક્રવારે ગિફટ સિટીમાં ઑફશોર રૂપી વાયદા શરૂ કરાયા છે. આઇએનએકસના વાયદામાં લોટસાઇઝ ૧૦ લાખ રૂપિયા અને એનએસઇ આઇએફસીના વાયદામાં લોટસાઇઝ  ૨૦ લાખ રૂપિયા છે. ૧ જૂનથી  બૅન્કો પણ ઑફશોર બજારમાં કામ કરી શકશે. આ વાયદાઓ શરૂ થવાથી ઑનશોર અને ઑફશોર બજારો વચ્ચે આર્બિટ્રેડ વધતા બિડ આસ્ક સ્પ્રેડ ઘટી શકે છે. બજારમાં ઓવરઓલ ડેપ્થ સુધરશે. જો કે આ પ્રોડકટ નવી હોઈ એમાં વૉલ્યુમ આવતા થોડી વાર લાગશે.

રૂપિયાની વાત કરીએ તો ૭૬.૮૮થી સુધરીને રૂપિયો ૭૫.૫૪ થયો છે અને આગળ ઉપર ૭૪.૮૫-૭૪.૪૦ થવાની ધારણા છે. ટૂંકા ગાળા માટે રૂપિયાની રેન્જ ૭૪.૪૦-૭૭.૧૫ છે. ૭૪.૪૦ નીચે જતા રૂપિયો ૭૩.૩૭ આવી શકે. ઘરઆંગણે કોરોના ક્રાઇસીસ ક્યારે કાબૂમાં આવે, ક્યારે લૉકડાઉન હટે, ક્યારે વેપાર કારોબાર શરૂ થાય, જનજીવન થાળે પડે, ક્યારે સરકારી રાહત પૅકેજ આવે એવા અનેક પ્રશ્ને લોકો ઉચાટમાં છે. 

યુરોપની વાત કરીએ તો પાઉન્ડમાં ફરી વેચવાલી વધવાની શકયતા છે. બ્રેકઝિટ અંતર્ગત યુરોથી છૂટા પડવાનો હાલનો ટ્રાન્ઝિશન પિરિયડ લંબાવવો કે નહીં તે અંગે યુકેએ ૩૦ જૂન સુધીમાં નિર્ણય લેવાનો છે. ટ્રેડ ડીલ વિના જ બેઉ પક્ષો છૂટા પડે તો બેઉ પક્ષોને નુકસાન થશે. પાઉન્ડ હાલના ભાવથી ૩-૪ ટકા ઘટી શકે.

એશિયામાં યેન થોડો સુધર્યો છે. કોરિયામાં ફરીવાર કોરોના કેસ વધ્યા છે, એટલે બાર, કાફે નાઇટ-કલબ વગેરે ફરી બંધ કરાયાં છે. જપાનમાં હજી ઇમર્જન્સી ચાલુ છે. ચીનમાં ઔદ્યોગિક કામકાજ ફરી શરૂ થઈ ગયા છે. ઇન્ડોનેશિયામાં પણ કોરોના કેસ વધ્યા છે. જો કે હવે સાઉથ હેમિસ્ફિઅરમાં વાતાવરણ ઠંડું પડતા બ્રાઝિલ, મેક્સિકો, ચીલી, બોલિવિયા વગેરે દેશોમાં કોરોના વધવાનો શરૂ થયો છે. ઘણા ખરા લેટિન અમેરિકન દેશોમાં આર્થિક અને રાજકીય સંજોગો વણસ્યા છે. બજારોની નજર કોરોનાની વેક્સિન ક્યારે આવે એના પર છે. વાઇરસની રસી માટે અમેરિકા, ચીન વચ્ચે જબરી રેસ છે. જે પણ દેશ વહેલો રસી શોધશે એનો વૈશ્વિક દબદબો વધશે. 

business news