કોરોના ક્રાઇસિસથી સોના અને ડૉલરમાં ઉછાળો

24 February, 2020 07:44 AM IST  |  Mumbai | Biren Vakil

કોરોના ક્રાઇસિસથી સોના અને ડૉલરમાં ઉછાળો

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસને કારણે ચીન, જપાન સહિત મોટા ભાગનાં એશિયાઈ અર્થતંત્રોમાં ઔદ્યોગિક મંદી વધશે, આર્થિક વિકાસ ધીમો પડશે, યુરોપને પણ એની સર થશે અને સરવાળે અમેરિકા સિવાયના મોટા ભાગના દેશોને સ્ટિમ્યુલસ અને આર્થિક પૅકેજ, નાણાકીય રાહતો આપવી પડશે એવી અટકળે ડૉલરમાં સાર્વત્રિક તેજી થઈ હતી. સોનામાં ૬ વર્ષના ઊંચા ભાવ જોવા મળ્યા હતા. પેલેડિયમ-રોડિયમ જેવી કીમતી ધાતુઓમાં પણ વિક્રમી તેજી હતી. જપાનમાં કોરોના વાઇરસના કેસો વધતા અને આર્થિક વિકાસદર નેગેટિવ ૬ ટકા થઈ જતાં યેન અને સોના વચ્ચેની પૉઝિટિવ રિલેશનશિપ લાંબા અરસા બાદ તૂટી હતી. સોનું ૭ ટકા વધ્યું હતું અને યેન ૩ ટકા ઘટ્યો હતો. સિંગાપોર ડૉલર અને કોરિયા વોન ત્રણ વર્ષની નીચી સપાટીએ હતા. શુક્રવારે રૂપિયો મહાશિવરાત્રિની રજાને કારણે બંધ હતો. ગુરુવારે રૂપિયો ૬૧.૬૩ બંધ હતો, પણ શુક્રવારે ઑફશૉર બજારમાં ૭૨ થઈને ૭૧.૮૭ બંધ રહ્યો હતો. ટેક્નિકલી રૂપિયાની શૉર્ટ ટર્મ રેન્જ ૭૧.૨૪-૭૨.૨૮ ગણાય. ૩૧ માર્ચ સુધીમાં ૭૨.૫૦.૭૨.૮૦ અને જૂન સુધીમાં ૭૩.૫૦.૭૩.૭૫ સુધીની સંભાવના છે. રૂપિયો ૭૦.૫૦થી વધુ મજબૂત થવાની શક્યતા હાલ પૂરતી દેખાતી નથી.

ભારત અને સમગ્ર વિશ્વના પંડિતોની નજર અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની ભારત-મુલાકાત અને અમદાવાદના રોડ-શો પર છે. ટ્રમ્પ રાજકીય વિવાદાસ્પદ વિધાનો કરે છે કે નહીં એના પર રાજકીય પંડિતોની નજર હશે. રોડ-શો ટ્રમ્પ માટે તો ચૂંટણીયાત્રા જ હશે એવું દેખાય છે. વેપાર જગતને ટ્રેડ ડીલ વેપાર કરારો, રોકાણો વગેરે બાબતે જાણવાની આતુરતા છે.

દરમ્યાન નેવાડા ખાતેની પ્રાઇમરીમાં ડેમોક્રૅટ પક્ષના ઉમેદવારોમાં બર્ની સેન્ડરે રહી રહીને જોરદાર લીડ મેળવી છે. એક તબક્કે ચૂંટણી સંપૂર્ણ એકપક્ષી લાગતી હતી. ડેમોક્રૅટ્સ પાસે કોઈ ચહેરો જ નહોતો પણ બાર્ની સેન્ડરને નેવાડામાં જબ્બર મત મળ્યા છે. જોકે વૈમનસ્યની પરાકાષ્ઠા સમી આ ચૂંટણીમાં બેઉ પક્ષોમાં કટ્ટરતા વધી છે. યુરોપમાં આર્થિક મંદી વકરતાં જર્મનીએ ઉદ્યોગોને સ્ટિમ્યુલસ આપવું પડે એવી અટકળ છે. જર્મનીમાં કાર-સેલ્સ ૨૫ વર્ષની નીચી સપાટીએ છે. યુરોપિયન બજેટમાં ખાધ ઘટાડવા સભ્યદેશોએ પોતાનો ફાળો વધારવો પડશે.

ચીનની વાત કરીએ તો કોરોના વાઇરસને કારણે હજી ઘણી ખરી ફૅક્ટરીઓમાં કામકાજ પૂર્વવત્ થયાં નથી. ચીનના ૮૦ ટકા નાના કે મધ્યમ ઉદ્યોગો પાસે ૧ મહિનો ચાલે એટલી રોકડ છે અને આ ઉદ્યાગોનું જીડીપીમાં યોગદાન ૬૦ ટકા જેવું છે એટલે કામચલાઉ ટિનની જીડીપી ૫ ટકા નીચે પણ જાય. ચીન સરકારે જંગી સ્ટિમ્યુલસ, દેવામાફી જેવા નવતર પ્રયોગો કરવા પડશે. કોરોનાની અસરથી ઘણીખરી ચીજોમાં અછત પણ વરતાઈ શકે છે. સપ્લાય ચેન ડિસરપ્શન મોટી ચિંતા છે. કોરિયા અને જપાનમાં પણ કોરોના કેસ વધ્યા છે એટલે વિશ્વના ત્રણ મોટા સપ્લાયરો ચીન, કોરિયા અને જપાનમાં મૅન્યુફૅક્ચરિંગ ડિઝરપ્શન આવે એટલે ઘણું બધું ખોરવાઈ જાય. કેમિકલ્સ, ઑટો પાર્ટ્સ, ઇલેક્ટ્રૉનિક્સ મોબાઇલ, મેમરીચિપ એમ અનેક બાબતે વિશ્વ ચીન, જપાન અને કોરિયા પર આધા‌રિત છે.

કોરોના વાઇરસની કટોકટીથી બૅન્કો રેટકટ અને ક્વૉન્ટિટિવ ઇઝિંગ વધારશે અને એનાથી લિક્વિડિટીમાં અમાપ વધારો થશે એની ગંધ આવી જતાં હેજ ફન્ડો તોફાને ચડ્યાં છે. નૅસ્ડૅક, ટેસ્લા, પેલેડિયમ, રોડિયમ, સોનું હાલમાં બબલ કૅટેગરીમાં દેખાય છે. છેલ્લાં ૪ વર્ષમાં પેલેડિયમ ૭૦૦ ડૉલરથી વધીને ૨૮૦૦, રોડિયમ ૮૦૦ ડૉલરથી વધીને ૧૨,૮૦૦ ડૉલર, સોનું ૧૧૬૦ ડૉલરથી વધીને ૧૬૫૦ ડૉલર થઈ ગયા છે. ક્રુડ ૩૨ ડૉલરથી વધીને ૫૫ ડૉલર થયું છે. ડૉલર ઇન્ડેક્સ ૮૭થી વધીને ૯૯ થયો છે. યુરો ૧.૨૦થી ઘટીને ૧.૦૭૫૦ અને યેન ૧૦૨થી ઘટ્યો છે.

હાલમાં બજારોની વધ-ઘટનું મુખ્ય ચાલકબળ કોરોના ક્રાઇસિસ છે. જોકે મધ્યપૂર્વમાં સિરિયા અને ટર્કી વચ્ચે લડાઈ ગંભીર બનતી જાય છે અને એમાં બહુપક્ષીય સંઘર્ષનાં એંધાણ દેખાય છે. આ સંઘર્ષમાં અમેરિકા, રશિયા, ઇઝરાયલ, ઈરાન, સિરિયા, ટર્કી એમ ઘણાં બધાં લશ્કરો એકબીજા સાથે ટકરાઈ જવાની સ્થિતિમાં છે. આ મામલો ઓછો ખતરનાક નથી.

business news