શાસક પક્ષને જોરદાર જનાદેશ મળતાં શૅરબજારોમાં હરખની હેલી

27 May, 2019 12:28 PM IST  |  | કરન્સી-કૉર્નર - બીરેન વકીલ

શાસક પક્ષને જોરદાર જનાદેશ મળતાં શૅરબજારોમાં હરખની હેલી

કરન્સી

ભારતીય લોકતંત્રમાં સૌથી લાંબી અને રોમાંચક ચૂંટણીમાં શાસક પક્ષને ગજબની સફળતા મળી છે. બીજેપીને અભૂતપૂર્વ બહુમતી મળી છે. પરિણામો ચોંકાવનારાં છે, પણ વૈશ્વિક પરિપેક્ષ્યમાં જોઈએ તો એક સકારાત્મક પૅટર્ન દેખાય છે. તાજેતરમાં થયેલી લગભગ તમામ ચૂંટણીમાં શાસક પક્ષને જનાદેશ મળ્યો છે. જ્યાં-જ્યાં ચૂંટણીઓ થઈ ત્યાં જનાદેશમાં ડાબેરી વિચારધારા કે રાજકીય ઉદ્દામવાદી તત્વોની પીછેહઠ થઈ છે. ઑસ્ટ્રેલિયામાં, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલમાં નેતાન્યાહુ જીતી ગયા. સ્પેનમાં એમ લાગતું હતું કે વર્તમાન વડા પ્રધાન સાંચેઝને ખંડિત જનાદેશ મળશે કેમ કે ત્યાં કેટેલોનિયાને અલગ રાજ્યની માગણી ચાલી છે. સાંચેઝે એને કડકાઈથી દબાવી દીધી, પણ એની ચૂંટણી પર અસર ન થઈ.

આગામી એક-બે દિવસમાં યુરોપિયન સંસદીય ચૂંટણીઓનાં પરિણામો પણ આવશે. બ્રેક્ઝિટ મામલે થેરેસા મેને રાજીનામું આપવુ પડ્યું છે. નિગેલ ફરાજે બ્રેક્ઝિટનું ઉંબાડિયું ચાંપ્યું પછી બ્રિટનમાં રાજકીય અસ્થિરતાએ માઝા મૂકી. બ્રેક્ઝિટની બેવકૂફીએ થેરેસા જેવા પ્રતિભાવાન રાજકારણીને વેડફી નાખ્યા. તાજેતરની ચૂંટણીઓને એક વેવ તરીકે જોઈએ તો એમ લાગે છે કે ડાબેરી વિચારધારાને જાકારો મળી રહ્યો છે, જમણેરી વિચારધારાનું શાનદાર કમબૅક થયું છે. યુરોપમાં રેડિકલ્સ નેતાઓ, યુકેના નિગેલ ફરાજ, ફ્રાન્સના મેરિ લી પેન, ઇટલીના મેતિઓ સાલ્વિની વગેરે યુરોપની સંસદીય ચૂંટણીઓમાં બ્રસેલ્સ પર કબજો જમાવવા આતુર છે. જર્મન ચાન્સેલર મર્કેલને પછાડવા થનગને છે, પણ તેમની મુરાદ લગભગ બર નહીં આવે. આ ટ્રેન્ડ જળવાશે તો નવેમ્બર ૨૦૨૦ની ચૂંટણીમાં ડોનલ્ડ ટ્રમ્પનો શાનદાર વિજય થશે.

બજારોની વાત કરીએ તો શૅરબજારમાં હરખની હેલી ઊમટી છે. સેન્સેક્સ ૪૦,૦૦૦ વટાવી ગયો છે એનો લાભ અને એ સિવાય ક્રૂડ તેલ તૂટ્યું એનો લાભ પણ રૂપિયાને મળ્યો છે. રૂપિયો એક તબક્કે ૭૦.૨૨ થયા પછી છેલ્લે ૬૯.૫૨ બંધ હતો. યુઆન, લીરા સહિત સંખ્યાબંધ ઇમર્જિંગ કરન્સી નબળી પડવા છતાં રૂપિયો મક્કમ છે. જોકે આગળ જતાં ચોમાસું, વેપારયુદ્ધ, રાજકોષીય ખાધ અને વૈશ્વિક સ્લોડાઉન જોતાં રૂપિયા પર પણ દબાણ આવશે. ચીની યુઆન ૬.૩૬થી તૂટીને ૬.૯૧ થઈ ગયો છે. લીરા ૬.૦૮ અને બ્રાઝિલ રિયાલ ૪.૦૫ થઈ ગયો છે. રૂપિયામાં શૉર્ટ-ટર્મ ટ્રેડિંગ રૅન્જ ૬૯.૧૫-૭૦.૭૦ દેખાય છે અને બ્રૉડ રૅન્જ ૬૭.૮૫-૭૨.૨૮ દેખાય છે. પ્રારંભિક આશાવાદ શમે એ પછી ઘણાંખરાં બજારોનું રી-રેટિંગ આવશે. તાજેતરમાં એમએમટી એટલે કે મૉડર્ન મૉનિટરી થિયરી નામનો આઇડિયા તહેલકો મચાવી રહ્યો છે એ સાદી ભાષામાં સરકારોએ બૅન્કોને આપેલો અઘોષિત આદેશ છે જે કહે છે કે જોઈએ એટલી લિક્વિડિટી આપો, બજારમાં મંદી જોઈએ નહીં.

વિશ્વબજારની વાત કરીએ તો અમેરિકી ડૉલર ૯૭.૫૦-૯૮.૨૫ વચ્ચે અથડાય છે, પણ ડૉલરમાં ગર્ભિત તેજી સમાયેલી છે. ૧૦૦ની સપાટી વટાવે એમ દેખાય છે. યુરોપમાં સ્લોડાઉન છે. ચીનમાં મંદી વકરી છે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપારયુદ્ધમાં જે એક રીતે ટેક્નૉલૉજી-વૉર પણ છે એમાં ચીનને માર તો ઘણો પડ્યો છે, પણ ચીન સમાધાનના મૂડમાં નથી. અમેરિકાને મચક આપતું નથી. સંઘર્ષ વકરે તો કદાચ ચીન અમેરિકી ટ્રેઝરી હોલ્ડિંગ વેચવાનું લિવરેજ વાપરે. આમ તો એ માર્ગ આત્મઘાતી છે, પણ નછૂટકે ચીન એ રસ્તો લે પણ ખરું. બીજી સંભાવના યુઆનને નબળો પાડીને ટૅરિફની અસર મોડી પાડી દેવાનું કામ કરે.

આ પણ વાંચો : અર્થતંત્રના સુધારાનો અને બજારની લાંબા ગાળાની તેજીનો નવો દોર શરૂ થશે

યુરોપમાં સંસદીય ચૂંટણીઓનાં પરિણામો પછી યુરોપના ભાવિ અંગે ઘણી અચોક્કસતા દૂર થશે. યુકેમાં બ્રેક્ઝિટ મામલે થેરેસા મેએ ૭ જૂનથી રાજીનામું આપવાનું જાહેર કર્યું છે. બ્રેક્ઝિટ રેફરૅન્ડમને ત્રણ વર્ષ વીતી ગયાં પણ કોઈ ઉકેલ આવતો નથી. પાઉન્ડમાં નરમાઈ છે. પાઉન્ડ ૧.૩૨થી ઘટીને ૧.૨૬ થઈ ગયો છે. યુરોમાં પણ ધીમો ઘસારો છે. અન્ય કરન્સીમાં ઓસી ડૉલર ઘટતો અટકી સુધર્યો છે. ભારતીય રૂપિયાના સંદર્ભમાં બજારની નજર નવી સરકારની રચના, ચોમાસું અને ક્રૂડ ઑઇલના ભાવો પર છે.

business news