આગેવાન શૅરબજારોમાં ફાટફાટ તેજી - રૂપિયામાં મામૂલી નરમાઈ

22 April, 2019 12:17 PM IST  |  | કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

આગેવાન શૅરબજારોમાં ફાટફાટ તેજી - રૂપિયામાં મામૂલી નરમાઈ

કરન્સી

ચૂંટણીની મોસમ ભારતમાં જ નહીં, વિશ્વભરમાં પુરબહારમાં ખીલી છે. ઇઝરાયલમાં નેતાન્યાહુ ફરી ચૂંટાયા છે. ઇન્ડોનેશિયામાં પણ જોકો વિડોડો ફરી વાર ચૂંટાયા છે. તુર્કીમાં અર્ડોગાન ૪૦ જેટલી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં હાર્યા પછી ફરી મતદાન કરવાનું કહે છે. હવે આવતા મે માસમાં ઇટલી અને યુરોપિયન સંસદીય ચૂંટણીઓ પર આખાય વિશ્વના પંડિતોની નજર છે. યુરોપિયન સંસદીય ચૂંટણીઓમાં માકલ મેક્રોનની મોનોપૉલી તોડવા, યુરોના પાવર સેન્ટર બ્રસેલ્સની ધૂંસરી ફગાવી દેવા ઉદ્દામવાદી અને ઍન્ટિયુરો અને ઍન્ટિઇમિગ્રેશનવિરોધી પરિબળો એકજૂટ થયાં છે. ઇટલીના વડા પ્રધાન મેતિયો સેલ્વિની આ રેડિકલ ઝુંબેશના લીડર છે. ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, સ્પેન, ઇટલી, ગ્રીસ યાને સાઉથ યુરોપ વિરુદ્ધ નૉર્થ યુરોપની લડાઈ એક રીતે અમીર-ગરીબ વચ્ચેની લડાઈ છે. ઉદ્દામવાદી પરિબળો જીતે તો યુરોપના ભાવિ પર ખતરો છે જ. યુકેમાં પણ રાજકીય કેઓસ છે.

વૈશ્વિક ફલક પર જોઈએ તો અમેરિકન બજારમાં જબ્બર તેજી છે. નૅસ્ડૅક સર્વોચ્ચ સપાટીએ છે. ચીની ટેકનોલી શૅરોનો ઇન્ડેકસ શેનઝેન ૭૦૦૦થી વધીને ૧૦૦૦૦ થયો છે. એક વરસમાં ૩૦ ટકા વધ્યો છે. ભારતીય શૅરબજારમાં પણ ફાટફાટ તેજી છે. અમેરિકામાં ડૉલર અને ડાઉ બન્નેમાં તેજી છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સામે તપાસ ચલાવી રહેલા સ્પેશ્યલ કાઉન્સેલ રોબર્ટ મુલરના અહેવાલમાં ૨૦૧૬ની ચૂંટણીમાં રશિયાની કથિત દખલગીરી અંગે ટ્રમ્પ સામે કોઈ પુરાવા નથી મYયા, પણ અહેવાલનો સાર એ છે કે કાયદાથી ઉપર કોઈ નથી. અદાલત ટ્રમ્પને નાથી ન શકે તો કૉંગ્રેસે કંઈક કરવું જોઈએ. અદાલત, તપાસ એજન્સીઓ અને સંસ્થાઓ લોકશાહીની ધરોહર છે. જોકે ટ્રમ્પે ફેડને નાણાકીય નીતિમાં યુ ટર્ન લેવા મજબૂર કરી છે એ જોતાં અને જે રીતે અમેરિકામાં જૉબ માર્કેટ, શૅરબજાર, રીટેલ સેલ્સ, હાઉસિંગ માર્કેટમાં ફાટફાટ તેજી છે એ જોતાં ૨૦૨૦ની ચૂંટણીમાં ટ્રમ્પનો પરચમ લહેરાવો લગભગ નક્કી છે. શૅરબજારમાં તેજી હોય તો બધું માફ, પણ મંદીમાં કોઈ ગુનો નહીં માફ. ક્લિન્ટનને મોનિકા પ્રકરણમાંથી તેજીએ બચાવી લીધા, પણ ઓબામાને મંદી નડી ગઈ.

રૂપિયાની વાત કરીએ તો શૅરબજારમાં મામૂલી વેચવાલી આવતાં સાથે ચૂંટણી પરિણામો નજીક આવતાં રૂપિયામાં મામૂલી નરમાઈ આવી છે. રૂપિયો ૬૮.૫૦થી ઘટી ૬૯.૨૦ થયો છે. ક્રૂડ ઑઇલમાં છેલ્લા ચાર માસમાં ૪૨ ડૉલરથી વધીને ૬૫ ડૉલર થયું છે. અંદાજે ૩૦ ટકાની તેજી થઈ છે. ચૂંટણી પરિણામો પછી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ૧૦-૨૦ ટકાનો ઝડપી વધારો અનિવાર્ય બનશે. શૅરબજારમાં પણ ૧૦-૩૦ ટકાનું કરેક્શન અનિવાર્ય હશે. રૂપિયામાં શૉર્ટ ટર્મ રેન્જ ૬૬.૮૫-૭૦.૯૩ છે. આ રેન્જ ૨૩મી મે સુધી વેલિડ છે. ચૂંટણીનાં પરિણામો પછી રૂપિયાની ચાલ સ્પક્ટ થશે.

ડૉલર ઇન્ડેકસમાં ધીમી, પણ સંગીન તેજી દેખાય છે. યુરોપમાંથી નાણાં અમેરિકામાં જઈ રહ્યા છે. ડૉલેક્સ ૯૭.૭૦ ઉપર નર્ણિાયક બંધ આપે તો ૧૦૦-૧૦૨ સુધી જવાની શક્યતા છે. જો ડૉલેક્સ ૧૦૦ વટાવે તો યુરો ૧.૧૦ નીચે, યેન ૧૧૬૭ નીચે જઈ શકે. અત્યારે યુરો સૌથી વધુ કમજોર કરન્સી છે.

એશિયામાં ચીની અર્થતંત્રમાં સુધારો છે. ચીની સરકાર નાના સ્ટિમ્યુલસ આપી રહી છે. ટૅક્સકટ, ધિરાણમાં સિલેક્ટિવ ઉદારતા, સિસ્ટમેટિક્સ સ્ટ્રૅટેજિક મહાકાય સ્ટેટ કંપનીઓને તમામ પ્રકારની સહાય કરી રહી છે. ચીની ટેક્નૉલૉજી જાયન્ટ હુઆવેઇ ૫ જી ટેક્નૉલૉજીમાં અગ્રેસર હોઈ કૉર્પોરેટ લોબિંગમાં હિતોનો ટકરાવ હવે સરકારોનો પણ ટકરાવ થઈ ગયો છે. ઍમેઝૉન ચીની રીટેલ માર્કેટ છોડી રહી છે. અલીબાબા અને જેડી કૉમ વધુ મજબૂત બનશે. અમેરિકા ચીન વચ્ચેની ટ્રેડવૉરે ચીનને ઘણું શીખવ્યું છે. મહાકાય કંપનીઓ વચ્ચે હવે મર્જર અને ઍક્વિઝિશન વેવ શરૂ થયો છે.

આ પણ વાંચો : ચૂંટણીના માહોલમાં ખેડૂતોને સોનેરી વચનો આપવામાં રવી પાકોની ખરીદી ભુલાઈ

ઇમર્જિંગ કરન્સીમાં ટર્કી લીરા અને બ્રાઝિલ રિયાલમાં નવેસરથી નરમાઈ છે. લીરા ૫.૨૫થી ઘટીને ૫.૮૧ થયો છે. રિયાલ ૩.૨૫થી ઘટીને ૩.૯૨ થયો છે. કોરિયા વોનમાં પણ મામૂલી નરમાઈ છે. મૅક્સિકન પેસો થોડો સુધર્યો છે. ઇન્ડો રૂપિયામાં મામૂલી સુધારો છે.

news