Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચૂંટણીના માહોલમાં ખેડૂતોને સોનેરી વચનો આપવામાં રવી પાકોની ખરીદી ભુલાઈ

ચૂંટણીના માહોલમાં ખેડૂતોને સોનેરી વચનો આપવામાં રવી પાકોની ખરીદી ભુલાઈ

22 April, 2019 12:11 PM IST |
કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા

ચૂંટણીના માહોલમાં ખેડૂતોને સોનેરી વચનો આપવામાં રવી પાકોની ખરીદી ભુલાઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં શિયાળુ-રવી પાકોની સીઝન હવે પૂરી થવાની તૈયારીમાં છે અને તમામ સેન્ટરોમાં આવકો હવે ધીમી ગતિએ ઘટવા લાગી છે. ખાસ કરીને કઠોળ અને તેલીબિયાં પાકોના ભાવ સરકારે નક્કી કરેલી એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇઝ) કરતાં નીચા ચાલી રહ્યા છે તેમ છતાં સરકારી એજન્સીઓ દ્વારા ખેડૂતો પાસેથી પૂરતી ખરીદી થતી નથી, જેને પગલે ખેડૂતોને હાલ નાછૂટકે નીચા ભાવથી વેચાણ કરવાનો સમય આવ્યો છે. લોકસભાની ચૂંટણી હાલ ચાલી રહી હોવાથી રાજકારણીઓ પણ મતદારોને રીઝવવામાં પડ્યા હોવાથી ખેડૂતોની સમસ્યા વિશે કોઈ સાંભળતું નથી કે મૂળ પ્રfનો બાજુ ઉપર રહી ગયા છે. પરિણામે જે-તે એજન્સીઓ મનફાવે એ રીતે કઠોળની ખરીદી કરી રહી છે. વાસ્તવમાં સત્તાધારી પક્ષ ખેડૂતોને મોટાં મોટાં વચન આપવામાં રવી પાકની ખરીદી પર ધ્યાન આપવાનું વીસરાઈ ચૂક્યું છે.

કઠોળ-તેલીબિયાંની ગોકળગાયની ગતિએ ખરીદી



તેલીબિયાં અને કઠોળ પાકોની મિનિમમ સપોર્ટ ભાવથી ખરીદીની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. સરકારી એજન્સી નાફેડે ફેબ્રુઆરી મહિનાના અંતથી ખરીદીની શરૂઆત કરી હતી. ચણા, રાયડો, મગ, અડદ સહિતના શિયાળુ પાકોની મોટા ભાગનાં રાજ્યોમાં હાલ ખરીદી ચાલુ છે, પરંતુ કુલ ખરીદી લક્ષ્યાંકના માત્ર સાત ટકા જેટલી જ થઈ છે. ઉત્પાદનની તુલનાએ તો સાવ મામૂલી જ ખરીદી થઈ છે.


નાફેડના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાંથી ચણા, રાયડો સહિતના રવી પાકોની ૧૯મી એપ્રિલ સુધીમાં કુલ ૩.૪૪ લાખ ટનની ખરીદી થઈ છે, જે સરકારે નક્કી કરેલા ખરીદીના લક્ષ્યાંક સામે માત્ર ૭.૫૫ ટકા છે. આ અધિકારીએ વધુમાં કહ્યું કે સમગ્ર દેશમાં નાફેડ દ્વારા કુલ ૬૯૪ સેન્ટર ખોલવામાં આવ્યાં છે અને ખરીદી શરૂ થઈ ગઈ છે. નાફેડ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪૭૪.૭૩ કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી છે, જેમાંથી ૧૩૪.૮૯ કરોડ રૂપિયાનું પેમેન્ટ ખેડૂતોને ચૂકવી દેવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે રવી સીઝનમાં કુલ ૪૫.૫૫૪ લાખ ટન કઠોળ અન તેલીબિયાં પાકોની ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેમાં એકલા ચણાની જ ૨૦ લાખ ટન જેવી ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એ સિવાય મગ, અડદનો પણ સમાવેશ થાય છે. તેલંગણામાંથી સરકારે કુલ ૫૩ હજાર ટન મગફળીની ખરીદી કરવાનો પણ લક્ષ્યાંક રાખ્યો છે. રાયડાની પણ ૨૦ લાખ ટનની ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો છે. આમ બધું મળીને કુલ ૪૫ લાખ ટન ઉપરનો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્યાંકની સામે માત્ર ખરીદી ૩.૪૪ લાખ ટનની જ થઈ છે.


રાયડાના ભાવ એમએસપીથી ૭૦૦ રૂપિયા નીચા

દેશમાં મુખ્ય રવી તેલીબિયાં પાક એવા રાયડાની ખરીદી એકદમ ધીમી ગતિએ ચાલી રહી હોવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. સૉલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. બી. વી. મહેતાએ જણાવ્યું હતું કે દેશમાં રિફાઇન્ડ પામતેલની વધતી આયાત અને અપૂરતી ખરીદીને પગલે રાયડાના ભાવ હાલ એમએસપી કરતાં ૭૦૦થી ૮૦૦ રૂપિયા નીચા ચાલી રહ્યા છે. સરકારે તાત્કાલિક રાયડાની ખરીદીમાં વધારો કરવાની જરૂર છે.

કેન્દ્ર સરકારે ચાલુ સીઝન માટે રાયડાના મિનિમમ સપોર્ટ પ્રાઇઝ પ્રતિ ક્વિન્ટલે ૪૨૦૦ રૂપિયા જાહેર કર્યા છે, જેની તુલનાએ રાજસ્થાન અને ગુજરાતમાં રાયડાના ભાવ ક્વિન્ટલના ૩૪૦૦થી ૩૫૦૦ રૂપિયાની વચ્ચે ચાલી રહ્યા છે. આમ ખેડૂતોને હાલ ક્વિન્ટલે ૭૦૦ રૂપિયાનું નુકસાન સરેરાશ જઈ રહ્યું છે

નાફેડે ચાલુ વર્ષે સમગ્ર દેશમાં રાયડાની ૨૦ લાખ ટનની ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ તેની તુલનાએ ખરીદી હજી મામૂલી જ થઈ છે. સરકાર દ્વારા ખરીદી વધારવામાં આવે તો જ ભાવ ઊંચા આવે તેમ છે.

કઠોળના ખેડૂતો પણ નીચા ભાવથી પરેશાન

ચણા, મગ અને અડદ સહિતના કઠોળ પાકોના ખેડૂતો પણ નીચા ભાવથી પરેશાન છે. સરકારે ચણાની ચાલુ વર્ષે કુલ ૨૦ લાખ ટનની ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ ગયા વર્ષની સીઝનના હજી લાખો ટન ચણા સરકારી ગોડાઉનમાં સડી રહ્યા છે, જેને પગલે ચણાના બજારો પણ મિનિમમ સપોર્ટ પ્રાઇઝથી નીચે જ ચાલે છે. ખેડૂતોને ચણામાં સરેરાશ ક્વિન્ટલે ૪૨૦૦થી ૪૪૦૦ રૂપિયાના ભાવ મળે છે, જેની તુલનાએ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ ૪૬૨૦ રૂપિયા જાહેર થયા છે. ચણાનો વાયદો પણ નીચો ચાલી રહ્યો હોવાથી સરકાર દ્વારા કોઈ જ પગલાંઓ લેવામાં આવતાં નથી.

મહારાષ્ટ્રમાં ચણાની ૧૦ ટકા પણ ખરીદી નહીં

મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષે ચણાનું ઉત્પાદન ૯.૮૬ લાખ ટન થવાનો અંદાજ સરકારે મૂક્યો છે, જેની સામે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં ચણાની ટેકાના ભાવથી ૨,૪૬,૭૦૦ ટનની ખરીદીનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, પરંતુ ગત સપ્તાહ સુધીમાં સરકારે માત્ર ૨૦૮૦ ટન ચણાની ખરીદી કરી છે. આમ લક્ષ્યાંકના પૂરા ૧૦ ટકા પણ ખરીદી થઈ નથી.

દોઢ ગણા ભાવ આપવાની જાહેરાત માત્ર જાહેરાત જ પુરવાર થઈ

કેન્દ્ર સરકાર દ્વારા ગત ચૂંટણીઢંઢેરામાં પણ ખેડૂતોને તેમની ખેતપેદાશોની પડતર સામે દોઢા ભાવથી ખરીદી કરવાનું વચન આપ્યું હતું, જેની જાહેરાત પણ ગત વર્ષે સરકારે કરી હતી અને છેલ્લાં બે ટર્મથી મિનિમમ સપોર્ટ ભાવ ખેતપેદાશોની ઉત્પાદન પડતર કરતાં દોઢા જાહેર કરવામાં આવે છે, પરંતુ તે માત્ર જાહેરાત જ રહે છે. સાચું ચિત્ર હાલ પ્રજા સમક્ષ છે કે સરકારે ઉત્પાદનના માત્ર ૨૫ ટકા જ ખરીદી કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો અને જે લક્ષ્યાંક નક્કી કર્યો તેની ૧૦ ટકા પણ ખરીદી થઈ નથી. આમ ટેકાના ભાવ દોઢા જાહેર કરવાની જાહેરાત વ્યર્થ પુરવાર થઈ છે અને ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થતું હોવાથી આખરે તેમને આત્મહત્યા કરવાનો વખત આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

22 April, 2019 12:11 PM IST | | કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK