શૅરબજારમાં સ્પ્રિંગ જેવો ઉછાળો: રૂપિયામાં મિશ્ર વલણ : મક્કમ ડૉલર

20 May, 2019 11:55 AM IST  |  મુંબઈ | કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

શૅરબજારમાં સ્પ્રિંગ જેવો ઉછાળો: રૂપિયામાં મિશ્ર વલણ : મક્કમ ડૉલર

કરન્સી

આખરે અમેરિકા અને ચીન વચ્ચેની વેપારમંત્રણાઓ પડી ભાંગી. અમેરિકાએ ચીન પર વધારાની ટેરિફ લાગુ કરી, ચીની ટેલિકૉમ જાયન્ટ હુવાઇ પર રોક લગાવીને ચીનનું કાંડું આમળ્યું. જોકે ચીનની સહનશક્તિ આંકવામાં અમેરિકા ગોથું ખાઈ ગયું. અમેરિકાએ કહ્યું, એનું પ્રતિનિધિમંડળ બીજિંગ જશે, પણ ચીને કહ્યું કે અમને આવી કંઈ ખબર નથી. અમને હાલમાં અમેરિકા સાથે વાત કરવામાં રસ નથી. ટ્રેડવૉર વાસ્તવમાં ટેક્નૉલૉજી વૉર છે. હુઆવે ૫ જી ટેક્નૉલૉજીમાં અમેરિકાથી આગળ નીકળી ગઈ છે. સ્પેસ અને ડિજિટલ કૉમર્સમાં પણ ચીની ટેક્નૉલૉજી કંપનીઓ હરણફાળ ભરી છે. અમેરિકા અને ચીન વચ્ચેના સંઘર્ષમાં કૅનેડા, મૅક્સિકો અને યુરોપ હાલ પૂરતા ફાવી ગયાં છે. અમેરિકા હવે કૅનેડા અને મૅક્સિકો પરથી સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ટેરિફ હટાવશે. યુરોપ પર ૨૫ ટકા ઑટો ટેરિફ લાદવાનું પણ હાલ છ માસ પર મુલતવી રહ્યું છે. ટ્રેડવૉરથી અમેરિકાના ફાર્મર, ટ્રમ્પની મહત્વની વોટબૅન્કને મોટો ફટકો પડ્યો છે.

સ્થાનિક બજારોની વાત કરીએ તો શુક્રવારે શૅરબજારમાં ૫૦૦ પૉઇન્ટનો ઉછાળો આપીને નવી સરકાર એનડીએની હોવાનો સંકેત આપ્યો છે. વૈશ્વિક બજારોમાં યુઆન અને ચીની શૅરબજાર નરમ હતાં. ચીને અમેરિકી ટ્રેઝરી વેચીને પોતાનું લિવરેજ બતાવ્યું છે. અમેરિકી ટ્રેઝરીનું સૌથી મોટું હોલ્ડિંગ ચીન પાસે છે. વૈશ્વિક વેપારમાં અને રાજકારણમાં ફરી અલગાવવાદ ઊભરી રહ્યો છે. અમેરિકા, ચીન જપાન, અને કૅનેડા વચ્ચે વેપારમાં ઘર્ષણ વધી રહ્યાં છે એવે ટાણે યુરોપનાં અગ્રણી નેતા જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે કહ્યું છે કે હવે યુરોપે બાહ્ય તાકાતો, જેવી કે અમેરિકા, ચીન અને રશિયા સામે પોતે સ્વતંત્ર બ્લૉક તરીકે ઊભરવું પડશે. કોઈ મોટો સંઘર્ષ થતાં પહેલાં દરેકે પોતાના સાથીદારો અને દુશ્મનો નક્કી કરી લેવાના હોય છે, થોડામાં ઘણું.

કરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયો ૬૮.૫૦થી ૭૦.૬૨ થઈ ૭૦.૧૪ બંધ હતો. મે-જૂનમાં વૉલેટિલિટી ઘણી વધશે. ચોમાસું, ક્રૂડ તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકીય અને આર્થિક તેમ જ વેપારી ઊથલપાથલ - આ ત્રણ મોટાં નિર્ણાયક પરિબળો છે. ફ્રેજાઇલ ફાઇવ કરન્સી, જેવી કે લીરા, બ્રાઝિલ રિયાલ, ઇન્ડો રૂપિયો, સાઉથ આફ્રિકન રેન્ડમાં ફરી મંદી શરૂ થઈ છે. રિયાલ ૩.૨૦થી ઘટીને ૪ અને લીરા ૫.૮૦થી ઘટીને ૬.૧૦ થયો છે. રૂપિયા પર પણ એની નેગેટિવ અસર પડશે જ. યુઆન પણ ૬.૬૦થી ઘટીને ૬.૯૧૫૦ થઈ ગયો છે, અને કદાચ ૭ વટાવી જશે. ચીનમાં રીટેલ સેલ્સ ૧૬ વરસની નીચી સપાટીએ છે. ટ્રેડવૉરથી ચીનને ઘણો મોટો ફટકો પડ્યો છે. ચીન ટુકડેટુકડે સ્ટિમ્યુલસ આપી અર્થતંત્રને ટેકો આપી રહ્યું છે. યુઆન કમજોર કરીને ચીન ટેરિફની ઘણીખરી અસર ઑફસેટ કરી નાખશે.

અમેરિકામાં નવેમ્બર, ૨૦૨૦માં ચૂંટણીઓ છે, પણ ટ્રમ્પ ૨૦૧૬માં જીત્યા ત્યારના કૅમ્પેન મોડમાં જ છે. ડેમોક્રેટિક પક્ષ પાસે કોઈ સબળ ઉમેદવાર નથી, અને ટ્રમ્પનું રાજકીય કદ એટલું મોટું થઈ ગયું છે કે ૨૦૨૦માં એમને હરાવવા લગભગ મુશ્કેલ છે. ૨૦૨૦ સુધી વિશ્વે ટ્રમ્પને મૅનેજ કરતાં શીખી જવુ પડશે. જેને નહીં આવેડ તેને ટ્રમ્પ પૂરતું શીખવાડી શકે એમ છે.

અમેરિકામાં જૉબ માર્કેટ, શૅરબજાર, હાઉસિંગ - સર્વાંગી તેજી છે. ડૉલેક્સ ૯૭.૩૦-૯૮.૮૦ વચ્ચે અથડાય છે. ડૉલેક્સમાં ઝંઝાવાતી તેજીની સંભાવના છે. વૈશ્વિક અર્થતંત્રમાં અમેરિકા એક જ રોક સૉલિડ ઇકૉનૉમી છે.

આ પણ વાંચો : વેન્ચર ઇન્વેસ્ટિંગ: સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરી આવક રળવાની નવી દિશા

રૂપિયા પર પાછા ફરીએ તો વૈશ્વિક હાલાત જોતાં વરસના અંતે રૂપિયો ૬૮-૭૫ વચ્ચે ક્યાંક હશે. જો ક્રૂડ ૫૦-૫૫ ડૉલર વચ્ચે સ્થિર થાય અને ચોમાસું સારું જાય તો રૂપિયો ૬૮-૭૦ આસપાસ રહે. ક્રૂડ ૭૦-૯૫ ડૉલર ઉપર સ્થિર થાય, ચોમાસું નબળું રહે તો રૂપિયો ૭૫ આસપાસ રહે. રૂપિયાની લાંબા ગાળાની ચાલ જૂનની આખરમાં જ સ્પષ્ટ થશે.

business news