વૈશ્વિક આર્થિક મંદીના ઓળા વચ્ચે બજારમાં અજંપો

19 August, 2019 12:59 PM IST  |  મુંબઈ | કરન્સી-કૉર્નર : બિરેન વકીલ

વૈશ્વિક આર્થિક મંદીના ઓળા વચ્ચે બજારમાં અજંપો

બજાર

યુરો ઝોનનું વિકાસનું એન્જિન જર્મનીની મંદીમાં સરકી રહ્યું છે. જર્મનીનાં બૉન્ડ યીલ્ડ માઇનસ ૦.૭૦ થઈ ગયા છે. સ્વિસ અને ફ્રેન્ચ બૉન્ડ યીલ્ડ પણ નેગેટિવ છે. જપાનમાં પણ બૉન્ડ યીલ્ડ નેગેટિવ છે. વિશ્વમાં અંદાજે ૧૬ ટ્રિલ્યન ડૉલર જેટલું દેવું નેગેટિવ યીલ્ડમાં છે. યુકે પણ મંદીમાં સરી ગયું છે. અમેરિકામાં પણ બે વરસનાં બૉન્ડનું યીલ્ડ ૧૦ વર્ષના યીલ્ડ કરતાં વધ્યું છે એટલે કે યીલ્ડ કર્વ ઊલટો થઈ ગયો છે. જ્યારે મંદી આવતી હોય અથવા વ્યાજદરમાં ઘટાડા આવતા હોય ત્યારે આવું બનતું હોય છે. ફેડે તાજેતરની બેઠકમાં વ્યાજદરમાં પા ટકાનો ઘટાડો કર્યો હતો. હજી એક કે બે ઘટાડા આવશે એમ લાગે છે. અમેરિકામાં હાઉસિંગ મૉર્ગેજ ડેટ ૨૦૦૭ પછીની ઊંચી સપાટીએ છે. ઔદ્યોગિક સ્લોડાઉન શરૂ થયું છે. ચીન સાથે ટ્રેડ-વૉરની શરૂઆત થઈ ત્યારે અમેરિકા સુપર ફૅન્ટૅસ્ટિક ગ્રોથ માટે સજ્જ હતું, પણ આગામી દિવસોમાં અમેરિકામાં સ્લોડાઉન વકરશે. ચીનને ટ્રેડ-વૉરનો માર વાગ્યો જ છે, પણ અમેરિકાએ પણ આમાં કાંઈ મોટો મીર માર્યો નથી. બેઉ બળિયાની ટક્કરમાં અન્ય દેશો વધુ હેરાન થઈ રહ્યા છે. જર્મનીમાં મંદી ટાળવા સરકાર સ્ટિમ્યુલસ લાવશે એવી અટકળ છે.

ટ્રેડ-વૉરની વાત કરીએ તો અમેરિકી શૅરબજાર તૂટતાં હાંફળા-ફાંફળા થયેલા ટ્રમ્પે અમુક વસ્તુઓ પર વધારાની ૧૦ ટકા ટૅરિફ ૧ સપ્ટેમ્બરથી લાગવાની હતી એને ડિસેમ્બર સુધી મુલતવી રાખી. એક રીતે ટ્રેડ ડીલ માટેની ચેષ્ટા હતી. જોકે ચીને સામે કહ્યું કે એને વધુ રાહત જોઈએ. અત્યારે એમ લાગે છે કે ટ્રમ્પ ચૂંટણી પહેલાં અર્થતંત્ર સુધરી જાય, શૅરબજારમાં મંદી ન આવે એ માટે ડીલ કરવા રાજી છે, પણ ચીન ટ્રમ્પને આવો કોઈ મોકો આપવાના મૂડમાં નથી.

હૉન્ગકૉન્ગનાં રમખાણ માટે ચીન સમાધાન કરે એવાં ઊંબાડિયા ચાંપીને અમેરિકા અને યુકે હૉન્ગકૉન્ગ મામલે ખીચડી પકાવવાના મૂડમાં છે. જોકે ચીને યુકેને સખત ચેતવણી આપી છે કે હૉન્ગકૉન્ગ મામલે દખલ ન દેવી. ચીનની મિલિટરી પોલીસ ગમે ત્યારે હૉન્ગકૉન્ગમાં ત્રાટકે એવી સંભાવના છે. હૉન્ગકૉન્ગમાં દેખાવો શરૂ થયા ત્યારે શાંતિપ્રિય હતા, પણ એમાં ચીની સત્તાપક્ષના સભ્યો છૂપા વેશે દાખલ થઈ એને હિંસક બનાવી રહ્યા છે જેથી લશ્કરી પગલું લઈ શકાય એમ જાણકારો માને છે. ચીનમાં આર્થિક મંદી વકરતાં બૅન્ક ઑફ ચાઇનાએ ધિરાણ માટેના વ્યાજદરમાં સુધારા કર્યા છે જેથી ધિરાણખર્ચ નીચો આવે. આડકતરી રીતે આને રાહત-પૅકેજ ગણાય. યુઆનની નરમાઈ પણ અઘોષિત રાહત-પૅકેજ જ છે. વપરાશકારોના હાથમાં પૈસા આવે અને વપરાશ વધે એવાં આયોજનો પણ ચીન વિચારી રહ્યું છે.

ઘરઆંગણે બજાર નાણાપ્રધાન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની બેઠકમાં થયેલી ચર્ચાઓ પછી રાહત-પૅકેજની રાહ જોઈ રહ્યાં છે. એફઆઇઆઇ પર સુપરરિચ ટૅક્સ, શૅરોમાં મિનિમમ પબ્લિક હોલ્ડિંગ ૨૫ ટકાથી વધારીને ૩૫ ટકા કરવા જેવાં પગલાં કદાચ રોલબૅક થશે. સરકાર લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સમાં પણ રાહત આપે. સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી અપાયેલા રાષ્ટ્રજોગા પ્રવચનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વેલ્થ ક્રીએટર્સને માન આપો, શૅરબજારો મજબૂત હોવાં જોઈએ, નાનું કુટુંબ પણ એક જાતની દેશસેવા છે. શૅરબજારોની મંદી ડામવા સરકાર પ્રતિબદ્ધ લાગે છે.

આ પણ વાંચો : સસ્તા થઈ શકે છે કેબલ ટીવી, DTH પ્લાન, TRAI આપી શકે છે સારા સમાચાર

રૂપિયાની વાત કરીએ તો ૬૮.૩૦થી તૂટીને ૭૧.૬૦ થઈ રૂપિયો ૭૧.૧૩ બંધ હતો. નજીકમાં સપોર્ટ ૭૦.૮૫, ૭૦.૬૨, ૭૦.૩૭ છે. ઉપરમાં રેઝિસ્ટન્સ ૭૧.૩૭, ૭૧.૮૫, ૭૨.૨૦ છે. આગામી સપ્તાહોમાં વૉલેટિલિટી ઘણી મોટી રહેશે. ઓવરઑલ રેન્જ ૬૮.૮૦-૭૩.૩૦ જેવી મોટી દેખાય છે. ચોમાસું સારું થઈ ગયું છે એટલે ફુગાવાના મોરચે ચિંતા ઓછી છે. વૈશ્વિક મોરચે હૉન્ગકૉન્ગ, કોરિયા, ઈરાન મામલે હજી થોડો તનાવ છે. કાશ્મીર મામલે સરકાર ઘણી સજાગ રહી છે એટલે હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે. હાલની મહામંદીમાં ભારત જેવું મોટું બજાર ગુમાવવું કોઈને પોસાય નહીં એ સમજી શકાય એમ છે.

business news