અમેરિકામાં નેગેટિવ યીલ્ડ કર્વ વ્યાજદર ઘટાડો લાવશે?

01 April, 2019 11:33 AM IST  |  | કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

અમેરિકામાં નેગેટિવ યીલ્ડ કર્વ વ્યાજદર ઘટાડો લાવશે?

ફાઈલ ફોટો

૨૦૦૮ જેવી આર્થિક કટોકટીના ભણકારા વાગી રહ્યા છે. જોકે આ વખતે કટોકટીનું સ્વરૂપ ૨૦૦૮ કરતાં વિપરીત હશે. ૨૦૦૮ની કટોકટીને જો આપણે વાવાઝોડું ગણતાં હોઈએ તો ૨૦૧૯માં આવનારા પૅનિકને આપણે ટૉર્નેડો ગણી શકીએ. વાવાઝોડું ઘણું વ્યાપક હોય, એનો પરિઘ સેંકડો કિલોમીટર હોય. ટૉર્નેડોનો વ્યાપ મર્યાદિત હોય છે, પણ વિનાશકતા ઘણી ભયાનક હોય છે. ૨૦૧૯ના સંભવિત ટૉર્નેડોમાં મહત્તમ નુકસાન સાઉથ યુરોપ, ખાસ કરીને ઇટાલી સ્પેન, પોટુર્ગઘલ અને ર્નોથ યુરોપમાં જર્મની અને ફ્રાન્સને થઈ શકે. ઇમર્જિંગ દેશોમાં સાઉથ આફ્રિકા, મલેશિયા, ટર્કી, રશિયા, દ. કોરિયા અને લૅટિન અમેરિકામાં આર્જેન્ટિના, મૅક્સિકોનાં અર્થતંત્રો પર ખતરો છે. આ સંભવિત તોફાનમાં અમેરિકાને ઓછામાં ઓછું નુકસાન થશે. ભારતને પણ ઘણું ઓછું નુકસાન રહેશે. ટર્કી લીરા ૫ ટકા તૂટ્યો છે. ગ્લોબલ ઇન્વેસ્ટર્સ છટકામાં આવ્યા છે.

મંદીની આગોતરી ચેતવણી અમેરિકા, જપાન અને જર્મનીના બૉન્ડ યીલ્ડ આપે છે. અમેરિકામાં ૩ માસના બૉન્ડ કરતાં ૧૦ વરસનાં બૉન્ડનું યીલ્ડ ઓછું, એટલે કે યીલ્ડ કર્વ ઊલટો થયો છે. અમારા મતે ૨૦૧૯માં વ્યાજદર વધારા તો ભૂલી જાઓ, વરસના ઉત્તરાર્ધમાં વ્યાજદર ઘટાડો આવશે. ગયા સપ્તાહે ત્રણ માસના બૉન્ડ લેવા પડાપડી હતી, પણ માલ નહોતો. આ વાત રેટ કટ નજીક હોવાનું કહે છે. જર્મની અને જપાન ૧૦ વરસના બોન્ડ યીલ્ડ નેગેટિવ થયા છે. જર્મન યીલ્ડ જપાન કરતાં પણ નીચા છે, જે એક વિરલ ઘટના છે. આમ આદમીને આ ગંભીર ન લાગે, પણ સાદી ભાષામાં કહીએ તો ભારતમાં નાણાં ૧૦ વરસે બમણાં અને જર્મનીમાં ૪૦૦ વરસે બમણાં થાય.!!

મંદીની વાત પર પાછા ફરીએ તો રિસેસન અંગે આમ તો ઘણા સમયથી પંડિતો ચેતવતા હતા, પણ ગેમ-ચેન્જર ઇવેન્ટ ફેડની છેલ્લી બેઠક ગણી શકાય. ગયા મહિને ફેડે નાણાનીતિમાં યુ-ટર્ન માર્યો. ફેડે ડિસેમ્બર, ૨૦૧૮માં કહ્યું હતું કે ૨૦૧૯માં બે કે ત્રણ વાર વ્યાજદર વધશે, પણ માર્ચ, ૨૦૧૯ની બેઠકમાં ફેડે કહ્યું કે ૨૦૧૯માં વ્યાજદર નહીં વધે. સાથોસાથ ફેડે બૅલૅન્સશીટ ટ્રિમિંગ અટકાવી ક્વૉન્ટિટિવ ઇઝિંગનો પણ આડકતરો ઉલ્લેખ કર્યો. જોગાનુજોગ ફેડના ભૂતપૂર્વ ચૅરપર્સન જેનેટ યેલેને પણ આડકતરો ઇશારો કર્યો છે કે હવે મંદી આવે તો બૅન્કો ક્વૉન્ટિટિવ ઇઝિંગમાં બૉન્ડ સિવાય અન્ય સાધનો - શૅરો કે ઇટીએફ ખરીદવાનું વિચારી શકે. (જપાન ઇટીએફ, શૅરો વગેરે પણ ખરીદે છે.) અમેરિકાના આર્થિક સલાહકાર લેરી કુડલોએ કહ્યું છે કે ફેડ તાત્કાલિક ધોરણે ૫૦ બેસિસ પૉઇન્ટ વ્યાજદર ઘટાડે. આ બધી વાતો પાણી પહેલાં પાળ છે.

દરમિયાન રૂપિયામાં તેજી અટકી હતી. રૂપિયો ૬૮.૪૦થી ઘટીને ૬૯.૩૦ થઈ ૬૯.૧૫ હતો. મે માસમાં ભારત અને યુરોપમાં ચૂંટણી છે, યુરોપમાં મંદી વકરી રહી છે. અમેરિકામાં પણ આર્થિક સ્લોડાઉન દેખાય છે. જોકે અમેરિકાને આ મંદીમાં ઓછી તકલીફ થશે. વિfવભરના દેશો પોતાનાં નાણાં અમેરિકામાં રોકે છે, ડૉલેકસ મજબૂત થાય છે. યુરોપમાં મંદી, બ્રેક્ઝિટ મામલે બ્રિટિશ બેવકૂફિયા ચાલુ રહેવાથી પાઉન્ડ નબળો પડતો જાય છે, એનો લાભ પણ ડૉલરને મળે છે. યુરો ૧.૧૫થી ઘટીને ૧.૧૨૫૦ થયો છે અને આગળ જતાં ૧.૧૦ તૂટી શકે. પાઉન્ડ ૧.૩૫૦થી તૂટીને ૧.૨૭ થયો છે.

આ પણ વાંચો : તેજી, તેજી, તેજી! પ્રૉફિટ બુક નહીં કરનારને માર્કેટ એપ્રિલમાં ફૂલ બનાવી શકે!

એશિયામાં ચીનમાં સ્લોડાઉન રોકવા ચીન સરકાર આડકતરા સ્ટિમ્યુલસ આપે છે. રેટ કટની શક્યતા પણ છે. ચીની શૅરબજાર બૉટમઆઉટ થઈ ગયું છે. તુર્કીમાં ફરી કટોકટી આવી શકે. ડૉલરની તેજી અને લીરાની મંદી થાય તો ફ્રેજાઇલ ફાઇવ દેશો - ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ઇન્ડોનેશિયાનાં ચલણો ફરી નબળાં પડે. રૂપિયામાં હાલમાં ટ્રેડિંગ રેન્જ ૬૮.૮૦-૬૯.૯૩ છે. જૂન સુધીમાં રૂપિયો ૭૧.૫૦-૭૨.૨૫ આવવાની સંભાવના છે. આયાતકારોએ હવે હેજિંગમાં સચેત રહેવાય. ઘટાડે ડૉલર ખરીદતા રહેવાય. નિકાસકારોએ વેચવામાં સ્લો રહેવાય. લાંબા ગાળે રૂપિયો ફરી ૭૩.૩૦-૭૩.૫૦ થઈ શકે.

news