તેજી, તેજી, તેજી! પ્રૉફિટ બુક નહીં કરનારને માર્કેટ એપ્રિલમાં ફૂલ બનાવી શકે!

શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા | Apr 01, 2019, 11:27 IST

માર્ચ મહિનામાં નાણાકીય વરસનો અંત થયો. બજારે આ મહિનામાં ચાલ બદલી ને સેન્ટિમેન્ટ પણ બદલી નાખ્યું.

તેજી, તેજી, તેજી! પ્રૉફિટ બુક નહીં કરનારને માર્કેટ એપ્રિલમાં ફૂલ બનાવી શકે!
શૅર બજાર

માર્ચ મહિનામાં નાણાકીય વરસનો અંત થયો. બજારે આ મહિનામાં ચાલ બદલી ને સેન્ટિમેન્ટ પણ બદલી નાખ્યું. પ્રી-ઇલેક્શન રૅલીની ટોટલ ધમાલ ચાલી છે. હવે વૉલેટિલિટી વધવાની શક્યતા જણાય છે. કરેક્શન આવે કે ન આવે, પ્રૉફિટ-બુકિંગનો નિર્ણય કરેકટ લેવો જોઈશે, અન્યથા તક ગુમાવવાનો રંજ થઈ શકે

બજારમાં કરેક્શન પાકી ગયું છે એ વાત આપણે ગયા સપ્તાહમાં કરી હતી. બજાર હાલ ફંડામેન્ટલ્સના આધાર કરતાં સેન્ટિમેન્ટના આધારે વધુ ચાલે છે એ વાત પણ આપણે અહીં કરી હતી. ગયા સપ્તાહમાં પહેલા જ દિવસે -સોમવારે બજારે કરેક્શનથી આરંભ કરીને આ વાતને સમર્થન આપ્યુ હતું. સેન્સેક્સ આમ તો સાડાચારસો પૉઇન્ટ તૂટી ગયો હતો, જે પછીથી અંતમાં ૩૫૫ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યો અને ૩૮ હજારની સપાટીથી નીચે ઊતરી ગયો હતો, જ્યારે નિફટી ૧૦૨ પૉઇન્ટ નીચે ઊતરી ગયો હતો. માર્કેટ બ્રેડ્થ એકદમ નેગેટિવ હતી, જેમાં વધનાર સ્ટૉક્સ કરતાં ઘટનાર સ્ટૉક્સની સંખ્યા બમણી હતી.

બજારના આ ઘટાડાનાં મુખ્ય કારણોમાં યુએસ તેમ જ એશિયન માર્કેટના ડાઉન ટ્રેન્ડ હતા. ભારતીય માર્કેટ છેલ્લા કેટલાક સમયથી સતત વધતું રહ્યું હોવાથી પ્રૉફિટ-બુકિંગ પણ કારણ બન્યું હતું. જોકે બીજા જ દિવસે મંગળવારે બજારની બાજી પાછી ફેરવાઈ ગઈ અને કરેક્શન અટકીને પુન: તેજી આવી ગઈ. સેન્સેક્સ ૪૨૪ પૉઇન્ટ કૂદકો મારીને ફરી વાર ૩૮ હજારને પાર કરી ગયો, જ્યારે નિફટી ૧૨૯ પૉઇન્ટના જમ્પ સાથે ૧૧,૪૦૦ પાર કરી ગયો. અલબત્ત, આ તેજીના ઉછાળામાં મોટો ફાળો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત કેટલાક બૅન્ક સ્ટૉક્સનો રહ્યો હતો. અર્થાત, ઓવરઑલ માર્કેટ વધવા કરતાં ઇન્ડેક્સ શૅરો વધ્યા હતા. માર્કેટ બ્રેડ્થ સાધારણ પૉઝિટિવ રહી હતી. બુધવારે બજારે એકંદરે તેજીની ચાલ જાળવી રાખી હતી, કિંતુ સાધારણ વધઘટ બાદ અંતમાં સેન્સેક્સ ૧૦૦ પૉઇન્ટ અને નિફટી ૩૮ પૉઇન્ટ નીચે ઊતરી ગયા હતા. વડા પ્રધાને એક મહત્વની જાહેરાતમાં ભારતના અવકાશ મિશન શક્તિની સફળતાની જાહેરાત કરતાં દેશમાં ગૌરવની લાગણી વ્યક્ત થઈ રહી હતી, જેમાં બજાર માટે નોંધનીય એ બાબત હતી કે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારત વિfવમાં ચોથા ક્રમનો દેશ બન્યો હતો. આને વિકાસની એક સીમાચિહ્નરૂપ ઘટના કહી શકાય, જેને ભલે શૅરબજાર સાથે સીધો સંબંધ નથી, પણ દેશની પ્રગતિના ફંડામેન્ટલમાં આ બાબત આવે ખરી.

તેજીના ટકોરે નાણાકીય વર્ષાન્ત

ગુરુવારે બજારે વધુ એક વાર સુખદ આંચકો આપ્યો. તેજીવાળા માર્કેટ પર છવાઈ ગયા અને દિવસના અંતે સેન્સેક્સ ૪૧૨ પૉઇન્ટ પ્લસ અને નિફટી ૧૩૬ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. આમ સેન્સેક્સ બહુ ઝડપથી ૪૦ હજારની દિશામાં ગતિ કરવા લાગ્યો હોવાનું, જ્યારે નિફટી ૧૧,૫૦૦ ઉપર બંધ આવીને ૧૨ હજારની સપાટી તરફ ચાલવા લાગ્યો હોવાનું કહી શકાય. ઘટાડે ખરીદવાની રાહ જોનારા સતત રહી જતા હોવાનું ફીલ કરતા હોય તો નવાઈ નહીં. શુક્રવારે નાણાકીય વરસ ૨૦૧૮-૧૯નો અંતિમ ટ્રેડિંગ દિવસ હતો. બજારે આ અંતિમ દિવસે પણ પૉઝિટિવ ટ્રેન્ડ જાળવી રાખતાં સેન્સેક્સ ૧૨૭ પૉઇન્ટ પ્લસ સાથે ૩૮,૬૦૦ ઉપર બંધ રહ્યો અને નિફટી ૫૪ પૉઇન્ટ પ્લસ સાથે ૧૧,૬૦૦ ઉપર બંધ રહ્યો હતો. આમ માર્ચ મહિનામાં બજારે તેજીની ખરેખરી ટોટલ ધમાલ મચાવી દીધી હતી.

હવે વધઘટનો ટ્રેન્ડ વધશે

આ સપ્તાહથી બજારમાં વધઘટની ધમાલ વધે તો નવાઈ નહીં. ચૂંટણીનો મહિનો શરૂ થયો છે. આ બે મહિનામાં તબક્કાવાર વિવિધ રાજ્ય અને શહેરોમાં ચૂંટણી થશે તેમ તેમ માહોલ ગરમાગરમ બનતો જશે. અફવા અને ફેક ન્યુઝ કે પછી ઇરાદાપૂવર્કે ફેલાવવામાં આવનારા સમાચાર બજાર પર અસર કરતા રહેશે. કરેક્શન આવવુ જોઈએ, કિંતુ આવી રહ્યું નથી. પ્રોફિટ-બુકિંગ કરતા લોકોમાં વધુ રોકાણની ઇચ્છા વધતી જાય છે. મોદી સરકારના પુન: આગમનના સંકેત એને વેગ આપતા જાય છે. યુએસ ફેડરલ રિઝવર્ની વ્યાજદરના નિર્ણયને હાલ મોકૂફ રાખવાની બાબત અને ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદરમાં કાપ આવવાના નિર્દેશ (આ સપ્તાહમાં રિઝર્વ કસની બેઠક છે) આશાવાદ વધારી રહ્યા છે. વિદેશી રોકાણનો વધી રહેલો પ્રવાહ તેજીના વેગને વધુ ઉત્સાહ આપી રહ્યો છે. જોકે હવે પછી ગ્લોબલ પરિબળોની અને યુએસ સ્લોડાઉનની અસર પણ જોવા મળી શકે છે.

પ્રી- ઇલેક્શન રૅલી બાદ

જોકે બજારની વર્તમાન ચાલને અને ટ્રેન્ડને ટૂંકા ગાળાના ગણવામાં સમજદારી છે. અત્યારે બજારમાં પ્રી-ઈલેક્શન રૅલીની અસર ચાલી રહી છે, એ પોસ્ટ ઇલેક્શન પણ થોડો સમય ચાલી શકે, કિંતુ એ પછી તરત જ એ પરિબળ ડિસ્કાઉન્ટ થઈ જશે અને વાસ્તવિક આર્થિક ફંડામેન્ટલ્સ સામે આવી જશે, જેને લીધે બજાર આર્થિક ફંડામેન્ટલ્સના આધારે ચાલશે એ ધ્યાનમાં રાખીને હાલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં અને સ્ટૉક સ્પેસિફિક રહેવામાં શાણપણ છે. અલબત્ત, ભારતીય બજારની તેજી પાછળ એક કારણ રૂપિયામાં આવી રહેલી મજબૂતી પણ છે અને ઇમર્જિંગ માર્કેટ્સમાં તુલનાત્મક દૃષ્ટિએ ભારતની બહેતર સ્થિતિ પણ છે. જોકે ઓવરપ્રાઇસ્ડ સ્ટૉક્સ પ્રત્યે સાવચેત રહેવું જરૂરી છે, અન્યથા ઊંચા ભાવે ભરાઈ જવાની સ્થિતિ સર્જા‍ઈ શકે. આવા સ્ટૉક્સ સારા હોય તો પણ એના ઊંચા ભાવ નીચે ગયા બાદ ફરી એ લેવલે પાછા આવતાં લાંબો સમય લઈ શકે છે. આ સમયમાં કમસે કમ આંશિક પ્રૉફિટ-બુકિંગ કરી લેવામાં શાણપણ રહેશે. અન્યથા એપ્રિલની વધઘટમાં માર્ચની તક ગુમાવ્યાનો અફસોસ થઈ શકે છે.

વિદેશી બાયર્સ, દેશી સેલર્સ

અહીં એક વાત નોંધવા જેવી ખરી, આ માર્ચમાં ફૉરેન ઇન્વેસ્ટરો ભલે નેટ બાયર બની ગયા, કિંતુ સ્થાનિક સંસ્થાકીય ઇન્વેસ્ટરો આ માર્ચમાં નેટ સેલર રહ્યા છે, જેમણે માર્ચની ૨૨ તારીખ સુધીમાં ૧૨,૮૦૦ કરોડ રૂપિયાથી વધુના સ્ટૉક્સનું વેચાણ કયુર્ંલ છે. આ નેટ વેચાણ છેલ્લાં ત્રણ વરસમાં સૌથી વધુ છે. આ વેચાણમાં મ્યુચ્યુઅલ ફંડ્સનો હિસ્સો પચાસ ટકાથી વધુ છે. મ્યુચ્યુઅલ ફંડ્સે પણ લાંબા સમય બાદ વેચાણ કયુર્‍ છે. ફંડ્સે ૬૯૦૦ કરોડ રૂપિયાનું વેચાણ કયુર્ંબ છે. આ ઉપરાંત વીમાકંપનીઓ સહિત નાણાસંસ્થાઓએ નવેમ્બરથી લઈ અત્યાર સુધીમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ વેચવાલી કરી છે. આમાં અમુક અંશે વેચાણ પ્રોફિટ-બુકિંગ માટે પણ થયું છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સનું વેચાણ રિડમ્પશન દબાણથી પણ થયું છે.

નાની સાદી વાત

જેટ ઍરવેઝની ઉડાન : જેટ ઍરવેઝને ઉગારવા માટેના પ્રયાસ શરૂ થયા છે, જેના ભાગરૂપ નરેશ ગોયલે એના ચૅરમૅન- ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું છે. સ્ટેટ બૅન્કે કંપનીમાં મેજર હિસ્સો રાખ્યો છે, જ્યારે કે બૅન્કો વધુ નાણાં મૂકવા તૈયાર થઈ છે. હાલ ૧૫૦૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા થઈ છે. નવા રોકાણકારોની શોધ પણ હવે શરૂ થશે. પરિણામે શૅરધારકોમાં થોડી નવી આશા જન્મી છે.

નાની ખાસ વાત

બૅન્ક શૅરોની છલાંગ : એક ખાસ વાત નોંધવી રહી, છેલ્લા કેટલાક સમયથી બજારની તેજીમાં બૅન્ક-શૅરોનો ફાળો સતત વધતો રહ્યો છે, જેને પરિણામે બૅન્ક નિફટી પણ નવી સપાટી કુદાવતો જાય છે. મોટા ભાગના બૅન્ક શૅરો આ છેલ્લા બેથી ત્રણ મહિનામાં નોંધપાત્ર વધ્યા છે. આ શૅરો પર હજી પણ નજર રાખી શકાય.

વરસના અંતે સેન્સેક્સ ગેઇનમાં, મિડ કૅપ - સ્મૉલ કૅપ લૉસમાં!

વીતેલા નાણાકીય વરસ ૨૦૧૮-૧૯ની નાનીસી ઝલક જોઈએ તો આ વરસે સેન્સેક્સ ૧૭ ટકાની વૃદ્ધિ નોંધાવી શક્યો છે, જ્યારે કે સ્મૉલ કૅપ અને મિડ કૅપ અનુક્રમે ૧૨ ટકા અને પાંચ ટકા માઇનસ રહ્યા છે. સતત બે વરસ નેગેટિવ રહ્યા હોય એવું મિડ કેપ શેરો સાથે અગાઉ બન્યું નથી. આ વરસે આમ થયું. જોકે જે વરસે તે પૉઝિટિવ થાય છે ત્યારે બે વરસના નેગેટિવને પાર કરી જાય છે. પરિણામે હવે પછીની તેજીમાં મિડ કૅપ કમાલ બતાવે તેવી આશા રાખી શકાય. આ વરસ દરમ્યાન અનેક શૅરો તેના ટૉપ લેવલથી ખાસ્સા નીચે પણ આવ્યા છે, જ્યારે પચાસથી વધુ સ્ટૉક્સમાં ૧૦૦૦ ટકાથી વધુ વૃદ્ધિ પણ જોવાઈ છે. ચૂંટણીનો અવસર છે. વૉલેટાઇલ માર્કેટ રહેવાની શક્યતા વધશે. સેન્ટિમેન્ટમાં તેજી છે, પ્રવાહિતા વધવાની આશા છે. આ વરસ દરમ્યાન બજારે ઘણા નેગેટિવ પરિબળોનો સામનો કર્યો હતો, જે પછી પણ બજાર પૉઝિટિવ થઈને બંધ રહ્યું છે. આ પરિબળો કયાં છે અને હવે રહેશે તેની વાત હવે પછી કરીશું.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK