જીરું વાયદામાં મંદી : ભાવ ચાર મહિનાની નીચી સપાટીએ

19 June, 2021 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીરું વાયદો મહિનામાં ૧૦૦૦ રૂપિયા ઘટીને ૧૩૩૦૦ રૂપિયાની નજીક પહોંચ્યો

વૈશ્વિક ખાંડમાં મંદી : કાચી ખાંડનો વાયદો બે માસના તળિયે

જીરું વાયદામાં ફરી મંદી વ્યાપી ગઈ છે. ભારત સહિત વિશ્વના અનેક દેશમાં કોરોનાની બીજી લહેરને કારણે જીરુંની માગમાં ઘટાડો થયો હોવાથી અને નિકાસ વેપાર એકદમ ઘટી ગયા હોવાથી જીરું વાયદામાં વેચવાલી આવતા ભાવ ચાર મહિનાનાં તળિયે પહોંચ્યા હતા. જીરું જુલાઈ બેન્ચમાર્ક વાયદો  ઘટીને ૧૩૨૮૫ રૂપિયાની નીચી સપાટી પર પહોંચ્યો હતો જે એક મહિના પહેલાં ૧૪૪૦૦ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતો હતો. જીરુંના વર્તમાન ભાવ છેલ્લા ચાર મહિનાના સૌથી નીચા ભાવ છે. જીરુંના ભાવ અંગે સીઝનની શરૂઆતમાં મોટી તેજી થવાની આગાહીઓ આવી હતી, પરંતુ હવે નિકાસ વેપાર ઠંડા અને સ્ટૉકિસ્ટોની વેચવાલી આવી હોવાથી જીરુંના ભાવ તૂટી રહ્યા છે.
ઉંઝામાં જીરુંની ૧૨ હજાર ગૂણીની આવક હતી અને ભાવ પ્રતિ મણના ૨૪૦૦થી ૨૫૫૦ રૂપિયા બોલાતા હતા. જીરુંનાં એક્સપોર્ટ ભાવમાં પણ સરેરાશ ૧૫થી ૨૫ ડૉલરનો ઘટાડો થઈને ભાવ સીંગાપોર ક્વૉલિટીમાં ૨૬૪૫થી ૨૭૨૫ ડૉલર પ્રતિ ટન સુધીના ભાવ બોલાતા હતા.
જીરુંના ભાવ અંગે વેપારીઓ કહે છે કે આગામી દિવસોમાં જીરું વાયદો ઘટીને ૧૩૦૦૦ રૂપિયાની સપાટી તોડી શકે છે. હાલમાં નિકાસ વેપાર ઠંડા છે અને ખાસ કરીને ચીનની લેવાલી નથી. આ તરફ બજારમાં નાણાકીય કટોકટી વધારે હોવાથી તેની મોટી અસર બજાર પર જોવા મળી રહી છે.

business news