ક્રિપ્ટો નિયમન : ઝરા હૌલે હૌલે ચલો

25 November, 2021 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં ક્રિપ્ટો ઍસેટ્સનું નિયમન કરવા માટે હળવે હલેસે કામ લેવું એવી વિનંતી ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગે કરી છે. તેણે રોકાણકારોને કોઈ નિષ્કર્ષ પર પહોંચવાની ઉતાવળ નહીં કરવાનું પણ કહ્યું છે. 

પ્રતીકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

ભારતમાં ક્રિપ્ટો ઍસેટ્સનું નિયમન કરવા માટે હળવે હલેસે કામ લેવું એવી વિનંતી ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગે કરી છે. તેણે રોકાણકારોને કોઈ નિષ્કર્ષ પર પહોંચવાની ઉતાવળ નહીં કરવાનું પણ કહ્યું છે. 
સરકારે અમુક અપવાદોને બાદ કરતાં તમામ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માટેનો ખરડો સંસદના આગામી સત્રમાં લાવવાનું નક્કી કર્યું હોવાથી દેશ-વિદેશમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ‘ક્રિપ્ટોકરન્સી ઍન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશ્યલ ડિજિટલ કરન્સી બિલ, ૨૦૨૧’ નામનો ખરડો ૨૯ નવેમ્બરથી શરૂ થતાં સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સરકારે રિઝર્વ બૅન્કના ઉપક્રમે સત્તાવાર ડિજિટલ કરન્સી બહાર પાડવા સંબંધે વિચાર શરૂ કર્યો છે અને તમામ પ્રકારની ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કરાયું છે. ફક્ત ક્રિપ્ટો પાછળની ટેક્નૉલૉજીને પ્રોત્સાહન આપવામાં આવશે. 
આ સંબંધે બાયયુકૉઇનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર શિવમ ઠકરાલે કહ્યું હતું કે ભારતમાં ક્રિપ્ટોના વિકાસની સંભાવનાઓમાં વિશ્વાસ મૂકનારા ભારતીય ક્રિપ્ટોના માલિકો, ક્રિપ્ટોના ઉદ્યમીઓ અને રોકાણકારોની મહત્ત્વાકાંક્ષાઓને સમાવી લેવાનો આ ખરડા પાછળનો ઉદ્દેશ છે. મને લાગે છે કે બીટકૉઇન અને ઇથિરિયમ જેવી ક્રિપ્ટો ઍસેટ્સને એક્સચેન્જ પર લિસ્ટ કરાવવા માટેની મંજૂરી આપવામાં આવશે. 
કૉઇનસ્વિચ કુબેરના સ્થાપક આશિષ સિંઘલે કહ્યું હતું કે ક્રિપ્ટો ઉદ્યોગ રોકાણકારોના હિતને અગ્રક્રમ આપીને તમામ હિતધારકો સાથે સક્રિયપણે સંવાદ સાધી રહ્યો છે. ગ્રાહકોનું રક્ષણ થાય અને નાણાકીય સ્થિરતા રહે એ બાબતે બધા સંમત છે. હાલ તમામ રોકાણકારોએ શાંત રહેવાની જરૂર છે. તેઓ કોઈ પણ સંશોધન કર્યા પછી જ નિષ્કર્ષ પર પહોંચે. 
ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કૉઇન ડીસીએક્સના પ્રવક્તાએ કહ્યું હતું કે બધી બાબતોનો વિચાર કરીને લવાયેલાં ધારાધોરણોની મદદથી જ આ ટેક્નૉલૉજી સારી રીતે અપનાવી શકાશે અને કરોડો ભારતીયો આ આધુનિક ઍસેટ ક્લાસનો સ્વીકાર કરી શકશે. ઓકેએક્સ ડૉટકૉમના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જય હાઓએ કહ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી વધુ ક્રિપ્ટો ધરાવતા લોકોનો દેશ છે. સરકારે એ સૌના હિતનું રક્ષણ કરવું જોઈએ. 

જોજો મોટા ભાગની ક્રિપ્ટોકરન્સી ખતમ થઈ જશે : રઘુરામ રાજન

રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને બુધવારે કહ્યું હતું કે હાલની ક્રિપ્ટોકરન્સીમાંથી મોટા ભાગની કરન્સી ખતમ થઈ જશે. એકાદ-બે કે ગણીગાંઠી કરન્સી જ કદાચ ટકશે. 
રાજને એક બિઝનેસ ન્યુઝ ચૅનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મોટા ભાગની ક્રિપ્ટોનું કોઈ કાયમી મૂલ્ય નથી. આવી અમુક જ કરન્સી સરહદ પારનાં પેમેન્ટ કરવા માટે અસ્તિત્વમાં રહેશે. 
ભારત સરકારે ક્રિપ્ટોના નિયમન માટે સંસદમાં ખરડો દાખલ કરવાનું નક્કી કર્યું એ સંબંધે તેમણે કહ્યું હતું કે જેઓ આજે ક્રિપ્ટો ઍસેટ્સ ધરાવે છે એમાંથી ઘણા લોકો સરકારના આ ખરડાથી દુઃખી થશે. મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય હોવાનું કારણ એ છે કે એક કરતાં વધારે મૂર્ખ હોય એવી કોઈ વ્યક્તિ એ ખરીદવા તૈયાર હોય છે. 
અમેરિકાની ક્રિપ્ટો બજાર વિશે ભૂતપૂર્વ ગવર્નરે કહ્યું હતું કે અમેરિકામાં ૨.૫ ટ્રિલ્યન ડૉલરની આ સમસ્યા છે અને કોઈ એનું નિયમન કરવા તૈયાર નથી. વળી નિયમનકારો આ ઉદ્યોગને પૂરેપૂરો સમજી શકતા નથી અને તેનું નિયમન કેવી રીતે કરવું એ જાણતા નથી. 
દરમ્યાન જાણીતા અર્થશાસ્ત્રી શરદ કોહલીએ કહ્યું હતું કે ક્રિપ્ટો સંબંધે ખરડો લાવવાનું સરકારનું પગલું આવકાર્ય છે. આ ખરડાની ઘણા વખતથી જરૂર હતી. અર્થતંત્રમાં ૪૦૦૦ કરતાં વધારે ક્રિપ્ટોકરન્સી છે અને ૧૦ કરોડ કરતાં વધારે લોકો, ખાસ કરીને ૨૧થી ૩૫ વર્ષની વયના યુવાનોએ પરિણામોથી બેખબર રીતે પોતાની મહેનતની કમાણીનું એમાં રોકાણ કર્યું છે. આ કરન્સીનાં કોઈ ફન્ડામેન્ટલ્સ નથી. તેના ભાવની હિલચાલ માત્ર સમાચારોના આધારે થાય છે, પરિણામે એના ભાવ ગમે ત્યારે પડી જાય છે. દેશમાં રિઝર્વ બૅન્ક નાણાં નીતિનું સંચાલન કરતી હોવાથી ડિજિટલ કરન્સીને કાનૂની ચલણ બનાવી શકાય નહીં. કોઈ પણ કેન્દ્રીય બૅન્ક સમાંતર ચલણનો સ્વીકાર કરે નહીં. 
સરકાર પોતાની વર્ચ્યુઅલ કરન્સી લઈ આવે એવી શક્યતા હોવાનો મત વ્યક્ત કરતાં કોહલીએ કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીનું નિયમન જરૂરી છે, કારણ કે તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ જેવી ગેરકાનૂની હરકતો માટે કરવામાં આવે છે.

business news indian government