ક્રૂડ ઑઈલ ઉત્પાદનમાં કાપ:રશિયા,ઑપેક સહમત થયા,હવે મેક્સિકો આડું ફાટ્યું

11 April, 2020 11:21 AM IST  |  Mumbai Desk

ક્રૂડ ઑઈલ ઉત્પાદનમાં કાપ:રશિયા,ઑપેક સહમત થયા,હવે મેક્સિકો આડું ફાટ્યું

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના કારણે ક્રૂડ ઑઈલની માગમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી ઉત્પાદન ઘટાડી ભાવ ઊંચા લાવવા જોઈએ એવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના પ્રયત્ન પછી રશિયા અને સાઉદી અરબ વચ્ચે સફળ મંત્રણા યોજાઈ હતી. બન્ને દેશોની આગેવાની હેઠળ ઑપેક અને મિત્રદેશો ભેગા થઈ લગભગ એક કરોડ બેરલ પ્રતિદિનનું ઉત્પાદન ઘટાડવા માટે સહમત થયા છે ત્યારે મેક્સિકોએ આ ઉત્પાદન-કાપમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે.
જોકે રાષ્ટ્રપતિ પુતિન અને સાઉદી અરબ દ્વારા ટ્રમ્પ સાથે ટેલિફોનિક ચર્ચાના અંતે એવું નક્કી થયું છે કે જી-૨૦ રાષ્ટ્રોની એક વિડિયો કૉન્ફરન્સમાં અમેરિકાના ઊર્જાપ્રધાન પણ ભાગ લેશે અને મેક્સિકોને પણ ક્રૂડ ઑઈલનું ઉત્પાદન ઘટાડવા માટે મનામણા કરશે. આ વિડિયો કૉન્ફરન્સ ભારતીય સમય અનુસાર શુક્રવારે સાંજે યોજાવાની છે. શુક્રવારે જી-૨૦ની બેઠકમાં આ અંગે ચર્ચા થવાની છે જેમાં રશિયા, સાઉદી અરબ અને અન્ય ઑપેક રાષ્ટ્રના નેતાઓ પણ ભાગ લેવાના છે.
ઑપેક અને અન્ય દેશો આગામી મે અને જૂન મહિનામાં વર્તમાન ઉત્પાદનના ૧૦ ટકા કે દૈનિક ૧ કરોડ બેરલનું ઉત્પાદન-કાપ મૂકવા માટે સહમત થયા હતા. આ ઉપરાંત અન્ય દેશો કે જે ચર્ચામાં ભાગ નથી લઈ રહ્યા તેમને વધારાના ૫૦ લાખ બેરલના કાપ માટે વિનંતી કરવાનું નક્કી થયું હતું, પણ મેક્સિકોએ પોતાના ભાગના ૪ લાખ બેરલ પ્રતિદિનનો કાપ મૂકવાનો ઇનકાર કર્યા બાદ વાટાઘાટ પડી ભાંગી હતી.
ગુરુવારે આ સમાચાર વચ્ચે બજારમાં ક્રૂડ ઑઈલના ભાવમાં ભારે ઊથલપાથલ જોવા મળી હતી. બજારની ધારણા છે કે એક કરોડ બેરલના ઉત્પાદન-કાપથી બજારમાં માગ અને પુરવઠામાં કોઈ મોટો ફેર પડશે નહીં. બ્રેન્ટ ક્રૂડ ઑઈલના ભાવ ૩૨ ડૉલર પ્રતિ બેરલ ચાલી રહ્યા છે જે ડિસેમ્બર કરતાં લગભગ અર્ધા છે. અમેરિકામાં વેસ્ટર્ન ટેક્સાસ વાયદો એક તબક્કે ૯ ટકા ઘટી ગયો હતો અને પછી ફરી એટલો જ વધ્યા બાદ વાટાઘાટ પડી ભાંગતા આગલા બંધ સામે ૭ ટકા ઘટી ૨૩.૨૮ ડૉલર પ્રતિ બેરલ બંધ આવ્યો હતો. શુક્રવારે ગુડ ફ્રાઇડેના કારણે બજારો બંધ છે.
કોરોના વાઇરસના કારણે વૈશ્વિક પરિવહન બંધ થઈ ગયું છે. વિશ્વની અર્ધી વસ્તી લૉકડાઉનમાં ઘરની અંદર પુરાઈ ગઈ છે અને આર્થિક પ્રવૃત્તિ બંધ પડી છે. આ ઉપરાંત માર્ચમાં રશિયા અને સાઉદી અરબ વચ્ચે વાટાઘાટ પડી ભાંગી હોવાથી બન્ને વચ્ચે વધુ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું અને તેના કારણે ભાવ બે દાયકાની નીચી સપાટીએ આવી ગયા હતા.
વૈશ્વિક રીતે ક્રૂડના ભાવ ઘટી ગયા હોવાથી ક્રૂડ ઑઈલના ઉત્પાદક દેશોનું અર્થતંત્ર પડી ભાંગે એવી ચિંતા છે જ્યારે અમેરિકાને ચિંતા છે કે આવી રહેલી આર્થિક મંદીના સમયમાં જ તેની ટોચની ઑઈલ કંપનીઓ અને અબજો ડૉલરનું શેલ ગૅસનું ઉત્પાદન નુકસાનમાં છે. ખોટનો ખાડો પૂરવા માટે આંતરરાષ્ટ્રીય રીતે ઑઈલ ઉત્પાદકોએ એકસાથે ઉત્પાદન ઘટાડવું જોઈએ એવી ટ્રમ્પ હિમાયત કરી રહ્યા છે. 

business news russia mexico