માગની ચિંતા: વિક્રમી ઉત્પાદનકાપ પછી પણ ક્રૂડ ઑઇલના ભાવમાં ઘટાડો

14 April, 2020 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માગની ચિંતા: વિક્રમી ઉત્પાદનકાપ પછી પણ ક્રૂડ ઑઇલના ભાવમાં ઘટાડો

ક્રૂડ ઑઇલ

વૈશ્વિક બજારમાં કોરોના વાઇરસને કારણે ૨૧૦ જેટલા દેશોમાં અસર થઈ છે. વિશ્વના ટોચના અર્થતંત્ર ચીન, અમેરિકા, ભારત, બ્રિટન, જર્મની, ઇટલી, ફ્રાન્સ, જપાન જેવા દેશોમાં લૉકડાઉન છે એટલે ક્રૂડની માગ સતત ઘટી રહી છે. આ માગને કારણે ચાલુ વર્ષે ભાવ લગભગ ૫૭ ટકા જેટલા ઘટીને બે દાયકાની નીચલી સપાટીએ પહોંચી ગયા હતા. ભાવને ઊંચા લાવવા અને માત્ર ક્રૂડની નિકાસ પર નભતા દેશો પર આર્થિક જોખમ અટકાવવા માટે ચાર દિવસ લાંબી બેઠક બાદ ઓપેક, રશિયા, કૅનેડા અને મેક્સિકો સહિતના દેશોએ ઉત્પાદનમાં ઐતિહાસિક કાપ મૂકવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી પણ જોકે ભાવ ઊંચા મથાળેથી ફરી ઘટવાનું ચાલુ થઈ ગયું હતું. વેસ્ટર્ન ટેક્સસ ક્રૂડ વાયદો ૨૪.૭૪ના દિવસના ઉપરના સ્તરથી ઘટી અત્યારે ૨૨.૭૬ અને બ્રેન્ટ ક્રૂડ ૩૩.૯૯ ડૉલરથી ઘટી ૩૧.૨૩ ડૉલર પ્રતિ બૅરલ થઈ ગયો હતો. ચાર દિવસ ચાલેલી ઓપેક અને સાથી રાષ્ટ્રોની બેઠક બાદ સાઉદી અરબ, રશિયા અને અન્ય મળી ૯૭ લાખ બૅરલ પ્રતિ દિન ઉત્પાદન ઘટાડવા તૈયાર થયા છે. મે અને જૂનમાં આ કાપ અમલમાં આવશે અને એ વિશ્વના કુલ ક્રૂડ ઉત્પાદનનો ૧૦ ટકા જેટલો હિસ્સો થાય છે. સાઉદી અરબ, કુવૈત અને યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા આ ઉપરાંત સ્વૈચ્છિક રીતે ઉત્પાદન ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. બજારના વિશ્લેષકોના મતે વાઇરસને કારણે લૉકડાઉન, આર્થિક પ્રવૃત્તિ અને પરિવહન બંધ હોવાથી ક્રૂડની વૈશ્વિક માગ લગભગ ૩૦ ટકા જેટલી ઘટી ગઈ છે. આ ઉપરાંત હજી લૉકડાઉન ચાલુ છે અને આર્થિક વિકાસ પણ પાટે ચડતાં સમય લાગે એવી સ્થિતિ છે ત્યારે માગ વધતાં સમય લાગશે.

business news