10 વર્ષમાં ક્રૂડ ઑઈલની માગ સૌથી ઓછી હોવા છતાં ભાવમાં વૃદ્ધિ

10 August, 2019 08:44 AM IST  |  મુંબઈ

10 વર્ષમાં ક્રૂડ ઑઈલની માગ સૌથી ઓછી હોવા છતાં ભાવમાં વૃદ્ધિ

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ પોતાના અહેવાલમાં એવી જાહેરાત કરી હતી કે ક્રૂડ ઑઈલની માગવૃદ્ધિ છેલ્લાં દસ વર્ષમાં સૌથી નબળી રહી છે આમ છતાં ક્રૂડ ઑઈલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ભાવ વધવા માટે એવી ગણતરી ચાલી રહી છે કે સાઉદી અરબ ક્રૂડ ઑઈલની ઉત્પાદન અચાનક ઘટાડી ભાવને ટેકો આપશે.

ન્યુ યૉર્ક ખાતે વેસ્ટર્ન ટેક્સાસ વરાઈટી ક્રૂડનો વાયદો ૧.૨ ટકા કે ૬૫ સેન્ટ વધી ૫૩.૧૭ ડૉલર પ્રતિ બેરલ ચાલી રહ્યો છે જ્યારે લંડનમાં બ્રેન્ટ ક્રૂડ ૭૩ સેન્ટ કે ૧.૩ ટકા વધી ૫૮.૧૧ ડૉલર પ્રતિ બેરલ છે. ભારતમાં એમસીએક્સ ઉપર ક્રૂડ તેલ ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ બેરલદીઠ રૂ. ૩૭૦૫ ખૂલી, ઉપરમાં રૂ. ૩૭૭૯ અને નીચામાં રૂ. ૩૬૯૬ બોલાઈ પ્રથમ સત્રના અંતે રૂ. ૭૫ વધીને રૂ. ૩૭૭૧ બંધ રહ્યો હતો.

બ્લુમબર્ગના એક અહેવાલ અનુસાર સાઉદી અરબ પોતાનું ક્રૂડ ઑઈલનું ઉત્પાદન ઘટાડવા માટે વિચારી રહ્યું છે. આ સપ્તાહે ક્રૂડ ઑઈલના ભાવ લગભગ મંદીના મુખમાં પહોંચી ગયા હતા જેથી બજારમાં પુરવઠો ઘટાડી ભાવ વધે એ માટે પ્રયત્ન થઇ રહ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર વકરી રહ્યું હોવાથી આર્થિક વિકાસ ઘટશે એવી આશાએ બજારમાં આ સપ્તાહે ક્રૂડના ભાવ ઘટ્યા છે. બ્રેન્ટ ક્રૂડ છ ટકા અને વેસ્ટર્ન ટેક્સાસના ભાવ ચાર ટકા જેટલા ઘટ્યા છે.

ભારતમાં ઑઈલ માર્કેટિંગ કંપનીઓ જેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે તે ઇન્ડિયન બાસ્કેટનો ભાવ ૬ ઑગસ્ટના ૫૮.૯૫ ડૉલર (કે રૂ. ૪૧૬૮.૯૮) પ્રતિ બેરલ હતો જે ૮ ઑગસ્ટે ઘટી ૫૭.૫૦ ડૉલર (કે રૂ. ૪૦૪૯.૮૮) પ્રતિ બેરલ રહ્યા હતા.

ક્રૂડ ઑઈલ માગવૃદ્ધિ ૨૦૦૮ પછી સૌથી ધીમી પડી

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર અને અન્ય કારણોસર વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે અને તેના કારણે વિશ્વમાં ક્રૂડ ઑઈલની માગમાં જોવા મળી રહેલી વૃદ્ધિ વર્ષ ૨૦૦૮ પછીના સૌથી ધીમા દરે વધી રહી હોવાનું ઇન્ટરનૅશનલ એનર્જી એજન્સી (આઇઇએ)એ પોતાના આજે બહાર પડેલા માસિક અહેવાલમાં જણાવ્યું છે.

જાન્યુઆરીથી મે વચ્ચે ક્રૂડ ઑઈલની કુલ માગ ૫.૨૦ લાખ બેરલ વધી છે જે ૨૦૦૮ પછીની આ પાંચ મહિનાની સૌથી ધીમી વૃદ્ધિ છે. બીજી તરફ માત્ર મે મહિનામાં કુર્દ ઑઈલની માગ ૧.૬૦ લાખ બેરલ ઘટી હતી જે માસિક ધોરણે ૨૦૧૯માં બીજો ઘટાડો દર્શાવે છે. જાન્યુઆરીથી જૂન દરમ્યાન વૈશ્વિક માગવૃદ્ધિમાં ચીનનો હિસ્સો પાંચ લાખ બેરલ રહ્યો છે જ્યારે ભારત અને ચીન બન્ને ભેગા કરી તે માત્ર એક લાખ બેરલ પ્રતિ દિવસ રહી હતી.

કેલેન્ડર વર્ષ ૨૦૧૯ના પ્રથમ ભાગમાં માગ બહુ શિથિલ જોવા મળી રહી છે. ચીન અને અમેરિકા વચ્ચે રાજકીય મતભેદના કારણે હવે લાગી રહ્યું છે કે વ્યાપાર સમજૂતી થતાં સમય લાગશે અને તેના કારણે ક્રૂડની માગ ઘટી શકે છે એમ એજન્સીએ જણાવ્યું હતું. એજન્સીએ વર્ષ ૨૦૧૯માં માગવૃદ્ધિ ઘટાડી ૧૧ લાખ બેરલ પ્રતિ દિન અને ૨૦૨૦ માટે ૧૩ લાખ બેરલ પ્રતિદિન કરી છે. એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે જે રીતે ભવિષ્ય અનિશ્ચિત છે એ રીતે આગામી દિવસોમાં માગના અંદાજો હજી ઘટાડવા પડે તેવી શક્યતા છે.

 

business news