ગોલ્ડમેન સાક્સની આગાહી બાદ ક્રૂડતેલ બે વર્ષની ટોચે પહોંચ્યું

15 June, 2021 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક એગ્રી અને બુલિયન કૉમોડિટી બજારોમાં તેજી હતી, પંરતુ ક્રૂડતેલના ભાવ ઉપરની તરફ આગળ વધ્યા હતા. ગોલ્ડમેન સાક્સ દ્વારા ક્રૂડતેલમાં તેજીનો કોલ આપવામાં આવતા ક્રૂડતેલના ભાવ વધીને બે વર્ષની ટોચે પહોંચ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક એગ્રી અને બુલિયન કૉમોડિટી બજારોમાં તેજી હતી, પંરતુ ક્રૂડતેલના ભાવ ઉપરની તરફ આગળ વધ્યા હતા. ગોલ્ડમેન સાક્સ દ્વારા ક્રૂડતેલમાં તેજીનો કોલ આપવામાં આવતા ક્રૂડતેલના ભાવ વધીને બે વર્ષની ટોચે પહોંચ્યા હતા. બીજી તરફ કોરોના વાઇરસ હવે કાબૂમાં આવી રહ્યો હોવાથી તેની અસરે ક્રૂડતેલની માગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ વધીને ૭૩.૧૦ ડૉલરની સપાટી પર પહોંચ્યા હતા, જે મે ૨૦૧૯ બાદની સૌથી ઊંચી સપાટી પર પહોંચ્યા હતા, જ્યારે નાયમેક્સ ક્રૂડતેલના ભાવ ૧૪ સેન્ટ વધીને ૭૧.૨૫ ડૉલર પ્રતિ બેરલ પર પહોંચ્યા હતા, જે ઑક્ટોબર ૨૦૧૮ બાદની સૌથી ઊંચી સપાટી હતી. ક્રૂડતેલના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં સરેરાશ ત્રણ ટકાનો ઉછાળો આવ્યો છે અને મહિનામાં ભાવ છથી સાત ટકા વધી ગયા છે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં વાહનનો ટ્રાફિક કોરોના વાઇરસની પહેલાં જે હતો એવો જ હવે થવા લાગ્યો છે, જેને પગલે ક્રૂડતેલની માગ પણ સારી છે. ગોલ્ડમેન સાક્સે ગત સપ્તાહે બ્રેન્ટના ભાવ ચાલુ વર્ષ દરમ્યાન ૮૦ ડૉલરની સપાટી પર પહોંચવાની આગાહી કરી હતી. ઇકૉનૉમીનો ગ્રોથ હવે ફરી વધવા લાગ્યો છે અને એ સાથે જ ક્રૂડતેલના ભાવમાં સુધારો થાય તેવી સંભાવના હોવાથી સરેરાશ ક્રૂડતેલમાં તેજી આવી છે. અમેરિકામાં ઑઇલ રિંગ્સની સંખ્યામાં છનો વધારો થઈને ૩૬૫ એ પહોંચી છે.

business news