ક્રેડિટ કાર્ડની બાકી ચુકવણીની રકમ ૨૯.૬ ટકા વધીને વિક્રમી સ્તરે પહોંચી

08 March, 2023 05:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડ ધારકોએ ન ચૂકવેલી રકમ ૧.૮૭ લાખ કરોડ પર પહોંચી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

કોવિડ પછીના સમયગાળામાં વધેલા ડિજિટાઇઝેશન અને ગ્રાહકના વિશ્વાસમાં વધારો થવાને કારણે જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડની બાકી રહેલી ચુકવણીની રકમ ૨૯. ૬ ટકા વધીને ૧.૮૭ લાખ કરોડ રૂપિયાની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી હતી.

રિઝર્વ બૅન્કના તાજેતરના ડેટા મુજબ ચાલુ નાણાકીય વર્ષના ૧૦ મહિનામાં ક્રેડિટ કાર્ડની બાકી રકમમાં ૨૦ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. જૂનમાં સૌથી વધુ ૩૦.૭ ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
એસબીઆઇ કાર્ડના એમડી અને સીઈઓ રામ મોહન રાવ અમરાએ જણાવ્યું કે ‘ઘણી શ્રેણીઓનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે જેને પરિણામે વર્તમાન ગ્રાહકો તેમના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખર્ચમાં વધારો કરે છે.

આ પણ વાંચો:  મુંબઈના પ્રાઇમ પ્રૉપર્ટી રેટમાં વર્ષમાં ૬.૪ ટકાનો વધારો થયો

તેમણે ઉમેર્યું કે ચુકવણીની સરળતાએ આરોગ્ય અને ફિટનેસ, શિક્ષણ, ઉપયોગિતા બિલ સહિતની શ્રેણીઓમાં ખર્ચમાં આ વધારામાં ચોક્કસપણે ફાળો આપ્યો છે.

ક્રેડિટ કાર્ડના વપરાશના માસિક વલણ પર રાવે જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રેડિટ કાર્ડ ખર્ચમાં સતત વૃદ્ધિ થઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચની ચુકવણી જાન્યુઆરીમાં ૧.૨૮ લાખ કરોડ પર પહોંચી છે, જે આગલા મહિને ૧.૨૬ લાખ કરોડની હતી. જો વર્ષ દર વર્ષના આધાર પર નજર નાખીએ તો ૪૫ ટકાનો વધારો થયો છે. હકીકતમાં છેલ્લા ૧૧ મહિનાથી ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી એક લાખ કરોડની ઉપર રહી છે.

business news