દેશનો જીડીપીનો ગ્રોથ રેટ ૮.૨-૮.૫ ટકા રહેશે : એસબીઆઇનો અહેવાલ

27 May, 2022 06:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોથા ત્રિમાસિક ગાળાનો ગ્રોથ રેટ ૨.૭ ટકા રહી શકે : ૩૧મીએ જાહેર થશે

દેશનો જીડીપીનો ગ્રોથ રેટ ૮.૨-૮.૫ ટકા રહેશે : એસબીઆઇનો અહેવાલ

દેશના ગયા નાણાકીય વર્ષના જીડીપીના સત્તાવાર આંકડા ચાલુ મહિનાના અંતમાં જાહેર થવાના છે એ પહેલાં વિવિધ એજન્સી-બૅન્કો દ્વારા ગ્રોથના અંદાજ આવી રહ્યા છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના સંશોધન અહેવાલ મુજબ ગયા નાણાકીય વર્ષમાં ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ ૮.૨થી ૮.૫ ટકાની રેન્જમાં રહેવાની ધારણા છે.
અનેક અનિશ્ચિતતા વચ્ચે ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો ગ્રોથરેટ ત્રણથી સાડાત્રણ ટકા વચ્ચે રહે એવી પણ ધારણા છે.
એસબીઆઇએ અહેવાલમાં નોંધ્યું હતું કે ૩૧ મેએ ગયા નાણાકીય વર્ષના રૂઢિગત ત્રિમાસિક પુનરાવર્તનને કારણે આંકડાઓને સમજવા મુશ્કેલ છે એ આગાહીકર્તાઓ માટે પણ દુઃસ્વપ્ન બની શકે છે છતાં અમે માનીએ છીએ કે ચોથા ત્રિમાસિક ગાળાના અંદાજોના નવા મૉડલ મુજબ ગયા વર્ષનો ગ્રોથરેટ ૮.૫ ટકા આવી શકે છે એવું એસબીઆઇ જૂથના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું.
ટૅક્સ કલેક્શનમાં મજબૂત વૃદ્ધિને જોતાં ચોથા ક્વૉર્ટરમાં જીવીએ અને જીડીપીના નંબર વચ્ચેનો તફાવત પણ એક અન્ય મોટો કોયડો હોઈ શકે છે, જેનાથી જીડીપીની સંખ્યા નોંધપાત્ર રીતે વધી શકે છે એમ અહેવાલમાં જણાવાયું છે. અમારા મતે ગયા વર્ષનો ૮.૫ ટકા અને ચોથા ક્વૉર્ટરનો ગ્રોથ ૨.૭ ટકા રહે એવું અનુમાન છે.

business news gdp