દેશમાં ઉનાળુ કઠોળ અને તેલીબિયાંના વાવેતરમાં વધારો જોવાયો : કુલ વાવેતર ૪.૪૧ ટકા વધ્યું

10 May, 2022 05:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કઠોળના વાવેતરમાં સૌથી વધુ ૧૮.૨૪ ટકાનો વધારો : ડાંગરના વાવેતર વિસ્તારમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ઉનાળુ વાવેતર હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને છેલ્લા આંકડાઓ મુજબ દેશમાં તેલીબિયાં અને કઠોળ ઉપરાંત મોટા દાણાવાળા અનાજના વાવેતરમાં પણ વધારો થયો છે. તમામ પાકોનું કુલ વાવેતર સરેરાશ ગયા વર્ષની તુલનાએ ૪.૪૧ ટકા વધ્યું છે. ખાસ કરીને કઠોળના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના તાજા આંકડાઓ મુજબ છ મે સુધીમાં સમગ્ર દેશમાં કુલ ૭૧.૮૮ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે ગયા વર્ષે આજ સમયે ૬૮.૮૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ એના વાવેતરમાં ૪.૪૧ ટકાનો વધારો થયો છે.
કઠોળનું વાવેતર ચાલુ સીઝનમાં ૧૮.૨૪ ટકા વધીને ૨૦.૩૮ લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે આજ સમયે કુલ વાવેતર ૧૭.૨૧ લાખ હેક્ટરમાં થયું હતું. મગનું વાવેતર સૌથી વધુ ૧૬.૨૫ લાખ હેક્ટર અને અડદનું વાવેતર ૩.૬૬ લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે આજ સમયે મગનું વાવેતર ૧૪.૨૪ લાખ હેક્ટર અને અડદનું વાવેતર ૨.૬૨ લાખ હેક્ટરમાં થયું હતું. મગ અને અડદના ભાવ સરેરાશ ઊંચા હોવાથી ખેડૂતોએ ઉનાળામાં પાણીની સગવડ હતી ત્યાં આ બન્ને કઠોળનું વાવેતર વધારે કર્યું છે.
દેશમાં આ વર્ષે ઉનાળામાં મોટા દાણાવાળા અનાજ જેવા બાજરી-જુવાર અને મકાઈના વાવેતરમાં પણ વધારો થયો છે. મોટા દાણાવાળા અનાજનું કુલ વાવેતર ૧૦.૮૨ લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે ૧૦.૨૬ લાખ હેક્ટરમાં થયું હતું. બાજરાનું વાવેતર ૩.૯૪ લાખ હેક્ટરમાં થયું છે, જ્યારે મકાઈનું ૬.૬૨ લાખ હેક્ટર અને જુવારનું ૨૦,૦૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે. આ ઉપરાંત રાગીનું વાવેરત પણ ૨૫,૦૦૦ હેક્ટરમાં થયું છે.
તેલીબિયાં પાકોનું કુલ વાવેતર ૧૦.૯૮ લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે ૧૦.૫૪ લાખ હેક્ટરમાં થયું હતું. મગફળીનું વાવેતર ૫.૩૭ લાખ હેક્ટરમાં થયું હતું, જ્યારે તલનું ૪.૫૧ લાખ હેક્ટર અને સનફ્લાવરનું ૩૭,૦૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે. ગયા વર્ષે આ પાકનું વાવેતર ક્રમશઃ ૫.૭૭ લાખ હેક્ટર, ૪.૧૭ લાખ હેક્ટર અને ૫૧,૦૦૦ હેક્ટરમાં થયું હતું.
ડાંગરનું વાવેતર ૨૯.૭૧ લાખ હેક્ટરમાં થયું છે જે ગયા વર્ષે ૩૦.૮૩ લાખ હેક્ટરમાં થયું હતું. ચોખાના ભાવ નીચા હોવાથી ખેડૂતોએ ડાંગરના વાવેતરમાં કાપ મૂક્યો હતો. વળી છત્તીસગઢ સહિતના કેટલાક ઉનાળુ પાકોનું વાવેતર કરતા વિસ્તારમાં પાણીની પણ તંગી હોવાથી એની અસર પણ જોવા મળી હતી.

ઘઉંમાં ૪૦ લાખ ટનના નિકાસ સોદા થયા

દેશમાંથી છેલ્લા એક મહિનામાં ૨૦ લાખ ટન ઘઉંની નિકાસ થઈ ચૂકી છે, જ્યારે એનાથી બમણા નિકાસ વેપારો પણ ટ્રેડરોએ કરી લીધા છે.કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયનાં સત્તાવાર સૂત્રોનાં જણાવ્યાં મુજબ ભારતીય નિકાસકારોએ ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં કુલ ૪૦ લાખ ટનના નિકાસ કરારો કરી લીધા છે અને આગામી દિવસોમાં આ ઘઉંની નિકાસ થશે.ભારતીય ઘઉંની ટર્કીએ પણ આયાતની છૂટ આપી છે અને સાઉથ એશિયાના મોટા ભાગના દેશોમાં નિકાસ થઈ રહી છે.

રીટેલ સેક્ટરના ટેકે એપ્રિલમાં નવી ભરતીનો દર ૧૫ ટકા વધ્યો

રીટેલ સેક્ટરમાં કોરોના બાદ પ્રથમ વાર બે આંકડામાં વૃદ્ધિ જોવા મળી

બિઝનેસ સેન્ટિમેન્ટમાં સુધારો થવાથી સમગ્ર નવી ભરતીની માગમાં વધારો થયો છે જેમાં એપ્રિલમાં વાર્ષિક ધોરણે ૧૫ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જેની આગેવાની બૅન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા ક્ષેત્ર તેમ જ રીટેલ ક્ષેત્રમાં રિકવરી હતી, એમ સોમવારે એક અહેવાલમાં જણાવાયું હતું. સકારાત્મક બિઝનેસ સેન્ટિમેન્ટના પરિણામે ભારતે વાર્ષિક ધોરણે ૧૫ ટકા અને મહિને દર મહિને ચાર ટકાની વૃદ્ધિ નોંધાવી છે, એમ મોન્સ્ટર અૅમ્પ્લોયમેન્ટ ઇન્ડેક્સે જણાવ્યું હતું. મોન્સ્ટર ઇન્ડિયા દ્વારા ઑનલાઈન જૉબ પોસ્ટિંગ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. કોરોના બાદ પ્રોડક્શન અને મૅન્યુફૅક્ચરિંગ, મુસાફરી અને પ્રવાસન, આયાત અને નિકાસ જેવાં ક્ષેત્રોએ પણ બે વર્ષમાં પ્રથમ બે આંકડાની વાર્ષિક વૃદ્ધિ સાથે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે, એમ અહેવાલ આપે છે.

ડેટ મ્યુચ્યુઅલ ફન્ડમાં માર્ચ ક્વૉર્ટરમાં  ૧.૨ લાખ કરોડનું રોકાણ પાછું ખેંચાયું

ફિક્સ્ડ-ઇન્કમ સિક્યૉરિટીઝમાં રોકાણ કરવા પર કેન્દ્રિત મ્યુચ્યુઅલ ફન્ડ્સે માર્ચ ૨૦૨૨ના ત્રિમાસિક ગાળામાં લિક્વિડ, ટૂંકા ગાળા અને કૉર્પોરેટ બૉન્ડ ફન્ડ્સ જેવા સેગમેન્ટ્સમાંથી મોટા પાયે ઉપાડને પગલે કુલ ૧.૨ કરોડ રૂપિયાનાં નાણાં પાછાં ખેંચાયાં છે, એમ મૉર્નિંગસ્ટાર ઇન્ડિયાના અહેવાલમાં સોમવારે જણાવાયું હતું.
આનાથી અગાઉના નાણાકીય વર્ષમાં ૨.૩ લાખ કરોડ રૂપિયાના ચોખ્ખા પ્રવાહની સરખામણીએ ૨૦૨૧-’૨૨માં કૅટેગરીમાંથી ચોખ્ખું રોકાણ ૬૮,૪૭૧ કરોડ રૂપિયાનું પાછું ખેંચાયું છે.
ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ કૅટેગરીમાં ડિસેમ્બર ૨૦૨૧ના ત્રિમાસિક ગાળામાં ૨૧,૨૭૭ કરોડ રૂપિયાનું રોકાણ નોંધાવ્યું હતું.

બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, કરુર વૈશ્ય બૅન્કની લોન મોંઘી

રાજ્ય હસ્તકની બૅન્ક ઑફ મહારાષ્ટ્રે સોમવારે જણાવ્યું હતું કે તેમણે માર્જિનલ કોસ્ટ ઑફ ફન્ડિંગ બૅઝ્ડ લૅન્ડિંગ રેટ (એમસીએલઆર)ના દરમાં ૦.૧૫ ટકાનો વધારો કર્યો છે જ્યારે કરુર વૈશ્ય બૅન્કે બેન્ચમાર્ક વ્યાજદર ૭.૧૫ ટકાથી વધારીને ૭.૪૫ ટકા કર્યા છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્રે ૭ મેથી લાગુ પડે એ રીતે ધિરાણના દર વધાર્યા છે, જેમાં એક વર્ષનો બેન્ચમાર્ક દર ૭.૨૫ ટકાથી વધારીને ૭.૪૦ ટકા કર્યો છે. જ્યારે રેપો રેટ આધારિત ધિરાણદર ૬.૮૦ ટકાથી વધારીને ૭.૨૦ ટકા કર્યા છે.

રિલાયન્સે ઇટાલિયન કંપની ટોડ્સ સાથે કરાર

રિલાયન્સ બ્રૅન્ડ્સ લિમિટેડે સોમવારે જણાવ્યું હતું કે તેણે ભારતીય બજાર માટે ઇટાલિયન લક્ઝરી લાઇફસ્ટાઇલ બ્રૅન્ડના સત્તાવાર રીટેલર બનવા માટે ટોડ્સ સ્પા સાથે લાંબા ગાળાના ફ્રૅન્ચાઇઝી કરાર કર્યા છે. કરાર મુજબ, રિલાયન્સ ભારતીય બજારમાં ફુટવેર, હૅન્ડબૅગ્સ અને ઍક્સેસરીઝ સહિત તમામ શ્રેણીઓમાં બ્રૅન્ડની અધિકૃત રીટેલર છે, એમ સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે.

business news