દેશમાંથી ચોખાની વિક્રમી ૨૦૦ લાખ ટનની નિકાસનો અંદાજ

07 December, 2021 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાંથી એપ્રિલથી ઑક્ટોબરમાં ૯૦ લાખ ટન ઉપર નિકાસ સંપન્ન : ચીન, બંગલા દેશ અને આફ્રિકન દેશોની સારી માગથી નિકાસ વધશે

પ્રતીકાત્મક તસવીર

દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષમાં ચોખાની વિક્રમી ૨૦૦ લાખ ટનની નિકાસ થાય એવો અંદાજ નિકાસકારો વ્યક્ત કરી રહ્યા છે. ભારતીય ચોખાની હાલ વિશ્વના અનેક દેશોમાં ધૂમ માગ છે. ખાસ કરીને નૉન-બાસમતી ચોખાની હાલ સારી માગ હોવાથી કુલ નિકાસ વધી જશે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધીની સત્તાવાર નિકાસ જ ગત વર્ષની તુલનાએ ૫૦ ટકા વધારે છે.
ઑલ ઇન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ અસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિનોદ કૌલે જણાવ્યું હતું કે ખરીફ સીઝનમાં ચોખાનું ઉત્પાદન બમ્પર થયું છે અને આ વર્ષે પણ ઉત્પાદન ૧૦ કરોડ ટનને પાર પહોંચ્યું છે. ચાલુ સીઝનમાં પાછોતરો ભારે વરસાદ હોવા છતાં ડાંગરના પાકને ખાસ કોઈ નુકસાન થયું નથી. ચાલુ સીઝનમાં નિકાસ માગ સારી હોવાથી ઑક્ટોબર મહિના સુધીમાં જ ચોખાની કુલ નિકાસ ૯૦ લાખ ટન જેટલી થઈ ચૂકી છે. બાસમતી ચોખાની નિકાસ થોડી ઘટી છે, પરંતુ નૉન-બાસમતીની નિકાસમાં મોટો વધારો થયો છે.
બાસમતી ચોખાના ભાવમાં સરેરાશ ૨૦થી ૩૦ ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બરમાં પડેલા ભારે વરસાદને પગલે પાકને અસર થઈ હોવાથી ભાવ થોડા વધ્યા છે. ગત વર્ષે ચોખાના ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો ઘટાડો થયો હતો જેની તુલનાએ આ વર્ષે ભાવ વધ્યા છે.
વિનોદ કૌલે જણાવ્યું હતું કે ચોખાની કુલ નિકાસમાં બાસમતી ચોખાનો હિસ્સો બહુ ઓછો છે. કોરોના વાઇરસની અસર હોવા છતાં ચોખાની નિકાસ સારી માત્રામાં ચાલી રહી હતી જેને પગલે વિક્રમી નિકાસ થઈ રહી છે.
રાઇસ એક્સપોર્ટર્સ અસોસિએશનના પ્રમુખ બી. વી. ક્રિષ્ના રાઉંએ જણાવ્યું હતું કે દેશમાંથી ચાલુ વર્ષે સરળતાથી ચોખાની કુલ નિકાસ ૨૦૦ લાખ ટન પહોંચી જશે, જેમાં ૧૬૦ લાખ ટન જેટલી નિકાસ માત્ર નૉન-બાસમતી ચોખાની જ રહેશે, જ્યારે ૪૦ લાખ ટન જેવી બાસમતી ચોખાની નિકાસ થશે. ચોખા આવશ્યક ચીજવસ્તુ હોવાથી કોઈ દેશ એની આયાત પર પ્રતિબંધ મૂકી શકે એમ નથી. ભારતે છેલ્લાં બે વર્ષ દરમિયાન મહામારી હોવા છતાં વિક્રમી નિકાસ કરી છે. દેશમાંથી ગત વર્ષે ૧૪૦ લાખ ટન નૉન-બાસમતી ચોખાની નિકાસ થઈ હતી, જેમાં આ વર્ષે ૨૦ લાખ ટન જેવો વધારો જોવા મળશે.
રાઉંએ વધુમાં જણાવ્યું હતું કે ચીન પણ ભારતમાંથી ચોખાની ખરીદી કરી રહ્યું છે અને ગત વર્ષે ચીને કુલ ૧૦ લાખ ટન ચોખાની આયાત કરી હતી. ચાલુ વર્ષે આટલી જ માત્રામાં ચીન આયાત કરે એવી સંભાવના છે. બંગલા દેશે કુલ ૨૦ લાખ ટન ચોખાની ગત વર્ષે આયાત કરી હતી, એણે પણ જાન્યુઆરી મહિના સુધીના સારી માત્રામાં ઑર્ડર આપ્યા છે. આફ્રિકન દેશમાંથી પણ માગ સારી છે.
ભારતીય ચોખા હાલ વિશ્વના અનેક દેશોને બીજા દેશોની તુલનાએ લોજિસ્ટિક રીતે સસ્તા પડે છે અને ભારતના ભાવ પણ નીચા છે. ભારતીય ચોખાના નિકાસભાવ ૩૬૦ ડૉલર છે, જ્યારે થાઇલૅન્ડના ૩૮૦થી ૩૯૦ના ભાવ હતા. ૧૦૦ ટકા બ્રોકન ચોખાના ભાવ ૨૮૦ ડૉલર પ્રતિ ટન ચાલે છે, જે બીજા દેશોના ભાવ ૨૯૦ ડૉલર ચાલે છે. 

business news