ઘઉં-ચોખાનાં નિકાસ નિયંત્રણો સામે અમેરિકા સહિતના દેશોનો વિરોધ

20 September, 2022 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકા, યુરોપ અને સેનેગલ ડબ્લ્યુટીઓમાં મુદ્દો ઉઠાવશે: ચોખાના નિકાસ પ્રતિબંધથી વૈશ્વિક ફુગાવો વધુ ઊંચકાશે

પ્રતીકાત્મક તસવીર

વિશ્વના સૌથી મોટા નિકાસકાર દેશ એવા ભારતે તાજેતરમાં કેટલાક પ્રકારના ચોખાની નિકાસ પર પ્રતિબંધ અને ૨૦ ટકા નિકાસ ડ્યુટી નાખી હોવાથી અમેરિકા-યુરોપ સહિતના દેશોએ મોટા પાયે વિરોધ નોંધાવ્યો છે. આ દેશો દ્વારા વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)માં પણ આ મુદ્દો ગુંજ્યો છે.

ગુરુવારે એક બેઠકમાં અમેરિકા, યુરોપિયન યુનિયન અને સેનેગલે વૈશ્વિક બજારો પર નિર્ણયની પ્રતિકૂળ અસર વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું કે એ બજારની અસ્થિરતાનું કારણ બનશે અને વૈશ્વિક ખાદ્ય કટોકટી સામે લડવાના સામૂહિક પ્રયાસોને નબળો પાડશે.

ભારતે ઘઉં અને ઘઉંના લોટની નિકાસ પર પહેલાંથી જ નિયંત્રણો લાદી દીધાં છે. જીનિવાસ્થિત એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમેરિકાએ જણાવ્યું હતું કે ભારતની નિકાસનીતિ, તમામ સતત ફેરફારો સાથે, અનિશ્ચિતતાઓ ઊભી કરે છે અને ચોખાના નિકાસ પ્રતિબંધની વૈશ્વિક બજાર પર અસર પડશે.

ભારતના બ્રોકન ચોખા અને ચોખાનાં અન્ય ઉત્પાદનોના મુખ્ય આયાતકાર સેનેગલે ભારતને ખાદ્ય ચીજોના પૂરતા પ્રમાણમાં આ મુશ્કેલ સમયમાં નિકાસ ચાલુ રાખવા વિનંતી કરી હતી, એમ અધિકારીએ ઉમેર્યું હતું. એના પર ભારતે સ્પષ્ટ કર્યું કે તાજેતરના મહિનાઓમાં તેમની નિકાસમાં વધારો થવાને કારણે પોલ્ટ્રી ફીડમાં ઉપયોગમાં લેવાતા બ્રોકન ચોખા પર જ નિકાસ પ્રતિબંધ છે જેણે એના સ્થાનિક બજાર પર દબાણ કર્યું છે.

ઘઉંની નિકાસનાં પગલાં વિશે ભારત સરકારે કહ્યું કે તેઓ ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને કારણે જરૂરી છે અને એ મુક્તિ માટેની અન્ય સરકારોની વિનંતીઓને ધ્યાનમાં લેશે. અધિકારીએ કહ્યું, આ પગલાં અસ્થાયી પ્રકૃતિના છે અને સતત દેખરેખ હેઠળ છે. ભારતે કહ્યું કે ભારતની ખાદ્ય નિકાસ પર સભ્યોની સ્થિતિ સ્વયં વિરોધાભાસી હતી, કારણ કે તેઓ એની ખૂબ જ નિકાસ કરવા બદલ અને પછી ફરીથી નિકાસ બંધ કરવા બદલ ટીકા કરે છે.

બેઠકમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કૅનેડા, બ્રાઝિલ, ન્યુ ઝીલૅન્ડ, થાઇલૅન્ડ, પેરુગ્વે, ઉરુગ્વે અને જપાને વેપાર વિવાદો સામે કાર્યવાહી સામે તેના ખાદ્ય કાર્યક્રમોને સુરક્ષિત કરવા માટે શાંતિ કલમના ઉપયોગ વિશે ભારત સાથે પરામર્શ માટે વિનંતી કરી હતી. ભારતે ત્રીજી વખત, ડાંગરના ખેડૂતોને આપેલા સમર્થન પર ૧૦ ટકાની ટોચમર્યાદાને વટાવી દેવા માટે શાંતિ કલમનો ઉપયોગ કર્યો છે. આ કલમ હેઠળ ભારત સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી ભાવ જો ૧૦ ટકા કરતાં વધુ વધી જાય તો સરકાર કોઈ પગલાં લઈ શકે છે અને એની સામે ડબ્લ્યુટીઓના દેશો વિરોધ કરી શકતા નથી. ભારત સરકારે પોતાનો મજબૂત પક્ષ રાખીને પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. બીજી તરફ વિશ્વમાં વધતી મોંઘવારી સામે તમામ દેશો વ્યાજદર વધારી રહ્યા છે અને આર્થિક મંદી વકરી રહી છે ત્યારે ભારત જો નિકાસ નિયંત્રણો મૂકે તો વૈશ્વિક ફુગાવો વધુ વધશે એવી ચિંતા અમેરિકા સહિતના અનેક દેશો કરી રહ્યા છે.

business news united states of america commodity market