કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ રૂના પાકનો અંદાજ 4 લાખ ગાંસડી ઘટાડી ૩૫૬ લાખ ગાંસડી મૂક્યો

15 June, 2021 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂની નિકાસનો અંદાજ બે લાખ ગાંસડી વધારીને ૭૨ લાખ ગાંસડી મૂક્યો : ગુજરાતના રૂના પાકનો અંદાજ એક લાખ ગાસંડી અને તેલંગણાના પાકનો અંદાજ ત્રણ લાખ ગાંસડી ઘટાડ્યો

કૉટન

કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ દેશમાં રૂના પાકનો અંદાજ ચાલુ સીઝન વર્ષનો ચાર લાખ ગાંસડી ઘટાડીને ૧૭૦ કિલો ગાંસડી મુજબ ૩૫૬ લાખ ગાંસડીનો મૂક્યો છે, જે અગાઉ ૩૬૦ લાખ ગાંસડીનો મૂક્યો હતો.

કૉટન અસોસિએશન ઑફ ઈન્ડિયા દ્વારા નોર્થ ઝોનના અંદાજમાં કોઈ જ ફેરફાર નથી કર્યો, પરંતુ સેન્ટ્રલ ઝોનનો અંદાજ એક લાખ ગાંસડી ઘટાડીને ૧૯૪ લાખ ગાંસડીનો મૂક્યો છે. ગુજરાતના પાકનો અંદાજ એક લાખ ગાસંડી ઘટાડ્યો છે, જ્યારે સાઉથર્ન ઝોનનો અંદાજ ત્રણ લાખ ગાંસડી ઘટાડ્યો છે, જે ઘટાડીને ૯૧.૫૦ લાખ ગાંસડી મૂક્યો છે, જેમાં તેલંગણાનો જ ત્રણ લાખ ગાંસડી ઘટાડ્યો છે.

દેશમાં ઑક્ટોબર ૨૦૨૦થી મે ૨૦૨૧ દરમ્યાન રૂનો કુલ પુરવઠો ૪૭૩.૪૪ લાખ ગાંસડીનો રહ્યો છે, જેમાં રૂની આવક ૩૪૦.૧૯ લાખ ગાંસડીની ૩૧ મે અંત સુધીમાં થઈ છે, જ્યારે ૮.૨૫ લાખ ગાંસડીની આયાત થઈ છે. જ્યારે ઓપનિંગ સ્ટૉક ૧૨૫ લાખ ગાંસડીનો જાળવી રાખ્યો છે.
બીજી તરફ દેશમાં રૂની વપરાશ કુલ મે અંત સુધીમાં ૨૨૦ લાખ ગાંસડીની રહી છે, જ્યારે નિકાસ ૫૮ લાખ ગાંસડીની સંપન્ન થઈ ચૂકી છે. મેના અંતે કુલ સ્ટૉક હજી ૧૯૫.૪૪ લાખ ગાંસડીનો પડ્યો છે, જેમાં ૯૦ લાખ ગાંસડીનો સ્ટૉક મિલો પાસે અને ૧૦૫.૪૪ લાખ ગાસંડીનો સ્ટૉક સીસીઆઇ, મહારાષ્ટ્ર અને બીજી કંપનીઓ, જીનર્સ ટ્રેડર્સ પાસે પડ્યો છે.

કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું કે અસોસિએશન દ્વારા ચાલુ વર્ષની રૂની નિકાસનો અંદાજ પણ બે લાખ ગાંસડી વધારીને ૭૨ લાખ ગાંસડી મૂકવામાં આવ્યો છે. નિકાસકારો દ્વારા જે ફીડબેક મળ્યાં હતાં તેના આધારે એ ફેરફાર કરાયો છે. રૂના નવા અંદાજ મુજબ નિકાસ ગત વર્ષની તુલનાએ ૨૨ લાખ ગાંસડી વધુ થશે તેવો અંદાજ છે. ગત વર્ષે સીઝનમાં કુલ ૫૦ લાખ ગાંસડી રૂની નિકાસ થઈ હતી.

ચાલુ સીઝન વર્ષનાં અંતે કુલ સ્ટૉક ૯૪ લાખ ગાસંડીનો રહેવાનો અંદાજ અસોસિએશન દ્વારા મૂક્યો હતો.

business news