માર્કેટની તંદુરસ્તી માટે કરેક્શન છે જરૂરી, બાકી તેજીનો અન્ડરટોન જારી

23 November, 2020 12:08 PM IST  |  Mumbai | Jayesh Chitalia

માર્કેટની તંદુરસ્તી માટે કરેક્શન છે જરૂરી, બાકી તેજીનો અન્ડરટોન જારી

પ્રતીકાત્મક તસવીર

દિવાળી બાદ તરત જ નવી ટોચ બનાવીને બજાર તેજીના ટોન સાથે આગળ વધી રહ્યું છે. જોકે બજાર વધુ અને સતત ઊંચાઈનો ભાર ખમી શકે એમ નથી, પ્રૉફિટ બુકિંગ કરતા રહેવામાં સાર ગણાશે. હાલમાં તો બજાર વૅક્સિનની આશા અને કોરોનાના નવા આક્રમણના ભય વચ્ચે ઝોલાં ખાઈ રહ્યું છે. પ્રવાહિતા અને સેન્ટિમેન્ટ જોરમાં છે. હાલમાં બધા જ તેજીવાળા બની રહ્યા છે, જેથી અત્યારે ડરવા જેવું પણ ખરું. બજારની ભૂમિ લપસણી બની રહી છે, સંભાળીને ચાલજો

કોઈ પણ લપસણી ભૂમિ પર ચાલતી વખતે આપણે નૉર્મલ ચાલ ચાલી શકતા નથી. જો ચાલવા જઈએ તો પડ્યા વિના ન રહીએ. ભારતીય શૅરબજારની ચાલ હાલમાં કંઈક આવી જ કહી શકાય. વીતેલું સપ્તાહ એકંદરે તેજીતરફી રહ્યું હતું. એક વાર જોરદાર કરેક્શન આવ્યું હતું, આમ પણ માર્કેટમાં કરેક્શન પાકી જ ગયું હતું. જો કરેક્શન ન આવે તો કોરોના કરતાં પણ માર્કેટના અણધાર્યા કડાકાનો ભય વધી જાય, જેમ અગાઉ વાત કરી એમ માર્કેટ વધુ ઊંચાઈનો ભાર ખમી શકે એમ નથી. હાલમાં માર્કેટની તંદુરસ્તી માટે કરેક્શન સાચી દવા છે. વૅક્સિનની આશા બજારને નવી શક્તિ કે ઇમ્યુનિટી આપી રહી છે. આ સંભવિત સફળતા આર્થિક પ્રવૃતિને રૉકેટ ગતિ આપી શકે છે.
ગ્લોબલ નાણાસંસ્થા મૉર્ગન સ્ટેનલીએ આગામી ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં સેન્સેક્સ ૫૦,૦૦૦ થઈ જવાની ધારણા જાહેર કરી છે. જોકે હાલમાં તો તેજીનો જુવાળ એવો છે કે આગામી છ મહિનામાં પણ સેન્સેક્સ ૫૦,૦૦૦ થઈ જાય તો ય નવાઈ લાગે નહી. બધાને તેજી જ તેજી દેખાય છે. ભારતીય મૂડીબજાર પ્રત્યેનું વલણ એકદમથી પૉઝિટિવ થવા લાગ્યું છે. આપણે ગયા વખતે એક વાત કરી હતી કે ‘જબ રાત હૈ ઈતની મતવાલી, ફીર સુબહ કા આલમ કયા હોગા’. શૅરબજારમાં દરેક જણ એકબીજાને શૅર ખરીદતા જવાની ભલામણ કરવા લાગ્યા છે. આ ઘટનાને આમ તો સાચવવાના કે સતર્ક થવાના સંકેત પણ ગણાય.
નફો ઘરમાં લેતા જવું
ગયા સોમવારે તો માર્કેટ નવા વરસ નિમિત્તે બંધ રહ્યું હતું, પરંતુ મંગળવારે ફરી તેજીના ટ્રેન્ડ સાથે શરૂ થઈ સેન્સેક્સ ૩૧૫ પૉઇન્ટ વધીને ૪૩,૯૫૨ બંધ રહ્યો હતો અને નિફ્ટી ૯૪ પૉઇન્ટ વધીને ૧૨,૮૭૪ બંધ રહ્યો હતો. સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સ પણ વધ્યા હતા. માર્કેટ કૅપ સવા લાખ કરોડ રૂપિયા વધ્યું હતું. બુધવારે કરેક્શન સાથે બજારે આરંભ કર્યો હતો, પરંતુ પછીથી બજારે પૉઝિટિવ ટર્ન લઈને રિકવરી નોંધાવી હતી. આમ માર્કેટ સતત નવી ઊંચાઈ તરફ આગળ વધ્યું હતું. સેન્સેક્સ ૨૨૭ પૉઇન્ટ વધીને ૪૪,૦૦૦ને પાર કરી ૪૪,૧૮૦ બંધ રહ્યો અને નિફ્ટી ૬૪ પૉઇન્ટ વધીને ૧૨,૯૩૮ બંધ રહ્યો હતો. જોકે બજારને હવે વધુ પડતી ઊંચાઈનો ભાર લાગતો હોવો જોઈએ, કારણ કે અમુક હદ સુધી આ ઊંચાઈ પોકળ છે, જે ગમે ત્યારે ગબડી શકે છે, જેથી રોકાણકારોએ પ્રૉફિટ બુકિંગ કરતા રહેવું જોઈએ એવી માન્યતા વધતી રહી છે. માર્કેટની આટલી ઊંચી રિકવરી બાદ ગમે ત્યારે કડાકા સ્વરૂપે કરેક્શન આવી શકવાની ઘટના બની શકે છે. અલબત્ત, કરેક્શન બાદ પણ રિકવરી નક્કી મનાય છે. તેમ છતાં, શાણા ઇન્વેસ્ટરો કમસે કમ આંશિક નફો ઘર કરી લેવામાં ડહાપણ સમજે છે.
સેન્સેક્સ ૪૪,૦૦૦ની પાર
બુધવાર સુધીના ટ્રેન્ડને જોઈ ગુરુવાર માટે કરાયેલી ધારણા સાચી પડી. મોટું કરેક્શન આવી ગયું. માર્કેટની શરૂઆત ફ્લૅટ અને નેગેટિવ થઈ હતી, જે પછીથી પૉઝિટિવ બની અને ત્યાર બાદ માર્કેટ ફરી નકારાત્મક બન્યું હતું. આમ વૉલિટિલિટીનું વલણ ચાલુ રહ્યું હતું. જોકે બપોર બાદ માર્કેટ સડસડાટ તૂટવા લાગ્યું હતું. એકસાથે ભારે વેચવાલીનું દબાણ આવતાં સેન્સેક્સમાં ૫૮૦ પૉઇન્ટનો અને નિફ્ટીમાં ૧૬૬ પૉઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સ ૪૪,૦૦૦થી નીચે ઊતરીને ૪૩,૫૯૯ થઈ ગયો હતો, જ્યારે નિફ્ટી ૧૨,૭૭૧ બંધ આવ્યો હતો, જે ૧૩,૦૦૦ની નજીક પહોંચી ગયો હતો. લક્ષ્મી વિલાસ બૅન્ક નબળી પડતાં રિઝર્વ બૅન્ક દ્વારા એના પર મુકાયેલા અંકુશોની અસર હતી. આ બૅન્કના ખાતેદારો પર નાણાં ઉપાડ માટે મર્યાદા આવી જતાં ગભરાટ ફેલાયો હતો. રિઝર્વ બૅન્કે લોકોનાં નાણાં સલામત હોવાનું નિવેદન કરવા છતાં ખાતેદારોમાં પૅનિક હતું, કારણ કે પીએમસી બૅન્ક વખતે પણ આવી જ શરૂઆત થઈ હતી. આ ઘટનાની ભારે અસર બૅન્ક સ્ટૉક્સ પર પડી હતી. આમ પણ બૅન્ક સ્ટૉક્સનું ઇન્ડેક્સમાં ઊંચું વેઇટેજ હોવાથી કડાકો પણ મોટો થયો. ગુરુવારે ગ્લોબલ સંકેત પણ નકારાત્મક રહ્યા હતા તેમ જ પ્રૉફિટ બુકિંગની ભૂમિકા પણ મોટી રહી હતી.
ગુરુવારનો કડાકો યુએસ અને જપાનમાં કોરોનાના સંક્રમણના ભય અને એને પગલે આવેલા અંકુશોને લીધે હતો તેમ જ નફો બુક થવાનું કારણ પણ હતું, જેથી શુક્રવારે પણ બજારની શરૂઆત કંઈક ઠંડી જ થઈ હતી. કરેક્શન પણ આગળ વધ્યું હતું. જોકે ટ્રેડિંગના મધ્ય સમય સુધીમાં તો માર્કેટે પૉઝિટિવ ટર્ન લઈ લીધો હતો અને અંત સુધીમાં સેન્સેક્સ ૨૮૨ પૉઇન્ટ વધીને ૪૩,૮૮૨ બંધ રહ્યો અને નિફ્ટી ૮૭ પૉઇન્ટ વધીને ૧૨,૮૫૯ બંધ રહ્યો હતો. ખાસ કરીને બૅન્ક સ્ટૉક્સમાં જબ્બર સુધારો બજારને રિકવરી તરફ લઈ ગયો હતો.
બજારની નજર કયાં
આગામી સમયમાં બજારનું ધ્યાન કોરોનાના સંક્રમણના સંભવિત વધતા વ્યાપ, વૅક્સિનનો અમલ અને સંભવિત સફળતા તથા યુએસ પૅકેજ પર રહેશે. આ ત્રણ પરિબળ બજારને ઊંચે-નીચે કર્યાં કરશે. જોકે મોટું કરેક્શન એ ખરીદવાની તક હશે અને મોટી રિકવરી પ્રૉફિટ બુકિંગનો અવસર હશે. બાકી જેઓ લૉન્ગ ટર્મમાં અતૂટ વિશ્વાસ રાખનારા છે, તેઓ હોલ્ડ કરે અથવા નફો લીધા બાદ સમયસર નવી ખરીદી કરે એમાં શાણપણ રહેશે. હાલ તો બધાને ખરીદી કરવી છે. એકબીજાને ટિપ્સ આપવાનું શરૂ થઈ ગયું છે.
ભારત માટે આશા-નિરાશાના મત
બૅન્ક ઑફ અમેરિકાએ તાજેતરમાં કરેલા એક વ્યાપક અભ્યાસ મુજબ ફંડ મૅનેજર્સ આ વખતે શૅરબજાર માટે વિશેષ આશાવાદી છે. આ આશાવાદ મુખ્યત્વે યુએસ ઇલેક્શનના પરિણામ અને વૅક્સિનની અપેક્ષાએ સર્જાયો છે અને વધ્યો છે. મૉર્ગન સ્ટેનલીએ સેન્સેક્સ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં ૫૦,૦૦૦ને પાર કરી જશે એવી આગાહી કરી છે. બીજી બાજુ ઑક્સફર્ડ ઇકૉનૉમિક્સે ભારતીય અર્થતંત્ર માટે નિરાશાવાદી સૂર વ્યક્ત કર્યો છે. કોરોનાની મહામારીની અસર ભારતના અર્થતંત્રએ ૨૦૨૫ સુધી ભોગવવી પડશે એવો મત દર્શાવાયો છે. આગામી ચાર વરસ ભારત ૪.૫ ટકાના દરે જ વિકાસ કરી શકશે, જે અગાઉ ૬.૫ ટકાના દરે વિકસવાની ધારણા મુકાઈ હતી. દરમ્યાન ગોલ્ડમૅન સાક્સે નાણાકીય વરસ ૨૦૨૦-૨૧ માટે ભારતીય જીડીપીના ઘટાડાનો અંદાજ નીચે લાવવાની જાહેરાત કરી છે. અગાઉ જીડીપી ૧૪.૮ ટકા જેટલો સંકોચાવાનો અંદાજ હતો એ ઘટાડીને ૧૦.૩ ટકા કરાયો છે. આમ એક તરફ ગ્લોબલ સંસ્થાઓ ભારત માટે ઊંચો આશાવાદ બાંધે છે તો બીજી તરફ નિરાશાવાદ પણ વ્યક્ત કરે છે. આવી બાબતો રોકાણકારોમાં મુંઝવણ ઊભી કરે એ સ્વાભાવિક છે.
વૅક્સિન અને સેકન્ડ વેવ
બજાર સામે એક મોટી નેગેટિવ બાબત કોરોનાના સેકન્ડ વેવ (પુનઃ આક્રમણ)ની શક્યતાની છે, જ્યારે બીજી બાજુ માર્કેટ માટે સૌથી પૉઝિટિવ બાબત વૅક્સિનની સંભવિત સફળતાની બની શકે છે. વૅક્સિન વિશે હાલમાં ભિન્ન મત પ્રવર્તી રહ્યા છે. તેમ છતાં, વૅક્સિનને કારણે આશા તો જાગી જ છે, હવે એની સફળતા અને મહત્તમ લોકો સુધી એનું અસરકારક રીતે પહોંચવું એ મોટું પરિબળ છે. યુએસ, યુરોપ, જપાન બાદ હાલ તો આપણા દેશના ચોક્કસ ભાગોમાં પણ કોરોનાના સેકન્ડ વેવનો ભય ફેલાવાનો શરૂ થયો છે. સરકાર તરફથી નવા અંકુશ આવી રહ્યા છે. અલર્ટના સંકેત ઉપરાંત ટેસ્ટિંગના વ્પાપક પ્રયોગ પણ ચાલી રહ્યા છે.
વૅક્સિન ૨૦૨૦ના અંત સુધીમાં જ માર્કેટમાં આવી જશે એવી વાતો સતત પ્રસરી રહી છે. ચોક્કસ ફાર્મા કંપનીઓએ દાવા શરૂ કરી દીધા છે. વૅક્સિનના ચોક્કસ સ્તરે પ્રયોગ પણ શરૂ થઈ ગયા હોવાનું ચર્ચામાં છે. વૅક્સિનનું પરિબળ માર્કેટમાં પૉઝિટિવ પરિણામ આપે એવી ધારણા વધી છે. આ સેન્ટિમેન્ટ બજારને ઉપર ખેંચવામાં મહત્ત્વનું બની રહ્યું છે.

business news jayesh chitalia