હીરાઉદ્યોગને પણ કોરોનાનો ફટકો : વેચાણ ગત વર્ષ સામે 94 ટકા ઘટી ગયું

18 July, 2020 12:01 PM IST  |  Mumbai | Mumbai correspondent

હીરાઉદ્યોગને પણ કોરોનાનો ફટકો : વેચાણ ગત વર્ષ સામે 94 ટકા ઘટી ગયું

હીરા

કોરોના મહામારી અને તેના કારણે લૉકડાઉનની અસર જેમ ઘરેણાનાં વેચાણ પર જોવા મળી રહી છે તેનાથી વધારે તીવ્ર રીતે તેની અસર હીરાની બજારમાં જોવા મળી રહી છે. વિશ્વના ટોચના ડાયમંડ ઉત્પાદકો ડી બિયર્સ અને રશિયાની અલરોસા પીઆઇએસસીઅે એપ્રિલથી જૂન દરમ્યાન લગભગ નહીં જેવા રફ ડાયમંડનું વેચાણ કર્યું છે. એપ્રિલ – જૂન ૨૦૧૯ દરમ્યાન વેચાણ ૨.૧ અબજ ડૉલરનું હતું જે આ વર્ષે માત્ર ૧૩ કરોડ ડૉલરનું થયું છે. એટલે કે ૯૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

મહામારીના કારણે ડાયમંડની બજાર અટકી પડી છે. જ્વેલરીના શો રૂમ બંધ હતા, કટર અને પૉલિશિંગ એકમો બંધ હતા, વૈશ્વિક રીતે પ્રવાસ બંધ છે અને તેના કારણે ઉદ્યોગ પડી ભાંગ્યો છે. આ સ્થિતિમાં મોટા ઉત્પાદકોએ ભાવ નહીં ઘટાડવાનું નક્કી કરી બજારમાં ટકી રહેવાનું પગલું ભર્યું છે.

ઉત્પાદન ઘટાડી હાથ ઉપરનો સ્ટૉક કાબૂમાં લેવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે પણ બજારો બિલકુલ બંધ હોવાથી સ્ટૉક વધી રહ્યો છે. રફ ડાયમંડના વેચાણ માટેના નિયમોમાં ફરજિયાત ફેરફાર કરવાની ફરજ પડી છે. ડી બિયર્સ અને અલરોસાએ ખરીદનાર લોકો પોતાની રીતે કોઈ પણ જગ્યાએ હીરો જોઈ શકે એવી વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. અત્યાર સુધી ઑકશન પહેલાં કોઈ ચોક્કસ સ્થળે કંપનીની નિયત જગ્યાએ જ હીરાનું પ્રદર્શન અને નિરીક્ષણ કરવા મળતું હતું.

ડી બિયર્સ આ વર્ષે ૨.૫ કરોડથી ૨.૭ કરોડ કેરેટ ડાયમંડનું ઉત્પાદન કરશે જ્યારે અલરોસા ૨.૮ કરોડથી ૩.૧ કરોડ કેરેટનું ઉત્પાદન કરવાનું વિચારી રહ્યું છે. અલરોસા પાસે હાલ હાથ ઉપર તો ૨.૬૩ કરોડ કેરેટનો સ્ટૉક પણ પડેલો છે.

પ્રથમ છ મહિનામાં કોરોના મહામારીના કારણે વેચાણ ઉપર અસર પડી છે અને આગામી છ મહિના પણ પડકારજનક રહે તેવી શક્યતા છે. અમેરિકા ૫૦ ટકા ડાયમંડનું વેચાણ ધરાવે છે. ભારતના સુરતમાં વિશ્વના ૯૦ ટકા રફ ડાયમંડનું પૉલિશિંગ થાય છે. અમેરિકા અને સુરત બન્નેમાં અત્યારે કોરોનાની ભારે અસર જોવા મળી રહી છે. બન્ને સ્થળે કોરોનાના કેસ વધી રહ્યા છે અને નવા લૉકડાઉનના નિયમો અમલમાં આવી રહ્યા છે. એવી ધારણા છે કે ડાયમંડ બજારમાં માગ હવે વર્ષના અંત સુધી પરત આવશે નહીં.

કટ પૉલિશ્ડ ડાયમંડમાં ભારતની નિકાસ અડધી થઈ ગઈ

ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ જૂનમાં પૂરા થયેલા ક્વૉર્ટરમાં ૫૫ ટકા ઘટી માત્ર ૨.૭૫ અબજ ડૉલર રહી છે. આવી જ રીતે કટ અને પૉલિશ્ડ ડાયમંડની નિકાસ પણ ૫૦ ટકા ઘટી માત્ર ૧.૮ અબજ ડૉલર રહી હોવાનું જેમ્સ અૅન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું. ભારતમાં અત્યારે ઉત્પાદન માત્ર ૧૦ કે ૨૦ ટકા કામદારોથી થઈ રહ્યું છે અને માગ નહીં હોવાથી ઉત્પાદન વધારવા કોઈ રસ જોવા મળી રહ્યો નથી. 

business news coronavirus