કોરોના ઇફેક્ટ : દેશમાં દર ત્રીજું એમએસએમઈ બંધ થઈ જશે

03 June, 2020 07:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોરોના ઇફેક્ટ : દેશમાં દર ત્રીજું એમએસએમઈ બંધ થઈ જશે

એમએસએમઈ

કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આત્મનિર્ભર ભારત પૅકેજમાં લઘુ અને મધ્યમ કદ (એમએસએમઈ) એકમો માટે જાહેર કરેલા પૅકેજની જાહેરાતોને મંજૂરી આપી એના બીજા જ દિવસે આ ક્ષેત્રમાંથી મોકાણના સમાચાર આવ્યા છે. એટલું જ નહી, ઑલ ઇન્ડિયા મૅન્યુફૅક્ચરર્સ ઑર્ગેનાઇઝેશન એક નિવેદનમાં જણાવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાં અપૂરતાં છે અને એનાથી બહુ મોટો ફાયદો થશે નહીં.

ઑલ ઇન્ડિયા મૅન્યુફૅક્ચરર્સ ઑર્ગેનાઇઝેશન દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વે અનુસાર લગભગ ૩૫ ટકા કે દર ત્રણ એકમમાંથી એક એમએસએમઈ કાયમી ધોરણે બંધ કરવાનું વિચારી રહ્યા છે. તેમના સર્વેમાં ૩૭ ટકા સેલ્ફ એમ્લૉઈડ એકમોએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસના કારણે આર્થિક ગાડી ફરી પાટા પર ચડે એવી શક્યતાઓએ ધૂંધળી થઈ રહી છે. આ સર્વે દેશભરના ૪૬,૫૨૫ એકમો થકી કરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર ૩૫ ટકા એમએસએમઈ, ૩૭ ટકા જેટલા સેલ્ફ એમ્લૉઈડ કાયમી ધોરણે ધંધો બંધ કરવાનું વિચારી રહ્યા છે અથવા તો તેમણે ધંધો બંધ કરવાની કામગીરી ંશરૂ કરી દીધી છે. વધુમાં ૩૨ ટકા એમએસએમઈ એકમો માને છે કે આર્થિક ગતિવિધિઓ પુનઃ પહેલાં જેવી થતાં છ મહિના જેટલો સમય લાગશે અને માત્ર ૧૨ ટકા એવું માને છે કે ત્રણ મહિનામાં સ્થિતિ પૂર્વવત્ થઈ જશે.

સર્વેનાં અન્ય તારણો

બેરોજગારી

માઈક્રો સેગ્મેન્ટમાં ૩૨ ટકા એકમોમાં રોજગારીને નુકસાન

લઘુ એકમોમાં ૩૫ ટકા એકમોમાં રોજગારી ગઈ

મધ્યમ એકમોમાં ૨૪ ટકામાં રોજગારી ગઈ

વેપારીઓ કે ટ્રેડરમાં ૪૩ ટકામાં રોજગારીને નુકસાન

નફા શક્તિ

૭૦ ટકા વેપારીઓએ ઓપરેટીંગ લેવલ ઉપર ખોટ કરી

માઈક્રો એકમોમાં ૪૩ ટકા એકમોએ ઓપરેટીંગ લેવલ ઉપર ખોટ કરી

લઘુ એકમોમાં ૩૫ ટકા એકમોને ખોટ

માધ્યમ કદના એકમોમાં ૨૪ ટકા નફો ઘટ્યો

business news