ક્રૂડ ઑઇલના ભાવમાં કડાકોઃ 18 વર્ષની નીચી સપાટીએ

31 March, 2020 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રૂડ ઑઇલના ભાવમાં કડાકોઃ 18 વર્ષની નીચી સપાટીએ

ક્રૂડ ઑઇલ

વૈશ્વિક મંદીનાં પગરણ જોવા મળી રહ્યાં છે ત્યારે માગ કરતાં વધેલા પુરવઠા અને સાઉદી અરબ અને રશિયા વચ્ચે ચાલી રહેલા ક્રૂડના ભાવના યુદ્ધના કારણે ક્રૂડ ઑઇલના ભાવ સતત ઘટી રહ્યા છે. ગઈ કાલે અમેરિકામાં વેસ્ટર્ન ટેક્સસ વાયદો એક તબક્કે ૨૦ ડૉલર પ્રતિ બેરલની નીચે પહોંચ્યો હતો જે છેલ્લાં ૧૮ વર્ષની સૌથી નીચી સપાટી છે.

લંડન ખાતે બ્રેન્ટ ક્રૂડ વાયદો ૨.૦૯ ડૉલર કે ૮.૪૦ ટકા ઘટી ૨૨.૮૪ની સપાટીએ છે જે એક તબક્કે નવેમ્બર ૨૦૦૨ની ૨૨.૫૮ ડૉલર પ્રતિ બેરલની નીચી સપાટી કરતાં પણ ઘટી ગયો હતો. વેસ્ટર્ન ટેક્સસ વાયદો નાયમેક્સ ખાતે એક તબક્કે ૧૯.૯૨ ડૉલર થઈ અત્યારે ૧.૧૧ ડૉલર કે ૫.૨૦ ટકા ઘટી ૨૦.૪૦ ડૉલર પ્રતિ બેરલની સપાટી પર છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડના વાયદાઓમાં નજીકના વાયદા કરતા દૂરના વાયદામાં ભાવ વધારે નીચે છે જેને કોન્ટાન્ગો કહેવાય. મે ૨૦૨૦ના વાયદા કરતાં નવેમ્બર ૨૦૨૦ના વાયદામાં ભાવ ૧૩.૪૫ ડૉલર પ્રતિ બેરલ નીચા છે. નવેમ્બર વાયદો ૧૨.૮૫ ડૉલર જેટલો છે. સામાન્ય રીતે વાયદામાં ભાવ હાજર કરતાં ઘણા ઊંચા હોય છે અને જેમ વાયદો દૂરના મહિનાનો એમ ભાવ ઊંચા, કારણ કે ખરીદનાર એવી આશા રાખે છે કે ભવિષ્યમાં ભાવ વધી શકે છે.

ક્રૂડ ઑઇલના ભાવ એટલા નીચા સ્તરે છે કે હવે ઘણા ઉત્પાદકો માટે એમાં નફો રહ્યો નથી. ક્રૂડ ઑઇલ બહાર કાઢવાના ઉત્પાદન ખર્ચ કરતાં એનો વેચાણભાવ ઘણો નીચો છે અને એના કારણે ઘણું ઉત્પાદન બંધ થઈ શકે છે. કોરોના વાઇરસના કારણે લગભગ ત્રીજા ભાગના દેશોમાં લૉકડાઉનની સ્થિતિ છે એટલે લોકો વાહનોનો ઉપયોગ કરી રહ્યા નથી. વૈશ્વિક રીતે ઍરલાઇન્સની ક્ષમતા પણ ઘટી ગઈ છે એટલે ક્રૂડની માગ ઘટી રહી છે. બીજું, વૈશ્વિક રીતે આર્થિક મંદી આવે ત્યારે ફ્યુઅલની માગ ઘટી શકે છે અને એની દહેશતથી પણ ક્રૂડ ઑઇલ સતત ઘટી રહ્યું છે.

રશિયા અને સાઉદી અરબ વચ્ચે ઉત્પાદન ઘટાડી નાખવાની વાટાઘાટ પડી ભાંગ્યા પછી આ વર્ષે ક્રૂડ ઑઇલના ભાવ ૬૦ ટકા ઘટી ગયા છે. અમેરિકાની મધ્યસ્થીનો બન્ને દેશોએ ઇનકાર કર્યો છે અને બન્ને દેશ પોતાની રીતે પણ વાતચીત કરવા તૈયાર નથી એટલે માનસ વધારે ખરડાયું છે. કોરોના વાઇરસની અસરના કારણે ક્રૂડની વૈશ્વિક માગ ગયા વર્ષ કરતાં ૨૦ ટકા જેટલી ઘટી પ્રતિદિન માત્ર ૧.૫૦ કરોડ કે બે કરોડ બેરલ રહે એવી શક્યતા છે.

business news