કોરોના-કેસો વધતાં શૅરોમાં કરેક્શન : રૂપિયામાં સીમિત રેન્જમાં કારોબાર

20 July, 2020 03:12 PM IST  |  Mumbai Desk | Biren Vakil

કોરોના-કેસો વધતાં શૅરોમાં કરેક્શન : રૂપિયામાં સીમિત રેન્જમાં કારોબાર

પ્રતીકાત્મક

કોરોના વૅક્સિન વિશેની તડામાર તૈયારીઓ અને અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનું કાઉન્ટડાઉન બેઉ મોરચે રેસ જામી છે. ઑપિનિયન પોલ મુજબ ડેમોક્રૅટિક ઉમેદવાર જો બિડેન અત્યારે રેસમાં આગળ હોવાનું કહે છે. જોકે બેઉ ઉમેદવારો વચ્ચે અમેરિકા માટે પોતે શું કરી શકે છે એની ચર્ચા થશે ત્યારે ટ્રમ્પનો સામનો કરવો બિડેન માટે અઘરો હશે. બિડેનના ટૅક્સ રિટર્ન, તેના પુત્ર હંટર બિડેનના યુક્રેન સાથેના વેપાર, બિડેનની માનસિક તંદુરસ્તી જેવા અંગત અટૅક આવશે. ચારિત્ર્ય હનન, સોશ્યલ મીડિયા કૅમ્પેન, ટ્રોલિંગ અને ઘણું બધું. આ ચૂંટણીમાં ધિક્કારની રાજનીતિ નવા-નવા કીર્તિમાન સર્જશે. ચૂંટણી પછી જે કંઈ પરિણામ આવે એને વિપક્ષ સ્વીકારશે નહીં. બન્ને પક્ષોએ વકીલોની ફોજ તૈયાર રાખી દીધી છે.
વૅક્સિન મામલે બહુ બધા દેશો રેસમાં છે. બે સમાંતર પ્રોજેકટ ચાલી રહ્યા છે. મેઇનસ્ટ્રીસ ફાર્મા કંપનીઓ અને કૉર્પોરેટ સેક્ટર વૅક્સિન માટે રેસમાં છે. બીજી બાજુ, ટ્રમ્પના વિશ્વાસુ માણસની દેખરેખમાં ઑપરેશન વાર્પસ્પિડ નામનો સમાંતર વૅક્સિન પ્રોજેક્ટ ચાલુ છે. એમાં મિલિટરી, ખાનગી રોકાણકારો અને અમુક ફાર્મા કંપની સામેલ છે. કોરોના મામલે ટ્રમ્પને ચીન, વિશ્વ આરોગ્ય સંસ્થા અને અમેરિકાના રોગનિયંત્રણ વિભાગ-સીડીસીના વડા એડવર્ડ ફોસી પર ભરોસો નથી. કોરોનાના સેકન્ડ વેવ પછી ટ્રમ્પે કહ્યું છે કે કોરોનાના ડેટા પહેલાં ટ્રમ્પ વહીવટી તંત્રને આપવા, પછી સીડીસીને આપવા. વૅક્સિન પાછળ કુટીલ રાજનીતિ અને કુટીલ અર્થનીતિ દેખાય છે. વૅક્સિન મામલે મોટી જૂથબંધી છે. ટ્રમ્પને ચૂંટણી પહેલાં વૅક્સિન લાવવી છે. વિરોધી જૂથને ચૂંટણી પછી વૅક્સિન લાવવી છે, આવી શંકા પડે છે.
બજારની વાત કરીએ તો રૂપિયો ૭૪.૭૦-૭૫.૧૦ની સીમિત રેન્જમાં અથડાય છે. સોનું, પેટ્રોપેદાશો, વપરાશી વસ્તુની આયાતમાં મોટો ઘટાડો થતાં ચાલુ ખાતામાં ૨૦૦૪ પછીની ઊંચામાં ઊંચી પુરાંત દેખાય છે. જિયો પ્લૅટફૉર્મમાં ફેસબુક, કેકેઆર, વિસ્ટા, ઇન્ટેલ જેવા રોકાણકારો આવ્યા પછી હવે ગૂગલે પણ ૩૩,૦૦૦ કરોડ રૂપિયાનું કમિટમેન્ટ આપ્યું છે. આગામી દિવસોમાં અન્ય ટેક્નૉલૉજી કંપનીઓ પણ ભારતમાં ઇક્વિટી કે અન્ય રીતે રોકાણ વધારે તો ડૉલરનો પુરવઠો વધે. રેટિંગ ડાઉનગ્રેડની ભીતિ ફગાવી રૂપિયો સુધરી પણ શકે. વૈશ્વિક સંદર્ભે વાત કરીએ તો કૅપિટલ ફ્લો બહુ ચંચળ છે. પાઉન્ડ અને યુરોના છેલ્લા છ માસની મૂવમેન્ટ પરથી આ ચંચળતાનો ખ્યાલ આવી શકે. પાઉન્ડમાં ૧.૩૫થી ૧.૧૨૦ સુધી અને યુરોમાં ૧.૦૬થી ૧.૧૬ જેવી મોટી મૂવમેન્ટ આવી છે. રૂપિયાની ઓવરઑલ રેન્જ ૭૪.૪૦-૭૬.૬૦ ગણી શકાય. પાઉન્ડમાં ૧.૨૩૩૦-૧.૨૬૬૦, યુરોમાં ૧.૧૨૨૦-૧.૫૩૦ રેન્જ ગણાય. યેનની રેન્જ ૧.૫-૧.૦૮ છે. યુરોપમાં પાઉન્ડ અને યુરો વધ્યા હતા. મંદીની અસર ખાળવા ૭૫૦ બિલ્યનના સ્ટિમ્યુલસ પૅકેજ માટે વાટાઘાટો ચાલુ છે. ઈસીબીની નાણાનીતિ ઘણી હળવી રહી છે. આગળ જતા બોન્ડબાઇંગ વધશે.
અમેરિકામાં કોરોનાના કેસો ફરી વધતાં અમુક રાજયોમાં ફરી મર્યાદિત લૉકડાઉન આવ્યા છે. કેસો વધવા છતાં મરણદર નીચો ગયો છે. અમુક દવાઓને ઇમર્જન્સીમાં વાપરવાની મંજૂરીઓ અપાઈ છે, એની પણ સારી અસર પડી છે. ટેક્નૉલૉજી શૅરો ઓવરબોટ હોવાથી કરેક્શન દેખાયું હતું. ડોલેક્સ પણ કમજોરી હતો. અમેરિકાની બજેટખાધ અને દેવું રૉકેટ ગતિએ વધી ગયાં છે. અમેરિકાને બદલે કોઈ અન્ય દેશ હોત તો રેટિંગ ટ્રિપલ-એમાંથી ડબલ-એ કે સીંગલ-એ બની ગયું હોત.
ચીનમાં શૅરબજાર અને કૉમોડિટીમાં ધુંઆધાર તેજીને સરકારી આશીવાર્દ હોવાથી રિયલ એસ્ટેટમાં પણ તેજી દેખાતાં સરકાર થોડી સતર્ક થઈ હોવાના પૉલિસી સંકેતો મળે છે. અમેરિકાની ચૂંટણીઓથી એશિયાને મર્યાદિત અસર થશે એવી ગણતરીએ મૂડી એશિયામાં આવે છે. ચીની બોન્ડ બજારમાં યુરોપિયન મૂડી નોંધપાત્ર પ્રમાણમાં આવવા લાગી છે. ઇમર્જિંગ એશિયાની કરન્સીમાં સુધારો છે.

business news