ચીનમાં ભારે વરસાદને પગલે કોપર વાયદો છ સપ્તાહની ટોચે

27 July, 2021 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લંડન કોપર વાયદો વધીને ૯૭૦૦ ડૉલરની નજીક પહોંચ્યો

ચીનમાં પૂરે કરી હાલત કફોડી - તસવીર - એએફપી

ચીનમાં ગત સપ્તાહે આવેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે મેટલ બજારમાં તેજીનાં મોજાં ઊછળવા લાગ્યાં છે. ચીનમાં પૂરને કારણે માળખાગત સુવિધાઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે તેને ફરી બાંધવા માટે મેટલનો વપરાશ વધશે એવી સંભાવનાએ લંડન કોપર વાયદો વધીને છ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર વાયદો વધીને ૯૬૬૫ ડૉલર પ્રતિ ટનની સપાટી પર પહોંચ્યો હતો, જે ૧૬ જૂન બાદની સૌથી ઊંચી સપાટી હતી. શાંઘાઈ ખાતે કોપર વાયદો ૧.૭ ટકા વધીને ૭૦,૭૭૦ યુઆન એટલે કે ૧૦,૯૧૪.૩૯ ડૉલરની સપાટી પર પહોંચ્યો હતો, જે પણ ૧૫ જૂન બાદની સૌથી ઊંચી સપાટી હતી. ચીનના મધ્ય ભાગમાં પૂર આવ્યું છે અને ખાસ કરીને જે શહેરમાં ઔદ્યોગિક વિસ્તાર છે એવા વિસ્તારમાં જ પૂર આવ્યું હોવાથી મોટું નુકસાન થયું છે. ચીનના હેનાન વિસ્તારમાં આ હબ છે. ઔદ્યોગિક મેટલ જેમાં કોપર સહિતની ધાતુનો સમાવેશ થાય છે, જેની માગ વધવાની ધારણા છે, પરિણામે કોપર વાયદામાં ફરી ૧૦,૦૦૦ ડૉલરના ભાવ થવાની ધારણા કેટલાક ઍનૅલિસ્ટો રાખી રહ્યા છે. કોપરની પાછળ નિકલ વાયદો પણ પાંચ મહિનાની ટોચે પહોંચ્યો હતો. નિકલ વાયદો ૧૯,૬૪૫ ડૉલર હતો, જ્યારે ટીન વાયદો ૩૪,૨૦૦ ડૉલરની સપાટી પર પહોંચ્યો હતો.

business news