ઇન્ફોસિસના પરિણામની વધામણી

17 July, 2020 05:42 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ઇન્ફોસિસના પરિણામની વધામણી

ઇન્ફોસિસ

ગુરુવારે સાપ્તાહિક વાયદાની પતાવટ વચ્ચે બૅન્કિંગ અને આઇટી શૅરોમાં ભારે ખરીદી વચ્ચે ભારતીય શૅરબજારમાં ગઈ કાલે વૃદ્ધિ જોવા મળી હતી. એશિયા અને યુરોપનાં શૅરબજારમાં ગઈ કાલે ઘટાડો જોવા મળી રહ્યો હતો, પણ ભારતમાં આઇટી કંપનીઓનાં સારા પરિણામ અને આયાત કરતાં નિકાસ વધી હોવાના ટ્રેડ સરપ્લસના આંકડા વચ્ચે સ્થાનિક પરિબળોના આધારે ખરીદી જોવા મળી હતી. સ્થાનિક ફંડ્સની સાત દિવસની વેચવાલી બાદ એક તબક્કે ઘટેલાં ખૂલેલાં શૅરબજાર ગઈ કાલે તેજી સાથે બંધ રહ્યાં હતાં.
આઇટી કંપનીઓ અને ચાર દિવસથી ઘટી રહેલી બૅન્કોમાં નીચા મથાળે વૅલ્યુ બાઇંગ જોવા મળ્યું હતું. સતત સાત દિવસથી વેચાણ કરી રહેલી સ્થાનિક સંસ્થાઓએ ગઈ કાલે ૧૬૬૦ કરોડ રૂપિયાની જંગી ખરીદી કરી હતી જે જુલાઈ મહિનાની સૌથી મોટી ખરીદી છે. સામે વિદેશી સંસ્થાઓએ સતત ત્રીજા દિવસે વેચાણ ચાલુ રાખી ગઈ કાલે ૧૦૯૧ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા.
સત્રના અંતે સેન્સેક્સ ૪૧૯.૮૭ પૉઇન્ટ કે ૧.૧૬ ટકા વધી ૩૬,૪૭૧.૬૮ અને નિફ્ટી ૧૨૧.૭૫ કે ૧.૧૫ ટકા વધી ૧૦,૭૩૯.૯૫ની સપાટીએ બંધ આવ્યા હતા. બજારમાં સ્મૉલ કૅપ કંપનીઓમાં વેચવાલી હતી અને મિડ કૅપમાં આંશિક વધારો હતો. ગઈ કાલે વધેલા કરતાં ઘટેલા શૅરોની સંખ્યા વધારે હતી એટલે એવું લાગી રહ્યું હતું કે માત્ર ઇન્ડેક્સ હેવીવેઇટ કંપનીઓ કે બ્લુચીપમાં જ ખરીદી રહી છે.
ગઈ કાલે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ ક્ષેત્રોમાંથી મીડિયામાં ૧.૬૫ ટકાના ઘટાડા સિવાય દરેક ક્ષેત્રોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં વૃદ્ધિ હતી એમાં આઇટી, બૅન્કિંગ અને ફાર્મામાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. એક્સચેન્જ પર ૪૦ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને ૧૧ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૮૩ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૪૫ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ પર ૯૦ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૫૦ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૧૧ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૩૪૬માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૧૩ ટકા ઘટ્યો હતો અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૭૧ ટકા વધ્યો હતો. ગુરુવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૭૩,૭૦૩ કરોડ વધી ૧૪૨.૮૧ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
ઇન્ફોસિસની છલાંગ સાથે
આઇટી શૅરોમાં તેજી
વિપ્રોના સારા પરિણામ અને સ્ટુડન્ટ વિઝા અંગે અમેરિકાએ નિર્ણય ફેરવી તોળતાં બુધવારે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ૫.૨૪ ટકા વધ્યો હતો. ગઈ કાલે ઇન્ફોસિસના પરિણામ અને સારા ગાઇડન્સની અસર તળે બીજા દિવસે પણ આઇટી કંપનીઓમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ગઈ કાલે ઉપરના મથાળેથી ૫૬૫ પૉઇન્ટ ઘટ્યા પછી પણ ૨.૮૩ ટકા વધીને બંધ આવ્યો હતો.
ગઈ કાલે આઇટી કંપનીઓ ઇન્ફોસિસ ૯.૫૧ ટકા વધ્યો હતો જે ચાર મહિનામાં એક જ દિવસનો સૌથી મોટો ઉછાળો છે. જૂન ક્વૉર્ટરમાં નફો બે ટકા ઘટ્યો હતો અને વેચાણ ૧.૭ ટકા વધ્યું હોવાથી ધારણા કરતાં સારા પરિણામ આવતાં ઇન્ફોસિસના શૅર બુધવારે પણ  ૬.૧૬ ટકા વધ્યા હતા. અન્ય કંપનીઓમાં લાર્સન ઍન્ડ ટુબ્રો ઇન્ફોટેક લિમિટેડ ગઈ કાલે ૪.૯૪ ટકા, માઇન્ડટ્રી ૩.૬૮ ટકા, એમ્ફેસિસ ૩.૫૩ ટકા, એચસીએલ ટેક ૩.૦૬ ટકા, ટીસીએ ૦.૧૮ ટકા વધ્યા હતા. જોકે બુધવારના વિક્રમી ઉછાળા પછી વિપ્રો ૦.૫૭ ટકા ઘટ્યો હતો.
ફાર્મામાં વૅક્સિનની અપેક્ષાએ ખરીદી
દેશમાં કોરોનાની વૅક્સિન અંગે થઈ રહેલી પ્રગતિ અને જૂન મહિનામાં ફરી એક વખત ફાર્માની નિકાસ વધી હોવાથી ફાર્મા શૅરોમાં ગઈ કાલે ઉછાળો જળવાઈ રહ્યો હતો. ગઈ કાલે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧.૬૮ ટકા અને સાત સત્રમાં ૫.૧૧ ટકા વધ્યો છે. આ સાથે ઇપ્કાના શૅર ૭.૬૪ ટકા, સિપ્લા ૫.૭૦ ટકા, લુપીન ૨.૭૮ ટકા, ડૉ રેડ્ડીઝ ૨.૬૫ ટકા અને એબોટ ઇન્ડિયા ૧.૯૫ ટકા વધ્યા હતા.
ભારતી ઇન્ફ્રાટેલના શૅરમાં ઘટાડો યથાવત્
મોબાઇલ ટેલિફોન કંપનીઓને ટાવરની સુવિધા પૂરી પાડતી ભારતી ઇન્ફ્રાટેલના શૅરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાવર માટે આ કંપની ઍરટેલ અને વોડાફોન પર આધાર રાખે છે. વોડાફોનની નાણાકીય સ્થિતિ એકદમ તંગ છે અને બજારમાં એવી ચર્ચા હતી કે કંપનીએ જૂન મહિનામાં વેન્ડરને ચૂકવણા કર્યા નથી. આ ઉપરાંત, વોડાફોન નબળી પડે તો કંપનીને ટાવરના ભાડાની આવક પણ ઘટી શકે છે. છેલ્લા નવ દિવસથી શૅરના ભાવ આઠ ટ્રેડિંગ સત્રમાં ઘટ્યા છે. જુલાઈ ૬ના રોજ ૨૨૬.૫૦ રૂપિયાના ભાવ સામે ગઈ કાલે શૅરનો ભાવ ૧૮૯.૯૦ રૂપિયા બંધ રહ્યો છે જે ૧૬ ટકાનો ઘટાડો દર્શાવે છે. ગઈ કાલે શૅર ૬.૯૬ ટકા ઘટ્યો હતો અને એ બે મહિનાની સૌથી નીચી સપાટી છે.
નવા લૉકડાઉનની ચિંતામાં ડી માર્ટના શૅરમાં ઘટાડો
જૂન ક્વૉર્ટરમાં વેચાણ ૩૪ ટકા ઘટ્યા પછી અને ફરીથી દેશભરમાં વિવિધ શહેરો કે રાજ્યો દ્વારા સ્થાનિક રીતે લૉકડાઉન જાહેર કર્યા હોવાથી ડી માર્ટ સ્ટોર્સના માલિક અવેન્યુ સુપરમાર્કેટના શૅર ગઈ કાલે ત્રણ મહિનાની નીચી સપાટીએ પટકાયા હતા. કંપનીએ ૨૦૪૯ રૂપિયાના ભાવે ક્વૉલિફાઇડ ઇન્વેસ્ટરને શૅર આપ્યા છે. ગઈ કાલે શૅરનો ભાવ એક તબક્કે ૧૯૮૧ રૂપિયા થઈ દિવસના અંતે ૬.૪૭ ટકા ઘટી ૨૦૦૭.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. ૧૧ જુલાઈએ જૂન ક્વૉર્ટરના પરિણામ જાહેર કર્યા પછી શૅરના ભાવ ૧૫ ટકા જેટલા ઘટી ગયા છે.
અન્ય શૅરોમાં વધઘટ
૧૫,૦૦૦ કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યુ ગઈ કાલે ખુલ્યો હતો અને એ ૪૭ ટકા ભરાયો હતો. ૧૩ રૂપિયાના ભાવે ઑફર થઈ રહેલા નવા શૅરના કારણે બૅન્કનો શૅર ૫.૮૭ ટકા ઘટી ૧૯.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના શૅર ૪૦૦૦ કરોડ રૂપિયાની વધારાની મૂડી ઊભી કરવાના બોર્ડના નિર્ણય સાથે ૧.૨૮ ટકા વધ્યા હતા. ટાઇટનના શૅર ગઈ કાલે ૦.૮૮ ટકા ઘટ્યા હતા. નવા લૉકડાઉન જાહેર થઈ રહ્યા હોવાથી કંપનીના વેચાણ-નફાને અસર થઈ શકે એવા ડરથી શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
૧૧,૦૦૦ કરોડ રૂપિયાની વધારાની મૂડી ઊભી કરવાના બોર્ડના નિર્ણય સાથે આઇડીબીઆઇ બૅન્કના શૅર ૪.૦૧ ટકા ઘટ્યા હતા. એસબીઆઇ કાર્ડ ઍન્ડ પેમેન્ટના શૅર ગઈ કાલે ૩.૮૨ ટકા
વધ્યા હતા.

શૅરબજારમાં પીનોટ્સ રોકાણમાં સતત ત્રીજા મહિને વૃદ્ધિ
સતત ત્રીજા મહિને ભારતીય શૅરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા પાર્ટિસિપેટરી નોટ્સ (પી નોટ્સ) થકી આવતા રોકાણમાં વધારો જોવા મળ્યો છે. જૂન મહિનાના અંતે રોકાણ ૬૨,૧૩૮ કરોડ રૂપિયા રહ્યું હતું.
માર્ચ મહિનામાં પીનોટ્સ રોકાણ ૪૮,૦૦૬ કરોડ રૂપિયાની સપાટીએ હતું જે છેલ્લાં ૧૫ વર્ષમાં સૌથી નીચું હતું. એપ્રિલ મહિનામાં પીનોટ્સ થકી રોકાણ ૫૭,૧૦૦ કરોડ રૂપિયા હતું જે મહિનામાં વધી ૬૦,૦૨૭ કરોડ અને જૂનના અંતે ૬૨,૧૩૮ કરોડ રૂપિયા થયું છે. વિદેશી નાણાસંસ્થાઓ પોતાના ગ્રાહકોને ભારતમાં રોકાણ માટે નોંધણી કર્યા વગર પીનોટ્સ ઇશ્યુ કરી શકે છે. આ પીનોટ્સ વેચી એમાં એકત્ર થયેલી રકમ વિદેશી ફંડ્સ ભારતીય બજારમાં રોકે છે.
જૂન મહિનાના અંતે પીનોટ્સના કુલ ફંડમાંથી ૫૨,૧૭૧ કરોડ રૂપિયા ઇક્વિટીમાં, ૯૫૭૨ કરોડ રૂપિયા બોન્ડમાં, ૨૩૧ કરોડ રૂપિયા હાઈબ્રીડ સિક્યૉરિટીઝમાં અને બાકીના અન્ય ડેરિવેટિવ્ઝમાં રોકાયા હતા.

business news