સોના અને ચાંદીમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવાયો

03 September, 2020 03:17 PM IST  |  Mumbai | Mayur Mehta

સોના અને ચાંદીમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવાયો

સોના ચાંદીના ભાવમાં ઘટાડો

અમેરિકાના સ્ટ્રૉન્ગ મૅન્યુફૅક્ચરિંગ ડેટા બાદ ડૉલર સુધરતાં સોના-ચાંદીમાં પ્રૉફિટ બુકિંગ વધતાં પ્રત્યાઘાતી ઘટાડો નોંધાયો હતો, જેને પગલે મુંબઈ માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૮૯થી ૩૯૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૪૮૧ રૂપિયા ઘટી હતી.
વિદેશી પ્રવાહો
અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ડેટા વધીને આવતાં અમેરિકી ડૉલર સુધર્યો હતો અને સોનામાં પ્રૉફિટ બુકિંગ વધતાં વિશ્વબજારમાં સોનાના ભાવ ઘટ્યા હતા. અમેરિકી ડૉલર સવાબે વર્ષના તળિયે પહોંચતાં સોનું મંગળવારે વિશ્વબજારમાં બે સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યું હતું. સોનું બુધવારે સ્પોટ માર્કેટમાં ૦.૧ ટકા અને ફ્યુચરમાં ૦.૨ ટકા ઘટ્યું હતું. સોનાનો ઘટાડો લાંબો સમય ટકશે નહીં એવું ઍનૅલિસ્ટોનું માનવું છે, કારણ કે ઑસ્ટ્રેલિયન મીન્ટમાં સોનાનું વેચાણ ઑગસ્ટ મહિનામાં ત્રણ ગણું વધ્યું હતું તેમ જ અમેરિકન મીન્ટમાં પણ સોનાનું વેચાણ સતત વધી રહ્યું છે. આ ઉપરાંત ભારત અને ટર્કીની ગોલ્ડ ઇમ્પોર્ટ સતત વધી રહી છે. ટર્કીની ગોલ્ડ ઇમ્પોર્ટ ઑગસ્ટમાં ચાર ગણી વધી હતી અને ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ ઑગસ્ટમાં આઠ મહિનાની ઊંચાઈએ પહોંચી હતી. આ તમામ ફૅક્ટરો સોનાને બહુ જ ટૂંકા ગાળામાં ફરી ૨૦૦૦ ડૉલરના લેવલે પહોંચાડશે એવું ઍનૅલિસ્ટોનું માનવું છે.
ઇકૉનૉમિક ફૅક્ટર
અમેરિકાનો ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑગસ્ટમાં વધીને ૫૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૫૪.૨ પૉઇન્ટ હતો. જોકે પ્રાઇવેટ એજન્સી દ્વારા તૈયાર થતા રિપોર્ટમાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑગસ્ટમાં ઘટીને ૫૩.૧ પૉઇન્ટ બતાવ્યો હતો, જે જુલાઈમાં ૫૩.૬ પૉઇન્ટ હતો. અમેરિકાના કન્સ્ટ્રક્શન સ્પેન્ડિંગમાં જુલાઈમાં ૦.૧ ટકાનો વધારો નોંધાયો હતો જે અગાઉના મહિને ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો. અમેરિકાના ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં નવેમ્બર ૨૦૧૮ એટલે કે પોણાબે વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરના તમામ સબઇન્ડેક્સ વધ્યા હતા. ખાસ કરીને એક્સપોર્ટ ઑર્ડર અને પ્રોડક્શનમાં મોટો વધારો નોંધાયો હતો. યુરો ઝોન પ્રોડ્યુસર્સ પ્રાઇસનો ઇન્ડેક્સ જુલાઈમાં ૦.૬ ટકા વધ્યો હતો જે માર્કેટની ૦.૫ ટકાની ધારણા કરતાં વધુ વધ્યો હતો.

 ભારતની સોનાની ઇમ્પોર્ટ ઑગસ્ટમાં બમણી વધીને આઠ મહિનાની ઊંચાઈએ પહોંચી

ભારતની સોનાની ઇમ્પોર્ટ ઑગસ્ટમાં બમણી વધીને આઠ મહિનાની ઊંચાઈએ પહોંચી હતી. રિપોર્ટ પ્રમાણે ભારતની સોનાની ઇમ્પોર્ટ ઑગસ્ટમાં ૬૦ ટનની થઈ હતી જે ગયા વર્ષના ઑગસ્ટમાં ૩૨.૧ ટનની જ નોંધાઈ હતી તેમ જ મૂલ્યની રીતે ઑગસ્ટમાં ૩.૭ અબજ ડૉલરની સોનાની ઇમ્પોર્ટ થઈ હતી જે ગયા વર્ષે ઑગસ્ટમાં ૧.૩૭ અબજ ડૉલરની કિંમતના સોનાની ઇમ્પોર્ટ થઈ હતી. કોરોના વાઇરસને કારણે લૉકડાઉનની સ્થિતિમાં દેશના તમામ જ્વેલર્સો બંધ હોવાથી સોનાની ડિમાન્ડ સતત ઘટતી જતી હતી જે લૉકડાઉનની સ્થિતિ હળવી થતાં તેમ જ ગ્રામ્યસ્તરની ડિમાન્ડ વધતાં સોનાની ઇમ્પોર્ટ ઑગસ્ટમાં સ્પ્રિંગની જેમ ઊછળી હતી.

business news