કઠોળના ભાવમાં ઉછાળાથી ચિંતિત સરકારે મસૂર દાળની આયાત જકાત ઘટાડો કર્યો

19 September, 2020 11:32 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કઠોળના ભાવમાં ઉછાળાથી ચિંતિત સરકારે મસૂર દાળની આયાત જકાત ઘટાડો કર્યો

મસૂર દાળ

દેશમાં વધી રહેલા દાળ-કઠોળના ભાવને અંકુશમાં રાખવા માટે કેન્દ્ર સરકારે મસૂર દાળની આયાત જકાતમાં ૨૦ ટકાનો જંગી ઘટાડો કર્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇન્ડાયરેક્ટ ટૅક્સ એન્ડ કસ્ટમ્સ (એસબીઆઇસી)એ એક પરિપત્રમાં જૂન ૨૦૧૭ની  સૂચનામાં સુધારો કર્યો છે, જેથી  તા. ૧૮ સપ્ટેમ્બરથી ૩૧ ઑક્ટોબર ૨૦૨૦ સુધીના સમયગાળામાં દાળ (મસૂર દાળ)પરની મૂળભૂત કસ્ટમ જકાત ઘટાડી શકાય. અમેરિકા સિવાયના દેશોમાંથી આયાત કરાતી મસૂર દાળ પરની જકાતને ૩૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી દેવામાં આવી છે. અમેરિકાથી મસૂર દાળની આયાતના સંદર્ભમાં જકાત અગાઉના ૫૦ ટકા કરતાં ઘટાડીને ૩૦ ટકા કરવામાં આવી છે.

અગાઉ જૂનમાં અમેરિકા સિવાયના કોઈ પણ દેશમાંથી આવતા શિપમેન્ટ માટે આયાત જકાત ઘટાડીને ૧૦ ટકા કરી દેવામાં આવી હતી. અમેરિકાના મામલે કસ્ટમ્સ ડ્યુટી ૫૦ ટકાથી ઘટાડીને ૩૦ ટકા કરવામાં આવી હતી.

 ભારત કઠોળનો વિશ્વનો સૌથી મોટો વપરાશકાર અને આયાતકાર દેશ છે. સરકારના અનુમાન મુજબ આ વર્ષે કઠોળના પાક વર્ષ (જુલાઈ-જૂન) દરમ્યાન દેશના કુલ કઠોળનું ઉત્પાદન ૨.૧૧ કરોડ ટન હતું, જે અગાઉના વર્ષમાં ૨.૨૦ કરોડ ટન હતું. દેશમાં મસૂરનું ઉત્પાદન ૨૦૧૮-૧૯ પાક વર્ષના ૧૨.૩ લાખ ટનથી ઘટીને પછીના વર્ષે ૧૧.૮ લાખ ટન થવાનો અંદાજ છે.

business news