ખાદ્યતેલોમાં આગઝરતી તેજીથી પ્રજા ત્રાહિમામ : સરકાર મૂક પ્રેક્ષક

15 March, 2021 08:55 AM IST  |  Mumbai | Mayur Mehta

ખાદ્યતેલોમાં આગઝરતી તેજીથી પ્રજા ત્રાહિમામ : સરકાર મૂક પ્રેક્ષક

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના કપરા કાળમાંથી હજી પ્રજા બહાર નીકળી શકી નથી ત્યારે મોંઘવારીના આક્રમણથી પ્રજા હાલ ત્રાહિમામ પોકારી ચૂકી છે. ખાસ કરીને ખાદ્યતેલોના ભાવ છેલ્લા ત્રણ મહિનામાં કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ખાદ્યતેલોનો છેલ્લાં ૨૫ વર્ષનો ભાવવધારો એક વર્ષમાં જોવા મળ્યો છે.

સતત વધતી આયાત
તેલીબિયાંનું ઉત્પાદન વધારવા સરકારની અવગણનાને કારણે હાલ ભારતની ૭૫ ટકા ખાદ્યતેલોની જરૂરિયાત આયાતથી પૂરી થઈ રહી છે. ભારતની વાર્ષિક ખાદ્યતેલોની જરૂરિયાત ૨૨૫થી ૨૩૦ લાખ ટનની સામે હાલ ૧૪૦થી ૧૫૦ લાખ ટન ખાદ્યતેલોની આયાત કરી રહ્યા છે. ભારત મલેશિયા-ઇન્ડોનેશિયાથી પામતેલ, બ્રાઝિલ-આર્જેન્ટિનાથી સોયાતેલ અને યુક્રેન-રશિયાથી સનફલાવર ઑઇલની ઇમ્પોર્ટ કરી રહ્યું છે. ભારત ઘરઆંગણે માત્ર ૬૫,૦૦૦ ટન ખાદ્યતેલોનું ઉત્પાદન કરે છે.

ચાર મહિનામાં ભાવવધારો
મુંબઈની આમપ્રજા સામાન્ય રીતે ચાર પ્રકારનાં ખાદ્યતેલોનો વપરાશ સૌથી વધુ કરે છે. ગુજરાતી, મારવાડીઓ સીંગતેલ-કપાસિયા તેલનો વપરાશ કરે છે જ્યારે નોર્થના લોકો રાયડા તેલ અને દક્ષિણ ભારતીયો પામતેલનો વપરાશ કરે છે. મુંબઈના ધનાઢ્ય લોકો બ્રૅન્ડેડ સનફ્લાવર અને રાઇસબ્રાનનો વપરાશ કરે છે. રીટેલ માર્કેટમાં પામતેલનો ભાવ દિવાળીએ કિલોનો ૧૦૫-૧૧૦ રૂપિયા હતો તે વધીને હાલ ૧૪૦-૧૪૫ રૂપિયા થયો છે. સીંગતેલનો ભાવ દિવાળીએ કિલોનો ૧૪૫-૧૫૦ રૂપિયા હતો તે વધીને ૧૭૫-૧૮૦ રૂપિયા થયો છે. સનફ્લાવર ઑઇલનો ભાવ દિવાળીએ ૧૩૦-૧૩૫ રૂપિયા હતો જે હાલ ૧૯૦-૧૯૫ રૂપિયા થયો છે. રાયડા તેલનો ભાવ દિવાળીએ પ્રતિ કિલો ૧૩૦- ૧૩૫ રૂપિયા હતો જે વધીને હાલ ૧૬૦-૧૬૫ રૂપિયા થયો છે.

તેજીનું કારણ અને ભાવિ
વિદેશી બજારોમાં દરેક ખાદ્યતેલોના ફન્ડામેન્ટ તેજીના બનતાં તેની સીધી અસર ભારતીય ખાદ્યતેલોની માર્કેટમાં જોવા મળી છે. દેશની અડધા ઉપરાંતની જનતા પામતેલનો વપરાશ કરે છે અને ભારતમાં પામતેલનું ઉત્પાદન એકદમ નજીવું થાય છે. મલેશિયા અને ઇન્ડોનેશિયા હવે પામતેલમાંથી બાયોડીઝલ બનાવવાનો પોગ્રામ ઘડી રહ્યું હોઈ પામતેલની ઉપલબ્ધતા ઘટી રહી હોઈ ભાવ સતત વધે છે. મલેશિયન પામતેલ વાયદો હાલ ૧૩ વર્ષની ઊંચાઈએ છે. ભારત સોયાતેલની આયાત બ્રાઝિલ-આર્જેન્ટિનાથી થાય છે. બ્રાઝિલમાં ભારે વરસાદ અને આર્જેન્ટિનામાં દુષ્કાળની સ્થિતિથી સોયાબીનના ઉત્પાદનની સ્થિતિ નાજુક બની છે. વળી બન્ને દેશો સોયાતેલમાંથી બાયોડીઝલ બનાવવા માટે અનેક નવા પ્લાન્ટ નાખી રહ્યા હોઈ સોયાતેલના ભાવ પણ ઊંચા છે. સનફ્લાવરનું ઉત્પાદન યુક્રેન-રશિયામાં ઘટતાં ભાવ વધ્યા. આ તમામ દેશોની સપ્લાય સ્થિતિ બેથી ત્રણ મહિના સુધરવાની શક્યતા ન હોવાથી ખાદ્યતેલોના ભાવ હજી વધતા રહેેશે.

રસોઈમાં તેલ વગર એક પણ ચીજ રાંધી શકાતી નથી આથી તેલ હવે દરેક ઘર માટે અતિઆવશ્યક ખાદ્યચીજ બની છે, ત્યારે છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલોના ભાવ લગભગ બમણા થઈ ચૂક્યા છે. ગરીબ-મધ્યમવર્ગીયનાં ઘરોના બજેટ મોંઘવારીને કારણે સાવ સંકડાઈ ચૂક્યા છે. સરકારે ખાદ્યતેલોના ભાવને કાબૂમાં લેવા તાત્કાલિક ધોરણે આયાત ડ્યુટી ઘટાડવી જોઈએ તેમ જ ખાદ્યતેલો પરનો પાંચ ટકા જીએસટી તાત્કાલિક ધોરણે નાબૂદ કરવો જોઈએ.
શંકર વી. ઠક્કર, રાષ્ટ્રીય અધ્યક્ષ, અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘ, મુંબઈ

ખાદ્યતેલોના સતત વધી રહેલા ભાવની તેજી ૧૫ એપ્રિલ સુધી ચાલે તેવા સંકેતો મળી રહ્યા છે ત્યાર બાદ ધીમે-ધીમે તેજી ધીમી પડશે અને જૂન-જુલાઈમાં ખાદ્યતેલોની માર્કેટમાં નોર્મલ સ્થિતિ આવી શકે છે. સરકારે આયાતી ખાદ્યતેલોની ટેરિફ વેલ્યુ
સ્થગિત કરવી જોઈએ. અગાઉ ૨૦૦૬થી ૨૦૧૩ સુધી સરકારે ટેરિફ વેલ્યુ સ્થગિત કરી હતી જેને કારણે આયાતી ખાદ્યતેલોના ભાવ વધે તો તેની અસર ખાળી શકાય છે.
ડૉ. બી. વી. મહેતા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન, મુંબઈ

ખાદ્યતેલોના ભાવ છેલ્લા એક વર્ષથી વધી રહ્યા છે, પણ છેલ્લા ચાર મહિનાથી ખાદ્યતેલોના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. ખાદ્યતેલોની આગઝરતી તેજી અને મૉલ કલ્ચર કૂદકેને ભૂસકે વધી રહ્યું હોઈ હવે લોકો એક લિટર-બે લિટરના પાઉચના વપરાશ તરફ વળી ગયા છે. મિતેશ શૈયા, ખાદ્યતેલ ટ્રેડર, કાન્તિલાલ લક્ષ્મીચંદ અૅન્ડ કંપની, મુંબઈ

business news